Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

આસ્થા સર્કલ પાસે મેલડી માના મંદિરના પટમાં આવારા તત્વોની તોડફોડઃ દારૂની મહેફિલ યોજ્યાનો આક્ષેપ

પતરાના શેડમાંથી પંખો, ટ્યુબલાઇટ કાઢી ગયાઃ ત્રણ શખ્સો સીસીટીવી ફૂટેજમાં દેખાતાં આસપાસના રહેવાસીઓએ પોલીસને જાણ કરતાં તપાસઃ એક શખ્સ પટાંગણમાં લઘુશંકા કરતો પણ દેખાયાનો આક્ષેપઃ વર્ષોથી આ મંદિર ધર્મપ્રેમીઓમાં આસ્થાનું પ્રતિક છેઃ લોકોમાં રોષ

તસ્વીરમાં આસ્થા સર્કલ પાસે આવેલુ મેલડી માતાજીનુંં મંદિર, તેમાં રાતે આવેલા ત્રણ શખ્સો (બીજી તસ્વીર) તથા પટાંગણમાંથી સવારે મળેલી દારૂની ખાલી બોટલો, બાઇટીંગના ખાલી પેકેટ, પ્લાસ્ટીકના ડબ્બા, ડિસ્પોઝેબલ ડીશ, સોડાની ખાલી બોટલો સહિતની ચીજવસ્તુઓ દર્શાવતા ધર્મ પ્રેમી લોકો જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૯: મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર આસ્થા સર્કલ નજીક આંબેડકરનગરને અડીને આવેલા વર્ષો જુના અને વિસ્તારમાં આસ્થાના પ્રતિક સમાન શ્રી મેલડી માતાજીના મંદિરમાં મોડી રાતે ત્રણેક શખ્સોએ ઘુસી જઇ પહેલા આટાફેરા કર્યા બાદ સીસીટીવી કેમેરા તોડી નાંખી બાદમાં મંદિરના પટાંગણમાં દારૂની મહેફીલ માણતા ધર્મપ્રેમીઓમાં રોષ ફેલાઇ ગયો હતો. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.

વિસ્તારના રહેવાસીઓના કહેવા મુજબ મેલડી માતાજીનું નાનકડુ મંદિર વર્ષોથી આ જગ્યાએ છે. શ્રધ્ધાળુઓના કામ થઇ જતાં તેમણે અહિ પતરાનો શેડ સહિતની સુવિધાઓ ઉભી કરી છે અને વર્ષોથી આ મંદિરે તાવા પ્રસાદના પણ ધર્મપ્રેમીઓ આયોજન કરે છે. આજે સવારે લોકો દર્શન કરવ આવ્યા ત્યારે પટાંગણમાં દારૂની ખાલી બોટલો અને બાઇટીંગના ખાલી પેકેટ સહિતનો કચરો જોવા મળતાં બીજા શ્રધ્ધાળુઓને બોલાવાયા હતાં અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

મંદિરે નિયમીત આવતા જતાં લોકોએ કહ્યું હતું કે સીસીટીવી કેમેરા ચેક કરતાં તે તોડી નાંખવામાં આવ્યાનું જણાયું હતું. તેમજ શેડમાંથી પંખો, ટ્યુબલાઇટ કાઢીને લઇ જવાયા છે. બારી તોડી નાંખવામાં આવી છે. કેમેરાનું ડીવીઆર ચેક કરતાં કેમેરો તોડવામાં આવ્યો એ પહેલાના ફૂટેજ રેકોર્ડ થઇ ગયેલા મળ્યા છે. જેમાં  દેખાય છે કે ત્રણેક શખ્સો મંદિર પટાંગણમાં ઘુસ્યા હતાં અને થોડીવાર આટાફેરા કર્યા હતાં. એ પછી દેરી પાસે જઇને વાતો કરી હતી. ત્યારબાદ એક શખ્સ પટાંગણમાં લઘુશંકા કરતો હોય તે રીતે દેખાયો છે. ત્યારબાદ કેમેરાને લાકડાના ધોકા ફટકારવામાં આવતાં હોવાનું પણ રેકોર્ડ થયું છે. એ પછી કેમેરો તૂટી જતાં રેકોર્ડીંગ દેખાતું નથી.

સવારે પટાંગણમાંથી દારૂની ખાલી બોટલો, બાઇટીંગની ખાલી કોથળીઓ અને કચરો મળ્યા હોઇ રાતે મંદિરમાં ઘુસેલા અને કેમેરા તોડનારા શખ્સોએ જ દારૂની મહેફીલ માણ્યાની દ્રઢ શંકા છે. વિસ્તારના ધર્મપ્રેમીઓએ પોલીસને જાણ કરતાં પોલીસે સીસીટીવી ફૂટેજ હસ્તગત કરી તપાસ શરૂ કરી છે.

(2:41 pm IST)