Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

રાજકોટને ડિસેમ્બર સુધીમાં ટેન્કર મુકત કરો : તંત્રને વિજયભાઇની તાકિદ

આજની ઘડી રે રળીયામણી ..આજી છલકાયાની વધામણી..રે :નવા નિરને વધાવતા મુખ્યમંત્રી : ગઇસાંજે રાજકોટનાં હૃદય સમ્રાટ આજી ડેમ ૧૪મી વખત ઓવરફલો : જળ સંકટની આપતી ટળીઃ મુખ્યમંત્રીએ ઓનલાઇન નવા નીરને વધાવ્યા : કાર્યક્રમમાં મેયર સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

રાજકોટ,તા.૧૯: શહેરનાં પાણી વિતરણનાં આધાર સ્તંભ સમા આજી-૧ ડેમમાં ગઇકાલે બપોર બાદ પાણીની ૨ ફુટથી વધુ ધોધમાર આવક થતા આ ડેમ તેના અંતિમ લેવલ ૨૯ ફુટને વટી ગયું હતુ અને સાંજે ૬ વાગ્યે આસપાસ ડેમ ઓવરફલો થતા રાજકોટ વાસીઓનાં હૈયા હરખાયા હતા.દરમિયાન આજે રાજકોટનાં પનોતા પુત્ર અને રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોનફરન્સમાં આજી ડેમાં આવેલા નવાનીરને ઓનલાઇન વધાવ્યા હતા.

ગુજરાતમાં હવે 'પાણીનો દુષ્કાળ ભૂતકાળ બનશે'.આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજયના તમામ ઘરોમાં 'નલ સે જલ યોજના' અંતર્ગત નળ દ્વારા પીવાનું શુદ્ઘ પાણી અપાશે તેમ આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ ખાતે આવેલા આજી ડેમ નીરના ઈ-વધામણાં કરતાં જણાવ્યું હતું.

રાજકોટ શહેરને શુદ્ઘ પીવાનું પાણી પૂરું પાડતો આજી ડેમ ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે ઓવરફલો થતાં આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને રાજકોટના પનોતા પુત્ર શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ડેમના પવિત્ર નીરના ઈ- વધામણાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમજ શ્રીમતી અંજલીબેન રૂપાણીએ ગાંધીનગરથી ભાવનાત્મક રીતે જોડાઈને શ્રીફળ, ચુંદડી અને પુષ્પોથી આજી ડેમ નીરના ઈ- વધામણાં કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આ પ્રસંગે ઉપસ્થિત તમામને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરને શુદ્ઘ પીવાનું પાણી પૂરૃં પાડતો આજી ડેમ આજે ઓવરફલો થતા રાજકોટવાસીઓમાં આનંદની લહેર જોવા મળે છે. ગુજરાત સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત આજીડેમને વર્ષમાં બેથી ત્રણ વખત નર્મદાના નીરથી ભરવામાં આવે છે. જેના પરિણામે રાજકોટ શહેરની જનતાને ઘરે ઘરે શુદ્ઘ પીવાનું પાણી મળી રહે છે. જળ વિના રાજયનો વિકાસ શકય નથી જેના ભાગરૂપે ગુજરાત સરકારે નર્મદાના વધારાના વહી જતા નીરને સૌની યોજના થકી સૌરાષ્ટ્રમાં પહોંચ્યા છે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવ્યા છે. જેના પરિણામે ગુજરાત હવે 'ડંકી મુકત, હેન્ડપંપ મુકત અને ટેન્કર મુકત' ગુજરાત બન્યું છે. કુદરતની મહેરથી સૌરાષ્ટ્રના લાલપરી, આજી-૧ અને ૨,ન્યારી અને ભાદર ડેમ છલકાયા છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, 'નલ સે જલ યોજના' અંતર્ગત આગામી તા. બીજી ઓકટોબર ૨૦૨૦ સુધીમાં ગુજરાતના પાંચ જિલ્લાના તમામ ઘરોમાં શુદ્ઘ પીવાનું પાણી નળ દ્વારા પુરૂ પાડવામાં આવશે. જયારે બાકી રહેતા તમામ જિલ્લામાં આ કાર્ય આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જેના પરિણામે લોકોને સ્વચ્છ અને ક્ષાર વિનાનું શુદ્ઘ પીવાનું પાણી મળતાં વિવિધ પાણીજન્ય રોગોમાંથી મુકિત મળશે.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે ઉપસ્થિત રાજકોટ શહેરના પદાધિકારી અને અધિકારીઓને અનુરોધ કરતાં કહ્યું હતું કે, રાજકોટ શહેર આગામી ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં તમામ ઘરોમાં નળ દ્વારા પીવાનું શુદ્ઘ પાણી પહોંચાડવાનું નિર્ધાર કરે.

આ પ્રસંગે રાજકોટના મેયર બીનાબેન આચાર્ય દ્વારા સ્વાગત પ્રવચન કરીને રાજકોટની જનતા માટે પીવાના પાણીની સમસ્યાનો કાયમી લાવવા બદલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માન્યો હતો.

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે આભારવિધિ કરી હતી.

રાજકોટ ખાતે આજી ડેમના નીરના ઈ- વધામણાં પ્રસંગે સાંસદ શ્રી અભયભાઈ, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી, ભાજપ શહેર પ્રમુખશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

સવારે ૯ વાગ્યે આજી ડેમ ખાતે એક સાદગી પુર્ણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મેયર બિનાબેન આચાર્ય, સાંસદ અભય ભારદ્વાજ, ગુજરાત મ્યુ.ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઇ ભંડેરી તથા મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ,  ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી,શાસક પક્ષનાં નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજય પરમાર તથા વોટર વર્કસ સમિતિ ચેરમેન બાબુભાઇ આહીર સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે નોંધનીય છે કે, સૌની યોજનાથી નર્મદા નીરનું આજી ડેમ ૧૮ ફુટ સુધીનું પાણી ઠાલવવામાં આવ્યુ હતુ. જયારે આ  વર્ષે  સારા મેઘકૃપા વરસતા આજીમાં ૧૧ ફુટ નવા પાણીની આવક થતા કુલ સપાટી ૨૯ ફુટ થતા ડેમ ૧૪મી વખત ઓવર ફલો થવા પામ્યો હતો.

(4:28 pm IST)