Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ગુજરાતમાં ૧પ૦થી વધુ કમળ ખીલશે : દિનેશ શર્મા

યુપીના પૂર્વ ઉપમુખ્‍યમંત્રીનું રાજકોટમાં ટૂંકુ રોકાણ : ‘અકિલા' સાથે વિશેષ મુલાકાત:ભાજપ બેઠકો જીતવામાં અને ‘આપ' ડિપોઝીટ ગુમાવવામાં વિક્રમ સ્‍થાપશે : કોંગ્રેસ ડબલ ડીજીટે પહોંચવા હાંફે છે : વિપક્ષ પાસે નેતા-નીતિ અને મુદ્દા નથીઃ ર૦ર૪ ની ભારતની સરકાર ગુજરાતની વર્તમાન ચૂંટણીમાં નકકી થશે : શર્માજી

યુપીના પૂર્વ ઉપમુખ્‍યમંત્રી દિનેશ શર્માજી સાથે જામનગરના નેતા સનતભાઇ મહેતા અને રાજકોટમાં બિન ગુજરાતી અગ્રણીઓ દર્શાય છે.

રાજકોટ તા. ૧૮ : ભાજપ બેઠકો જીતવાનો અને આમ આદમી પાર્ટી ડિપોઝીટ ગુમાવવાનો વિક્રમ સ્‍થાપશે. કોંગ્રેસ બે આંકડે પહોંચવામાં પણ હાંફી જશે...

આ શબ્‍દો યુપીના પૂર્વ ઉપ મુખ્‍યપ્રધાન અને ભાજપના પ્રભાવી નેતા દિનેશ શર્માજીના છે. શર્માજીએ આજે સવારે રાજકોટમાં ટૂંકુ રોકાણ કર્યું હતું. આ સમય દરમિયાન તેઓએ ‘અકિલા' સાથે વિશેષ મુલાકાત કરી હતી.

શર્માજીએ જણાવ્‍યું હતું કે, ગુજરાત સાથે મારે આત્‍મિય નાતો રહ્યો છે. અહીં ત્રણ વર્ષ પ્રભારી રહી ચૂક્‍યો છું. સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી ચૂકયો છું. લોકસભા -ધારાસભા તથા સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીઓ વખતે ગુજરાતમાં સક્રિય હતો. હાલ પ્રચારાર્થે તેઓ સૌરાષ્‍ટ્ર આવ્‍યા છે. આજે જામનગરમાં તેઓની સભા છે.

શર્માજીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં બેઠકો જીતવામાં મોદીજીનો વિક્રમ ભૂપેન્‍દ્રજી તોડનાર છે. ગુજરાતની ચૂંટણીમાં ૨૦૨૪નું ભારતનું નેતૃત્‍વ નક્કી થશે. વર્તમાન ચૂંટણીમાં ગુજરાતીઓ મોદીજીના નેતૃત્‍વને વધારે મજબૂત કરવા મતદાન કરશે.

શર્માજીએ કહ્યું હતું કે, ગુજરાતની ચૂંટણીમાં વિપક્ષની દશા દયાજનક છે. કોઇ નેતૃત્‍વ નથી, વિપક્ષ પાસે કોઇ નીતિ કે મુદ્દા નથી. ગત ચૂંટણીમાં ભાજપ તરફી આંધી હતી, હાલની ચૂંટણીમાં ભાજપ તરફી તુફાન છે, ૧૫૦થી વધારે બેઠકો પર કમળ ખીલશે.

તેઓએ જણાવ્‍યું હતું કે, આમ આદમી પાર્ટી માત્ર દિલ્‍હી અને પંજાબ પૂરતી મર્યાદિત છે. પંજાબમાં માત્ર ત્રણ મહિનાના શાસનમાં આંતકવાદ - ગુન્‍હાખોરી વધ્‍યા છે. નશાનું સામ્રાજ્‍ય ફેલાયુ છે. દિલ્‍હીમાં ભ્રષ્‍ટાચાર ખદબદે છે. ગુજરાતમાં ‘આપ' ડિપોઝીટ ગુમાવવાનો વિક્રમ સ્‍થાપશે.

આ સામે ભાજપ વિચારધારા માટે લડે છે. ગ્રામીણસ્‍તરથી રાષ્‍ટ્રીયસ્‍તર સુધીનું મજબૂત માળખુ ધરાવે છે. મોદીજીનું નેતૃત્‍વ છે. ગુજરાતમાં પ્રતાપી મોદીજીનો પ્રભાવ વધવાનો છે. મોદીજીને ફરીથી વડાપ્રધાન બનાવવાના ધ્‍યેયથી ગુજરાતમાં મતદાન થનાર છે.

ઘણાં સ્‍થાને ગુજરાત ભાજપમાં અસંતોષ અંગે શર્માજીએ જણાવ્‍યું હતું કે, ભાજપમાં ઉમેદવારો નિમિત હોય છે, પક્ષ અને વિચારધારા જ ચૂંટણીના મેદાનમાં હોય છે. લોકો નેતાને નહિ, પક્ષને અને વિચારધારાને જ મત આપે છે. યુપીના મુખ્‍યમંત્રી યોગીજી અને શર્માજી વચ્‍ચે તનાવ સર્જાયાના સવાલમાં દિનેશભાઇએ જણાવ્‍યું કે, આ વિપક્ષનો કુપ્રચાર છે. હું યોગીજીનો સૌથી વધારે વિશ્વાસુ છું. દિનેશ શર્માજી જામનગરના પૂર્વ મેયર સનતભાઇ મહેતા સાથે આત્‍મિય નાતો ધરાવે છે. શર્માજી લખનૌના મેયર રહી ચૂક્‍યા છે. આ સમયે અખિલ ભારતીય મેયર પરિષદમાં શર્માજીએ સનતભાઇ સાથે રહીને કાર્યો કર્યા હતા.

(3:49 pm IST)