Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

૨૫ નવેમ્બરે સાધુ વાસવાણી જન્મ જયંતિ માસ રહીત દિન તરીકે ઉજવાશે

રાજકોટ તા. ૧૯ : તેજસ્વી વિદ્યાર્થી, સારા વકતા, જ્ઞાનિ સંત, સમાજ સુધાર અને માનવતાવાદી એવા સાધુ ટી. એલ. વાસવાણીની તા. ૨૫ નવેમ્બરે જન્મ જયંતિ છે. દેશભરમાં તેમનો જન્મ દિવસ માસ રહિત દિવસ તરીકે ઉજવાશે. તેમનો જન્મ ૧૮૭૯ માં હૈદરાબાદ (સિંધ) ખાતે થયો હતો. સાધુ હીરાનંદ તેમના વિદ્યાગુરૃ હતા. કોલેજમાં તત્વજ્ઞાન - ઇતિહાસના પ્રોફેસર તરીકે કારકીર્દી જમાવી હતી. છેલ્લે મૈસુર વિદ્યાપીઠના કુલગુરૃપદને શોભાવ્યુ હતુ. આમ શિક્ષણ સાથે તેમનો ગાઢ નાતો રહ્યો હતો. કુટુંબમાંથી અખંડ ઇશ્વરશ્રધ્ધા અને ધાર્મિકતાના સંસ્કારો મળ્યા હોય અધ્યાત્મલક્ષી પુરૃષ બની રહ્યા. પ્રભુકાર્ય માટે આજીવન બ્રહ્મચર્યનિષ્ઠ રહ્યા. અનેક ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો. ગરીબોની સેવને જ પ્રભુપુજા માનતા.

અધ્યાપન ક્ષેત્રે બહોળા અનુભવ પછી ૧૯૩૩ માં મીરા શિક્ષણ ચળવળ આરંભી યુવા વ્યાયામ આશ્રમની સ્થાપના કરી હતી. દેશના ભાગલા બાદ ૧૯૪૮ ની આખરમાં તેઓ પુના આવ્યા અને અહીં નિર્વાસિત સિંધીજનોેને મદદ કરવા એક કેન્દ્ર ચાલુ કરેલ. ૧૯૫૦ માં કોરેગાંવ પાર્કમાં રામધાકૃષ્ણ ધર્માદા દવાખાનું શરૃ કરેલ. ક્રમશઃ સંત મીરાને નામે કોલેજ, માધ્યમિક શાળા, અંગ્રેજી શાળા, છાત્રાલય, ગીતાભવન, દવાખાના સહીતની પ્રવૃત્તિઓ ધમધોકાર કરેલ.

સાધુ વાસવાણીજી એક સારા લેખક અને કવિ પણ હતા. એમણે ચાલીસ જેટલા અંગ્રેજી અને ત્રણસોથી વધુ સિંધી પુસ્તકો લખ્યા છે. તેમનું અધિકાંશ પદ્ય સાહિત્ય 'નૂરી' ઉપનામથી પ્રસિધ્ધ થયુ છે. સિંધી કાવ્યસંગ્રહ 'નુરી ગ્રંથ' માં એમણે વેદાંત અને ઉપનિષદોનો સરળ વાણીમાં સાર રજુ કર્યો છે. 'કવેસ્ટ' બુકમાં હ્ય્દયંગમ ભજનોનો સંગ્રહ આપ્યો છે. તેમનું જીવન સાદગીપૂર્ણ અને ભકિતમય હતુ. ૧૬ જાન્યુઆરી ૧૯૬૬ ના પૂના ખાતે બ્રહ્મલીન થયા. એમની વિદાય પછી એમના ભત્રીજા દાદા જે. પી. વાસવાણીએ પુના કેન્દ્રનો વિકાસ અને વિસ્તાર કરેલ. સાધુ વાસવાણીની જન્મ જયંતિ ૨૫ નવેમ્બરે  માસ રહીત દિન તરીકે ઉજવવા યુનોએ જાહેર કરેલ. ત્યારથી તેમના જન્મ દિનની ઉજવણી માસ રહીત (શાકાહાર) દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે.

- રવિ બી. ગોગીયા, મનોહર બુલાચંદાણી

(3:52 pm IST)