Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

લાખોની કિંમતના દારૂના જથ્થા સાથે પકડાયેલ બે કેસમાં આરોપીના જામીન નામંજુર

રાજકોટ તા. ૧૯: અહીંના ગોકુલનગર શેરી નં. ર/૮ ના કોર્નર પાસેથી રૂ. ૩,૮૪,૦૦૦ની કિંમતના ૯૬૦ ઇંગ્લીશ દારૂની બોટલ સાથે પ્રોહિબીશનના ગુનામાં રામનાથપરામાં રહેતા સિરાજ યુસુફ મુલીયાએ જામીન પર છુટવા કરેલ અરજીને એડી. સેસ. જજ શ્રી પી. એમ. ત્રિવેદીએ નકારી કાઢી હતી.

જયારે બીજા એક કેસમાં જામનગર નેશનલ હાઇવે ઉપરથી તા. ર૪-૧-૧૯નાં રોજ ર૦ લાખ ૩૭ હજારની કિંમતની ૬૧૧૬ બોટલ દારૂ સાથે પકડાયેલ હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયાએ જામીન પર છુટવા કરેલ અરજીને એડી. સેસ. જજ શ્રી એચ. એમ. પવારે નકારી કાઢી હતી.

આ બંને બનાવ અંગે પોલીસે પ્રોહિબીશન એકટ અન્વયે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરતાં તેઓએ જામીન પર છુટવા અરજી કરી હતી.

આ બંને જામીન અરજીમાં સરકારી વકીલ અનિલ એસ. ગોગીયાએ રજુઆત કરેલ કે, આરોપીઓ સામે પ્રથમ દર્શનીય સમાજ વિરોધી ગુનાઓ છે. મોટી રકમનો દારૂનો જથ્થો પકડાયેલ છે, અન્ય ગુનામાં પણ સંડોવાયેલ હોય જામીન પર છોડી શકાય નહિં.

ઉપરોકત રજુઆતને ધ્યાને લઇને સેસન્સ અદાલતે આરોપીઓની જામીન અરજીને રદ કરી હતી. આ બંને કેસોમાં સરકારપક્ષે એ.પી.પી. અનિલ એસ. ગોગીયા રોકાયા હતાં.

(3:12 pm IST)