Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

કણકોટમાં ૮મીએ એક રાઉન્‍ડમાં ૧૪ ટેબલ પર મત ગણતરી

ગઇ રાત્રે ૩ાા વાગ્‍યા સુધી પ્રાંત અધિકારીઓ દ્વારા પોસ્‍ટલ બેલેટ છપાયા : મત ગણતરી માટેનો કુલ ૧ હજારનો સ્‍ટાફ : આવતા અઠવાડિયે તાલીમ : ૬ાા વાગ્‍યાથી ગણતરી સ્‍થળે એન્‍ટ્રી : ૮ અથવા ૯ વાગ્‍યાથી પોસ્‍ટલ બેલેટ અને ઇવીએમના મતોની એકીસાથે ગણતરી : સર્વિસ વોટર્સને ગઇકાલે જ ઓનલાઇન મતપત્રક મોકલી દેવાયું : મતગણતરીના ટેબલ ઉપર માત્ર કાઉન્‍ટીંગ સ્‍ટાફ : ઉમેદવારોના એજન્‍ટોને નખાયેલ જાળીની બહાર રહેવાનું ફરજીયાત : કુલ ૮ બેઠકમાં ૧૬૦ રાઉન્‍ડ થશે : અપક્ષોને બેટ - હીરો - કાતર - પ્રેશર કુકર - કોટ - બોલ વિગેરે ચિન્‍હો ફાળવાયા

રાજકોટ તા. ૧૪ : રાજકોટ શહેર - જિલ્લામાં ૮ બેઠકોમાં ચૂંટણી ફોર્મ ભરાવાની, ચકાસણી અને પાછા ખેંચવાની કાર્યવાહી પૂર્ણ થઇ છે, કાલે બપોરે ૩ાા વાગ્‍યે પક્ષોને ચૂંટણી ચિન્‍હો ફાળવાયા, અપક્ષોને કુલ ૭૯૭ પ્રતિકોમાંથી પસંદ કરવાનું કહેવાયું હતું, જેમાં પ્રેશર કુકર, બોલ, બેટ, હીરો, કોટ, કાતર વિગેરે પ્રતિકો ફાળવાયા છે, આ પ્રતિકો ફાળવાયા બાદ દરેક પ્રાંત સરકારી પ્રેસમાં દોડી ગયા હતા અને રાત્રે ૩ાા સુધી પ્રાંત અધિકારીઓ દ્વારા પોતાની બેઠક વાઇઝ પોસ્‍ટલ બેલેટ છાપવાની કામગીરી કરાઇ હતી, આ ઉપરાંત રાજકોટ શહેર - જિલ્લામાં લગભગ ૪૫૦થી ૫૦૦ સર્વિસ વોટર્સ છે, આ તમામને ઓનલાઇન પોસ્‍ટલ બેલેટ મોકલી દેવાયુ હતું, છેલ્લા ઘણા વર્ષથી ચૂંટણી પંચે સર્વિસ વોટર્સને મત માટે ઓનલાઇન સુવિધા શરૂ કરી છે.

દરમિયાન હવે ૮મીએ કણકોટ ખાતે મતગણતરી સંદર્ભે કલેકટર તંત્રે તૈયારીઓ શરૂ કરી છે, ચૂંટણીપંચના નિયમ મુજબ એક કાઉન્‍ટીંગ હોલમાં ૧૪ ટેબલ ઉપર એકીસાથે જે તે વિધાનસભા બેઠકની ગણતરી શરૂ થશે, એક ટેબલ ઉપર બે ગણતરી સ્‍ટાફ અને એક પટ્ટાવાળા રહેશે, ગણતરી ટેબલ ઉપર એટલે કે જાળીની અંદરની બાજુએ એકપણ ઉમેદવારના પ્રતિનિધિ હાજર નહી રહી શકે, તેમને જાળીની બહારની બાજુએ રહેવાનું રહેશે, ગણતરી માટે ૮ બેઠકો થઇને કુલ ૧ હજારના સ્‍ટાફના ઓર્ડરોની તૈયારીઓ થઇ છે, આવતા અઠવાડિયે આ સ્‍ટાફની તાલીમ શરૂ થશે.

સાધનોના કહેવા મુજબ ૬ાા કે ૭ વાગ્‍યાથી ગણતરી સ્‍થળે સ્‍ટાફ - પ્રતિનિધિઓને સ્‍પે. પાસ દ્વારા એન્‍ટ્રી અપાશે, ૮ કે ૯ વાગ્‍યાથી ૮મીએ પોસ્‍ટલ બેલેટ અને ઇવીએમમાં પડેલા મતોની એકી સાથે ગણતરી થશે.  રાજકોટ શહેર - જિલ્લાના કુલ ૨૨૫૩ બૂથો છે, તેને ૧૪થી ભાગાકાર કરતા કુલ ૮ બેઠકના ૧૬૦ રાઉન્‍ડની ગણતરી થશે.  દરમિયાન કાલે ૧૯મીએ અમુક પ્રાંત દ્વારા જેમના પાછળથી ઓર્ડર નીકળ્‍યા છે તેમની તાલીમ યોજાઇ છે, જ્‍યારે ૨૨-૨૩-૨૪ કુલ ૧૪ હજારના સ્‍ટાફની જે તે પ્રાંત દ્વારા બીજી તાલીમ અપાશે અને જે તે દિવસે ચૂંટણીમાં રોકાયેલ સ્‍ટાફનું મતદાન પણ કરી લેવાશે.

(3:38 pm IST)