Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

ભરતો કયાં ગ્યો? એ પોપટપરાનો ડોન થઇ ગ્યો છે,એને મારવો જ છે...ભરત કુગશીયાના ઘરમાં કાસમ કડી અને ટોળકીની ધમાલઃ લૂંટ

મોડી રાતે ભરત કુગશીયા અને ભાઇ ભાવેશ બહાર હતાં: તેના પત્નિ ભારતીબેન અને ભાવેશના પત્નિ સોનલબેન એકલા હતાં ત્યારે મહમદગોલીના ભાણેજ સહિત ૧૦ જેટલા શખ્સોએ આવી હાકલા-પડકારા કરી બારીઓ, કબાટમાં તોડફોડ કરીઃ રોકડ અને દાગીના મળી ૮૦ હજાર લૂંટી ગયાનો આરોપ

તસ્વીરમાં જેમાં તોડફોડ થઇ તે ઘરની બારી અને વેરવિખેર કબાટ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૯: પોપટપરામાં રહેતાં આહિર શખ્સના ઘરમાં મોડી રાતે પોપટપરાના મુસ્લિમ શખ્સે ટોળકી રચી ધોકા સાથે ઘરમાં ઘુસી જઇ બારીઓમાં તોડફોડ કરતાં તેમજ કબાટ તોડી તેમાંથી રોકડ-સોનાનો ચેઇન મળી રૂ. ૭૨ હજારની લૂંટ કરતાં ચકચાર મચી ગઇ છે. બનાવ વખતે આહિર યુવાન અને તેનો ભાઇ તથા માતા બહાર હતાં. ઘરે આ યુવાનની પત્નિ અને નાના ભાઇની પત્નિ એકલા હતાં. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે પ્ર.નગર પોલીસે પોપટપરા શેરી નં. ૫માં રામજી મંદિર પાસે રહેતાં ભારતીબેન ભરતભાઇ કુગશીયા (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી પોપટપરામાં રહેતાં મહમદ ગોલીના ભાણેજ કાસમ કડી તથા બીજા આઠ-દસ અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૯૫, ૪૫૨, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૪૨૭, ૧૩૫ મુજબ રાયોટ-લૂંટ-તોડફોડનો ગુનો નોંધ્યો છે.

ભારતીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા પતિ, સાસુ પ્રભાબેન, દિયર ભાવેશભાઇ તથા દેરાણી સોનલબેન સાથે સંયુકત કુટુંબમાં રહુ છું અને મારા પતિ ભરત કુગશીયા ખેતી કરે છે. મંગળવારે સાંજે મારા પતિ બહારગામ ગયા હતાં અને દિયર વાડીએ હતાં. મારા સાસુ અમારા સગાના ઘરે ગયા હોઇ હું અને મારા દેરાણી સોનલબેન ઘરમાં એકલા જ હતાં.

રાત્રીના પોણા બારેક વાગ્યે અમારા ઘરનો દરવાજો ડેલો ખોલી ૮ થી ૧૦ જણા અમારા ઘરમાં આવી ગયા હતાં અને 'ભરતો કયાં છે?' કહી જોર જોરથી રાડો પાડવા માંડ્યા હતાં. તેમજ ગાળાગાળી કરવા માંડ્યા હતાં. 'ભરતો કયાં ગ્યો, એ પોપટપરાનો ડોન થઇ ગયો છે, અમારે તેને મારવો છે' કહી વધુ ગાળો બોલવા માંડ્યા હતાં અને ઘરના દરવાજામાં પાટા મારવા માંડ્યા હતાં.

આ પૈકીના અમુક માણસોના હાથમાં લાકડાના ધોકા હતાં તે ધોકા અમારા ઘરના બારીમાં ફટકારી કાચ ફોડી નાંખ્યા હતાં. જેથી હું અને મારા દેરાણી ખુબ જ ગભરાઇ ગયા હતાં અને ઘરના ઉપરના માળે જતાં રહ્યા હતાં. એ પછી એક જણાએ મારા પતિને ફોન કરી કહ્યું હતું કે-તું અને તારો ભાઇ કયાં છો? તમે બેય ઘરે આવો, અમે તમારા ઘરેજ છીએ...આ પછી મેં પોલીસને ૧૦૦ નંબરમાં ફોન કર્યો હતો. થોડીવાર પછી આ શખ્સો તોડફોડ કરી નીકળી ગયા હતાં.

ત્યારબાદ પોલીસની ગાડી આવી ગઇ હતી અને મારા પતિ તથા દિયર પણ આવી  ગયા હતાં. સાસુ પણ ઘરે પહોંચી ગયા હતાં. ઘરમાં જોતાં બારીઓના કાચમાં અને અંદર કબાટોમાં પણ તોડફોડ કરી સામાન વેરવિખેર કરાયેલો જોવા મળ્યો હતો. કબાટમાં તપાસ કરતાં સોનાનો ચેઇન અને રૂ. ૮૦૦૦ રોકડા ગાયબ જણાયા હતાં.

ભારતીબેને વધુમાં જણાવ્યું છે કે એ પછી મારા પતિને એક શખ્સનો ફોન આવ્યો હતો અને આ ફોન પોપટપરાના કાસમ કડીનો હતો. તેણે ત્યારે પણ મારા પતિને ધમકી આપી હતી કે અમે તારા ઘરે અવ્યા હતાં તું કયાં છો? તમને બધાને મારવા છે...તેમ કહ્યું હતું. આ પછી અમે પ્ર.નગર પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

પોપટપરામાં રહેતાં કાસમ કડીને મારા પતિને આ પોપટપરા વિસ્તારમાંથી કાઢી મુકવા હોઇ જેથી તેણે અજાણ્યા આઠ-દસ શખ્સો સાથે મળી રાત્રીના અમારા ઘરમાં ઘુસી આતંક મચાવ્યો હતો અને ઘરમાં તોડફોડ કરી કબાટમાંથી ૭૨ હજારના સોનાના દાગીના તથા રૂ. ૮૦૦૦ રોકડા લૂંટી ગયા હતાં.

ભારતીબેનના પતિ ભરતભાઇ કુગશીયાએ કહ્યું હતું કે-કાસમ સહિતના મારું મકાન પચાવી પાડવા ઇચ્છતા હોઇ અને મને વિસ્તારમાંથી હાંકી કાઢવા માંગતા હોઇ જેથી મારા અને મારા ભાઇની ગેરહાજરીમાં ટોળકી રચીને મોડી રાતે ઘરમાં ઘુસી આતંક મચાવી લૂંટ ચલાવી હતી.

બનાવ અંગે ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ પટેલ, હેડકોન્સ. વી. બી. રાજપૂત, રામજીભાઇ પટેલ, પીએસઆઇ ડી.યુ. પીઠડીયા સહિતે વિશેષ તપાસ હાથ ધરી છે. પોલીસે બે ત્રણ શકમંદોને ઉઠાવી લઇ પુછતાછ શરૂ કરી છે. કાસમ કડી મહમદ ગોલીનો ભાણેજ થતો હોવાનું ભરત કુગશીયાએ જણાવ્યું હતું. પોલીસ સુત્રોના કહવા મુજબ ભરત કુગશીયા પણ અગાઉ અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલ છે. અગાઉ પણ પોપટપરાના મિંયાણા લોકો સાથે માથાકુટ થઇ હતી અને તે વખતે સામ સામી ફરિયાદ બાદ પાસા સહિતના પગલા લેવાયા હતાં. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

(4:15 pm IST)