Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

શહેરમાં ૧૫૮ બગીચા : ૪માં CCTV કેમેરાની સુરક્ષા

સ્ટેન્ડીંગ સભ્ય મનીષ રાડિયાએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નના જવાબમાં બગીચાઓનો ઇતિહાસ ખુલ્યો : સૌથી જુનો ૧૯૬૬માં આજી ડેમ ખાતેનો બગીચો : ત્યારબાદ ૧૯૭૦માં શારદાબાગ અને ૧૯૭૫માં રેસકોર્ષમાં પ્રથમ બગીચો બનાવાયો : સૌથી વધુ બગીચાઓ ૨૦૦૦ની સાલ પછી બનાવાયા

રાજકોટ તા. ૧૯ : શહેરમાં કુલ કેટલા બગીચાઓ આવેલ છે ? તમામ બાગ - બગીચામાં સીસીટીવી કેમેરા છે કે કેમ ? સહિત ના પ્રશ્નો ગત શનિવારે મળેલ જનરલ બોર્ડમાં સ્ટેન્ડીંગ સભ્ય અને કોર્પોરેટર મનિષ રાડિયાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં તંત્રએ જણાવેલ કે, શહેરના ૧૮ વોર્ડમાં વિવિધ વિસ્તારમાં ૧૫૮ બગીચાઓ છે. જેમાં વોર્ડ નં. ૨માં આવેલ રેસકોર્ષ સિનીયર સિટીઝન પાર્ક, રેસકોર્ષ બાલઉદ્યાન તથા રેસકોર્ષ વિસ્તૃતીકરણ ગાર્ડન તથા વોર્ડ નં. ૧૪ના સોરઠીયા વાડી ગાર્ડનમાં સુરક્ષા માટે સીસીટીવી કેમેરાઓ છે.

સૌથી જુનો ૧૯૬૬માં આજી ડેમ ખાતેનો બગીચો છે ત્યારબાદ ૧૯૭૦માં શારદાબાગ અને ૧૯૭૫માં રેસકોર્ષનો પ્રથમ બગીચો સ્નાનાગાર પાસે બનાવામાં આવ્યો. સૌથી વધુ બગીચાઓ ૨૦૦૦ની સાલ પછી બનાવામાં આવ્યા છે.

મનીષભાઈ રાડીયાએ બાગબગીચા શાખા લગત પ્રશ્ન પૂછેલ, તેના પ્રત્યુતરમાં મહાનગરપાલિકા તંત્રએ જવાબ આપેલ કે,શહેરમાં શહેરના વિકાસની સાથોસાથ લોકસુવિધા અને પર્યાવરણ સુધારણા ભાગરૂપે ટાઉન પ્લાનીંગ સ્કીમ અંતર્ગત ફાળવણી થતા નાના મોટા પ્લોટ્સ વિગેરેમાં સ્થાનીકેની ઉપલબ્ધી અને રહેણાકી સ્થિતિ ધ્યાને લઇ નાના મોટા બગીચાઓ, બાલક્રિડાંગણ, સિનિયર સિટીઝન પાકર્સ વિગેરે ૧૫૮ બાગ બગીચા છે.

જેમાં વોર્ડ નં. ૧માં - ૫, વોર્ડ નં. ૨માં ૨૧, વોર્ડ નં. ૩માં ૮, વોર્ડ નં. ૪માં ૨, વોર્ડ નં. ૫માં ૪, વોર્ડ નં. ૬માં ૧૨, વોર્ડ નં. ૭માં ૬, વોર્ડ નં. ૮માં ૧૦, વોર્ડ નં. ૯માં ૧૯, વોર્ડ નં. ૧૦માં ૨૦, વોર્ડ નં. ૧૩માં ૧૪, વોર્ડ નં. ૧૪માં ૧૩, વોર્ડ નં. ૧૫માં ૧૧, વોર્ડ નં. ૧૬માં ૩, વોર્ડ નં. ૧૭માં ૬, વોર્ડ નં. ૧૮માં ૨ તથા ન્યારીમાં ૨ સહિત કુલ ૧૫૮ બગીચાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત શ્રી રાડિયાએ મ.ન.પા. દ્વારા રમત-ગમત માટે કેટલા મેદાન ભાડે અપાયા છે ? તેવો પ્રશ્ન જનરલ બોર્ડમાં રજૂ કરેલ જેના જવાબમાં અધિકારીઓએ જણાવેલ કે, શહેરના સત્ય સાંઇ રોડ પર આવેલ ૧૦૦૦ ચો.મી.ના ટી.પી. પ્લોટ ક્રિકેટ એકેડેમી માટે નવરંગ ચેરીટેબલ ટ્રસ્ટને ભાડે આપેલ છે જેની કુલ આવક તંત્રને રૂ. ૧,૦૮,૧૦૬ જેટલી થઇ છે.

(4:00 pm IST)