Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના હિતમાં ઓફલાઈન પરીક્ષા તુરત યોજવા માંગણી

ઓનલાઈન પરીક્ષાની તૈયારી થઈ શકતી નથીઃ વિદ્યાર્થીઓના વર્ષને નુકસાન થવાની શકયતા તુરત સ્નાતક કક્ષાએ ૬ઠ્ઠા, અનુસ્નાતક કક્ષાએ ચોથા સેમેસ્ટરની પરીક્ષા લેવા મુખ્યમંત્રીને ડો. નિદત બારોટની રજૂઆત

રાજકોટ, તા. ૧૯ :. કોરોના મહામારીમાં છેલ્લા કેટલાક સમયથી અધ્ધરતાલ રહેલ પરીક્ષા ઓફલાઈન યોજવા તાત્કાલીક મંજુરી આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડો. નિદત બારોટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

ડો. નિદત બારોટે રજૂઆતમાં જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્નાતક કક્ષાની છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષાઓ અને અનુસ્નાતક કક્ષાની ચોથા સેમેસ્ટરની પરીક્ષાઓ લેવાની બાકી છે. સ્નાતક અને અનુસ્નાતક બન્ને કક્ષાએ આ પરીક્ષાઓ અતિ મહત્વની છે. સ્નાતક કક્ષાએ પાસ થનાર વિદ્યાર્થીઓ ખાસ કરીને બી.એસસી., એમ.એસસી. કરવા માટે ગુજરાતની જુદી જુદી સરકારી અને પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માંગતા હોય છે. હાલમાં ઘણી જગ્યાએ પ્રવેશની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે, પરિણામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સ્નાતક કક્ષાની કોલેજોના વિદ્યાર્થીઓને ખૂબ જ અન્યાય થવાનો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવાની તૈયારી થઈ શકી નથી. આમ યુનિવર્સિટીના વાંકે વિદ્યાર્થીઓના વર્ષને નુકસાન જવાની શકયતા છે. અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ પીએચ.ડી. કરવા માટે અથવા પરીક્ષાઓ આપવા માટે ચોથા સેમેસ્ટરનું પરિણામ મેળવે તે અતિ આવશ્યક છે. વર્તમાન પરિસ્થિતિમાં બધા વિષયોમાં ઓનલાઈન પરીક્ષાનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરી શકાય તે માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું કિંમતી વર્ષ અને સમય બચાવવો જોઈએ. હાલમાં જ સૌરાષ્ટ્રમાં જી.પી.એસ.સી.ની ૨૫ હજાર જેટલા વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લેવાય રહી છે. આ પરિસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ઓફલાઈન પરીક્ષા યોજવી જોઈએ તે અત્યંત જરૂરી છે. રાજ્ય સરકારની કોવીડ માર્ગદર્શિકાને કારણે યુનિવર્સિટીઓ એવુ અર્થઘટન કરે છે કે ઓફલાઈન પરીક્ષા યોજી શકાશે નહિ. વ્યકિતગત રસ લઈને ઓફલાઈન પરીક્ષા કોવીડ ગાઈડલાઈનને ધ્યાનમાં લઈને ૧૫ વિદ્યાર્થીઓ વર્ગમાં બેસે તે પ્રમાણે પરીક્ષા લેવાની છુટછાટ જાહેર કરો તે અત્યંત જરૂરી છે. જૂન મહિનાના અંતમાં મંજુરી આપવામાં આવે તો પણ પરીક્ષા અને પરિણામ આપતા યુનિવર્સિટી લગભગ ઓગષ્ટ મહિનો પુરો કરે ત્યારે સમગ્ર પરીક્ષાની કાર્યવાહી પૂર્ણ થાય. વિદ્યાર્થીઓને ન્યાય આપવાના ભાગરૂપે સ્નાતક કક્ષાએ છેલ્લા છઠ્ઠા સેમેસ્ટરની અને અનુસ્નાતક કક્ષાએ ચોથા સેમેસ્ટરની પરીક્ષાઓ ઓફલાઈન યોજવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આદેશ કરો તેવી લાગણી ડો. નિદત બારોટે વ્યકત કરી છે.

(4:49 pm IST)