Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

હરીદ્વાર કથામાં લઇ જવાના બહાને ૨૩ વ્‍યકિતઓ સાથે ૧.૦૮ લાખની ઠગાઇ

જ્ઞાનજીવન સોસાયટીના શૈલેષભાઇ પુજારાની તાલુકા પોલીસ મથકમાં આયોજક ઉમેશ શેખાવત સામે ફરિયાદ : વ્‍યકિત દીઠ રૂા. ૩૧૦૦ ઉધરાવી લીધા બાદ હરિદ્વાર ન લઇ જઇ છેતરપીંડી કરી

રાજકોટ,તા.૧૯ : રૈયા રોડ પર આવેલ કનૈયા રોડ પાસે જ્ઞાનજીવન સોસાયટીમાં રહેતા પ્રૌઢ તથા પાડોશીઓ સહિત ૨૩ વ્‍યકિતઓને હરીદ્વાર કથામાં લઇ જવાના બહાને આયોજકે રૂા. ૧,૦૮,૦૦૦ ઉઘરાવી હરીદ્વાર ન લઇ જઇ છેતરપીંડી આચરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયા રોડ કનૈયા રોડ પાસે જ્ઞાનજીવન સોસાયટી મેઇન રોડ પર રહેતા શૈલેષભાઇ મોહન લાલભાઇ પુજારા (ઉવ.૫૨)એ તાલુકા પોલીસ મથકમાં મુળ અમરેલી સર્વોદય સોસાયટી શેરી નં. ૨ બ્‍લોક નં. ૧ હાલ, ૧૫૦ ફુટ રીંગ રોડ પર રંગોલી પાર્ક પાસે પંડીત દીનદયાલ ઉપાધ્‍યાય આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતો ઉમેશ માવજીભાઇ શેખાવત સામે ફરિયાદ નોંધાવી છે. શૈલેષભાઇ પુજારાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતે પાન મસાલાની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સાતેક મહિના પહેલા પોતે પત્‍ની જયોતીબેન સાથે હરિદ્વાર જવા માટે સ્‍પેશીયલ ટુર કરવા માટે ઉમેશ માવજીભાઇ શેખાવતનો મોબાઇલ પર સંપર્ક કરાવ્‍યો હતો. જેથી પોતે અને પત્‍ની બંને રંગોલી પાર્ક આવાસ યોજના કવાર્ટર બ્‍લોક નં. સી ૧૩૦૨ ખાતે ઉમેશ શેખાવતનો સંપર્ક કરી તેના ઘરે ગયા હતા. અને ત્‍યારે પોતાની સાથે પાડોશીને પણ આવવું હોય તેથી પાડોશી હંસાબેન વાલજીભાઇ ચુડાસમા તેના પતિ વાલજીભાઇ ચુડાસમા ચારેય ઉમેશને મળવા રંગોલી પાર્ક પાસે કવાર્ટરમાં ગયા હતા. અને ઉમેશ સાથે વાત કરતા તેણે જણાવેલ કે એક વ્‍યકિતના હરિદ્વારમાં ભાગવત સપ્‍તાહમાં એક અઠવાડીયુ સુધી રહેવાનું અને જમવાનું મળી ને કુલ રૂા.૩૧૦૦ જેથી ફી નક્કી કરેલ છે. તેમ જણાવતા પોતે કહેલ કે અમે બંને, પાડોશી સહિત કુલ ૧૨ વ્‍યકિત થાય છે' અને ૧૨ વ્‍યકિતના નામ હરિદ્વાર જવા માટે નોંધાવેલ અને કુલ રૂા. ૩૭,૨૦૦ ઉમેશને તેના ઘરે રોકડા આપતા તેણે પોતાને તેની પહોંચ પણ આપી હતી. પહોંચમાં શ્રીમદ ભાગવત કથા, કથા સ્‍થળ પ્રેમનગર આશ્રમ જવાલાપરૂ હરિદ્વાર લખેલ હતું. બાદ થોડા દિવસ બાદ ઉમેશ પોતાના ઘરે આવેલ અને કહેલ કે યાત્રામાં જેને જવું હોય તેને હજી જગ્‍યા ખાલી છે જેને આવવું હોય તો આવો' તેમ કહેતા પોતાના આજુ બાજુમાં રહેતા લોકો મળી કુલ -૨૩ થયા હતા. અને તમામ પાસેથી રૂા. ૩૧૦૦ લેખે રૂપિયા લઇને પહોંચ આપી હતી. બાદ પોતાને જણાવેલ કે તા. ૫/૫ના રોજ બધાને હરિદ્વાર જવાનું નક્કી છે. અને તમારી રેલ્‍વેની ટીકીટ આવી જસે તેમ વાત કરી હતી. થોડા દિવસ વીતી ગયા છતાં કોઇ ટીકીટ આપવા માટે આવેલ નહીં અને ફોન પણ લાગતો નથી. આથી ઉમેશે કુલ ૨૩ વ્‍યકિતઓને હરિદ્વાર લઇ જવાના બહાને રૂા. ૧,૦૮,૦૦૦ ઉઘરાવી છેતરપીંડી આચરી હોવાની ખબર પડતા તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ ઉમેશ માવજી શેખાવત સામે આઇ.પી.સી. ૪૦૬, ૪૨૦ની કલમ હેઠળ ગુનો દાખલ કરી હેડ કોન્‍સ. એન.એમ.શિરોળીયાએ તપાસ આદરી છે.

(3:15 pm IST)