Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

જનરલ બોર્ડમાં કોરોના -રસ્તાં મુદે કોંગ્રેસનું હલ્લાબોલ : બોર્ડ થોડી વાર સ્થગીત

કોંગી કોર્પોરેટરોએ રસ્તાનો પ્રશ્ન પ્રથમ ચર્ચવા ધમાલ કરી : મેયરને બે મીનીટ કામગીરી સ્થગીત કરવાની ફરજ પડી : કોંગ્રેસ ફુટપાથ છાપ હોવાનો ઉદય કાનગડનો આક્ષેપ : 'તમારા વોર્ડમાં કેટલા કોરોના દર્દી છે ? તેની ખબર છે' ઘનશ્યામસિંહ જાડેજાનો ઉદય કાનગડને સણસણાતો સવાલ : રાજકિય આક્ષેપ બાજી-તુ.. તુ.. મેં ...મે.. બાદ વોર્ડ ૨૦ મીનીટ વ્હેલુ આટોથી લેવાયુ

પ્રજાના પ્રશ્નોની ચર્ચા વગર વધુ એક વાર બોર્ડ ધાંધલ-ધમાલ સાથે પૂર્ણઃ આજે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે મળેલા મ.ન.પા.ના બોર્ડમાં વિપક્ષના કોર્પોરેટરોએ રસ્તા અને કોરોનાના પ્રશ્નની ચર્ચા કરવાની માંગ સાથે ધાધલ મચાવી હતી તે વખતની તસ્વીરોમાં બેનરો પ્રદર્શીત કરી રહેલા વિપક્ષીનેતા વશરામ સાગઠીયા, અતુલ રાજાણી ગેર નજરે પડે છેઅન્ય તસ્વીરો વિપક્ષની આ ધમાલ બાબતે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનવડ અને વિપક્ષી નેતા વચ્ચે આક્ષેપ બાજીઓ થઇ રહી છે તે દર્શાય છે. ઉપરની તસ્વીરો ડાયસ ઉપર બેઠેલા મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, મ્યુ.કમિશનર ઉદીત અગ્રવાલ દર્શાયછે.(તસ્વીરો સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯ : આજે સવારે ૧૧ વાગ્યે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે મળેલા મ.ન.પા.ના જનરલ બોર્ડમાં વિપક્ષ કોંગ્રેસે શાસક પક્ષ ઉપર શહેરમાં કોરોના મહામારી અને ખાડા-ખબડાવાળા જર્જરીત રસ્તાના મુદ્દે આડેહાથ લઇ હલ્લો બોલાવતા મેયર બીનાબેન આચાર્યને બોર્ડની કાર્યવાહી બે મિનિટ માટે સ્થગિત કરવાની ફરજ પડી હતી.

આથી બોર્ડમાં શાંતિ સ્થપાયેલ અને ત્યારબાદ કાર્યવાહી શરૂ થતાં જ કોંગી કોર્પોરેટરોએ રામધુન બોલાવી, દેકારો ચાલુ રાખ્યો હતો અને ભાજપ સામે રાજકીય આક્ષેપબાજીઓ ચાલુ રાખી હતી. આ બધી ધમાલ વચ્ચે બોર્ડના એજન્ડામાં રહેલી પાંચ દરખાસ્તો ઉપરાંત ત્રણ અરજન્ટ દરખાસ્તો મંજુર કરી અને બોર્ડના નિયત સમયથી ૨૦ મીનીટ વહેલું જનરલ બોર્ડ આટોપી લેવાયુ હતું.

સવારે ૧૨ વાગ્યે જનરલ બોર્ડની કાર્યવાહી શરૂ થતાં જ ભાજપના કોર્પોરેટર મનીષ રાડિયાએ પૂછેલા 'મિલ્કત વેરામાં કેટલી રાહત અપાઇ?' તેવા પ્રશ્નની ચર્ચા સૌ પ્રથમ શરૂ થઇ હતી.

જેમાં મ્યુ. કમિશનરે વોર્ડ વાઇઝ વિગતવાર આંકડાઓ સાથે જવાબો આપવાનું શરૂ કરેલ અને ૧૦ મીનીટ સુધી આ જવાબ ચાલુ રહેતા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ગાયત્રી વાઘેલા, અતુલ રાજાણી વગેરેએ ખાડાવાળા રસ્તાના બેનરો પ્રદર્શીત કરી અને સભાખંડમાં નીચે બેસી ગયા હતા.

કોંગી કોર્પોરેટરોની ધીરજ ખૂટી હતી અને આવા પ્રશ્નો માટે બિનજરૂરી સમય નહી બગાડવાનું જણાવી સૌ પ્રથમ કોરોના મહામારી અને જર્જરીત રસ્તાના ગંભીર પ્રશ્નોની ચર્ચા કરવા ઉગ્ર માંગ કરેલ પરંતુ સભા અધ્યક્ષ મેયરે નિયમ મુજબ સૌ પ્રથમ ક્રમે રહેલો 'મિલ્કત વેરાનો પ્રશ્ન જ ચર્ચાશે' તેવું સ્પષ્ટ જણાવતા આ ધમાલ થતાં સભા અધ્યક્ષ મેયર બિનાબેન આચાર્યએ માર્શલ બોલાવી તમામ કોંગી કોર્પોરેટરોને ઉભા કરવા આદેશ આપ્યો હતો અને બે મીનીટ માટે બોર્ડની કાર્યવાહી સ્થગિત કરી નાખતા બોર્ડમાં થોડીવાર શાંતિ સ્થપાયેલ પરંતુ ત્યારબાદ ફરી કાર્યવાહી શરૂ થતાં જ કોંગી કોર્પોરેટરોએ કોરોના મહામારી અને ખાડાવાળા રસ્તાઓના પ્રશ્ને હો..હો.. દેકારો બોલાવી રામધૂન બોલાવી હતી.

આમ, કોંગ્રેસના કોર્પોરેટરોએ ધમાલ મચાવતા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદય કાનગડે 'વિપક્ષ સામે આક્ષેપોની છડી વરસાવતા કહ્યું હતું કે, છેલ્લા ત્રણ - ત્રણ બોર્ડથી કોંગી મિત્રો ખોટી ધમાલ મચાવી રહ્યા છે અને કોરોનાના નામે રાજકીય રોટલા શેકી રહ્યા છે. આથી કોંગ્રેસ ફુટપાથ છાપ હોવાની છાપ ઉપસી રહી છે.'

આ તકે શ્રી કાનગડે પૂર્વ વિપક્ષી નેતા નરેન્દ્રસિંહ જાડેજા અને ગાયત્રીબા વાઘેલાના કાર્યકાળમાં ગરીમા પૂર્ણ રીતે જનરલ બોર્ડમાં ચર્ચા થતી હોવાનો ઉલ્લેખ કરી અને વર્તમાન કોંગી કોર્પોરેટરોને તેમાંથી પ્રેરણા લેવા સુચન કર્યું હતું.

જ્યારે સામા પક્ષે કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ પણ ઉદય કાનગડ અને ભાજપ સામે આક્ષેપોની છડી વરસાવી હતી અને ઉદય કાનગડને સીધો જ સવાલ કર્યો હતો કે 'તમને ખબર છે તમારા વોર્ડમાં કોરોનાના કેટલા દર્દીઓ છે?'

આ સવાલ સાથે તંત્ર કોરોના મહામારીને કાબુમાં લેવા નિષ્ફળ જઇ રહ્યાનો આક્ષેપ તેઓએ કર્યો હતો.

આમ, રાજકીય આક્ષેપબાજીઓ અને તુ..તુ...મૈં... મૈં... સાથે આ વખતનું જનરલ બોર્ડ પણ પૂર્ણ થયું હતું અને હંમેશની જેમ પ્રજાના ખરા અર્થના પ્રશ્નોની કોઇ ચર્ચા જ થઇ ન હતી.

સામાન્ય સભામાં ૬ર સભ્યો હાજર

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનની આજે મળેલ દ્વિમાસીક સામાન્ય સભામાં ભાજપનાં ૪૦ માંથી ૩૬ તથા કોંગ્રેસના ૩૧ માંથી ર૬ નગરસેવકો સહિત કુલ ૭૧ પૈકી ૬ર સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

(4:38 pm IST)