Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

રાજકોટની જીવાદોરી સમો ભાદર ડેમ ભાદરવામાં ઓવરફલોર થવાની તૈયારીમાં

૮પ ટકા ડેમ ભરાઇ જતા નીચાણ વાળા વિસ્‍તારોને કરાયા એલર્ટ

રાજકોટ અને જામનગર જિલ્લામાં વરસેલા સાંબેલાધાર વરસાદે જ્યાં કહેર સર્જાયો છે ત્યાંની સ્થિતિને બાદ કરો તો મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ આશિર્વાદ સમાન બન્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની મોટી સિંચાઈ યોજનાઓ પૈકીનો બીજા નંબરનો મોટો ડેમ ભાદર-1 (Bhadar-1 Dam Water Level) ભાદરવામાં ઓવરફ્લો થવાની અણીએ છે. હાલમાં ભાદર-1 85 ટકા ભરાઈ જતા ભાદરવામાં ભાદરના પાણી હિલોળે ચઢ્યા છે. ડેમ ઓવરફ્લો થવાની અણીએ છે ત્યારે કુલ 22 ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે.

ભાદર-1 ડેમની સપાટી (Bhadar-1 Dam Water Level) 32.20 ફૂટે પહોંચી છે જેના પગલે ડેમ ઑવરફ્લો થવામાં 1.80 ફૂટ બાકી છે. ડેમમાં હાલમાં કુલ 500 ક્યુસેક પાણીની આવક છે. ભાદરની કુલ સપાટી 34 ફૂટ છે.

ભાદર ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ગમે ત્યારે પાણી છોડવામાં આવશે જેના પગલે ગોંડલ અને જેતપુર તાલુકાના અને જામકંડોરણાના નીચાણવાળા વિસ્તારો અને કાંઠાના ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે.

ભાદરના પાણી છોડવામાં આવે તે પહેલાં ગોંડલ તાલુકાના લીલાખા, મસીતાળા, ભંડારિયા, ખંભાલિડા, નવાગામ. જેતપુર ના મોણપર, ખીરસરા, દેરડી જેતપુર, નવાગઢ, રબારીકા, સરધારપુર, પાંચપીપળા, કેરાળી, લુણાગરા, લુણાગરી, વાડસડા, અલર્ટ કરવામાં આવ્યા છે.

જ્યારે જામકંડોરણાના તરાવડા, ઇશ્વરીયા, ધોરાજી ના વેગડી, ભૂખી, ઉમરકોટ, સહિત ના ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજય ડેમ પણ આ વર્ષે ઓવરફ્લો થયો છે અને ગત વર્ષે પણ થયો હતો. ત્યારે શેત્રુંજય બાદ ભાદર પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં આવતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે.

(4:14 pm IST)