Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

સોમવારથી કલેકટર તંત્ર દ્વારા રાજકોટમાં મતદાન સ્‍લીપ વિતરણ

BLO ઘરે ઘરે પહોંચતી કરશે : મતદાન સમયે મતદાન સ્‍લીપનો પૂરાવો માન્‍ય નહિ ગણાય : આધારકાર્ડ - એપીક વિગેરે ફોટો આઇડી ફરજીયાત : ૧૩ હજારના સ્‍ટાફનું બીજું રેન્‍ડેમાઇઝેશન કરી લેવાયું : ૧૧૨૫ બૂથો ઉપર વેબ કાસ્‍ટીંગ કરવા ગાંધીનગરની ટીમ રાજકોટમાં : ૩૦મીએ બપોર બાદ તમામ ૨૨૫૩ મતદાન મથકો ઉપર ચૂંટણી સ્‍ટાફ કબજો સંભાળી લેશે

રાજકોટ તા. ૧૯ : આગામી ૧લી ડિસેમ્‍બરે રાજકોટ શહેર - જિલ્લાની વિધાનસભાની ૮ બેઠકોની ચૂંટણી થશે, મતદારો મત આપી શકે તે માટે અને ખબર પડે કે કયાં મત આપવા જવાનો છે, તેની સૂપેરે જાણ થાય તે સંદર્ભે રાજકોટ કલેકટર તંત્રે શહેર - જિલ્લાના કુલ ૨૩ લાખથી વધુ મતદારો માટે મતદાન સ્‍લીપ છપાવી છે, જે આજે બપોર બાદ જે તે R.O. પાસે પહોંચતી થશે, અને પંચની સૂચના મુજબ સોમવારથી શુક્રવાર દરમિયાન રાજકોટ શહેર - જિલ્લામાં જે તે R.O.ના બૂથ લેવલ ઓફિસરો દ્વારા ઘરે-ઘરે મતદાન સ્‍લીપનું વિતરણ થશે.

સાધનોએ ઉમેર્યું હતું કે, આ વખતે મતદાન સમયે મતદારોને માટે પોતાનો પૂરાવો આપવા અંગે મતદાન સ્‍લીપ માન્‍ય નહિ ગણાય, પરંતુ મતદાન સ્‍લીપ સાથે આધારકાર્ડ, એપીક, ડ્રાઇવીંગ લાયસન્‍સ , પાસપોર્ટ સહિત કુલ ૧૪ ફોટો આઇડીમાંથી એક પૂરાવો સાથે રાખવો ફરજીયાત છે, અન્‍યથા મતદાન કરવા નહિ મળે. દરમિયાન આજે બપોરે ૧ાા વાગ્‍યે ૧૩ હજારના સ્‍ટાફનું કલેકટર તંત્ર દ્વારા બીજુ રેન્‍ડેમાઇઝેશન કરી લેવાયું હતું, હવે સાચી ખબર પડશે કે કયો સ્‍ટાફ કયા બૂથમાં જશે.

બીજી બાજુ પંચની સૂચના મુજબ આ વખતે ૩૦મીએ બપોર સુધી રાજકોટના તમામ બૂથો ઉપર મૂકાયેલ ચૂંટણી સ્‍ટાફ બૂથોનો કબજો લઇ લેશે, જ્‍યારે રાજકોટના અને અન્‍ય તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ૩૦મીએ સાંજ સુધીમાં સ્‍ટાફ જે તે બૂથ - મતદાન મથકોનો કબ્‍જો લેશે. ગામડાઓમાં સ્‍ટાફ મોકલવા માટે કલેકટર તંત્રે ૧૦૦થી વધુ બસો ભાડે કરી છે, જે ૨૯મીએ રાત્રે જે તે R.O. ના હવાલે મૂકાશે. સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાજકોટના કુલ ૨૨૫૩ મતદાન મથકમાંથી ૧૧૨૫ બૂથોનું વેબ કાસ્‍ટીંગ થવાનું છે, જે માટે ગાંધીનગરથી એજન્‍સી ફાઇનલ થતા તેના અધિકારીઓ રાજકોટ આવી ગયા છે, અને કાર્યવાહી શરૂ કરી છે.

 

(3:12 pm IST)