Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

કોઠારીયા રોડ હુડકોમાંથી ૧૬ વર્ષની છાત્રા ગૂમઃ હિતેષ ડાભી ભગાડી ગયાની શંકા

ટંકારા ભણતી છાત્રા લોકડાઉનને કારણે રાજકોટ ઘરે હતીઃ અગાઉ હિતેષ સાથે ફોનમાં વાત કરતી તેના ભાઇએ પકડી હતી

રાજકોટ તા. ૧૯: કોઠારીયા રોડ હુડકો કવાર્ટર વિસ્તારમાંથી ૧૬ વર્ષની છાત્રા ગૂમ થઇ છે. પોલીસે આ મામલે શકદાર શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આઠ દિવસ પહેલા આ સગીરા ઘરેથી સ્કૂલ બેગમાં એક જોડી કપડા લઇ નીકળી ગઇ હતી.

બનાવ અંગે ભકિતનગર પોલીસે કોઠારીયા રોડ પર હુડકો કવાર્ટરમાં રહેતાં મહિલાની ફરિયાદ પરથી શકદાર હિતેષ ડાભી અથવા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ અપહરણનો ગુનો નોંધ્યો છે.

પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ ફરિયાદી મહિલા ત્રણ સંતાન સાથે રહે છે. તેના પતિ સાથે છુટાછેડા થઇ ગયા છે. જેમાંથી ૧૬ વર્ષની દિકરી ટંકારા પાસે કન્યા છાત્રાલયમાં ધોરણ-૯ સુધી ભણી હતી અને ત્યાં જ રહેતી હતી. હાલમાં તે ધોરણ-૧૨માં અભ્યાસ કરતી હોઇ અને લોકડાઉન હોઇ ચારેક માસથી રાજકોટ રહે છે. ચારેક મહિના પહેલા તેણીને કોઇ છોકરા સાથે ફોનમાં વાત કરતાં તેણીનો ભાઇ જોઇ ગયો હતો. તે વખતે આ છોકરો કોણ છે? તેમ પુછતાં તેણીએ હિતેષ ડાભી હોવાનું કહ્યું હતું.

એ પછી ૧૧/૮ના રોજ ફરિયાદી મહિલા પારકા ઘરના કામ કરવા ગયા હતાં અને તેમનો પુત્ર પણ કામે ગયો હોઇ બે દિકરીઓ ઘરે એકલી હતી. બપોરે બે વાગ્યા આસપાસ  મહિલા ઘરે આવ્યા ત્યારે નાની દિકરી એકલી જ ઘરમાં હતી. તેણે કહ્યું હતું કે બહેન સવારે અગિયારેક વાગ્યે સ્કૂલ બેગમાં એક જોડી કપડા લઇ બહાર રમવા જવાનું કહીને નીકળી ગઇ હતી. અત્યાર સુધી શોધખોળ કરવા છતાં તેણીનો પત્તો ન મળતાં અંતે પોલીસને જાણ કરી હતી.

મહિલાએ પોતાની સગીર દિકરીને ભગાડી જનારમાં શકદાર તરીકે હિતેષનું નામ આપ્યું હોઇ પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા સહિતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:08 pm IST)