Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

નાટકો સક્ષમ છે, તેની જગ્‍યા કોઈ લઈ શકશે નહીં: અનુપ સોની- નિવેદિતા ભટ્ટાચાર્ય

રિહર્સલથી સ્‍ટેજ સુધી પહોંચવાની જે પ્રોસેસ હોય છે તે ખુબ રસભરી અને મીઠી હોય છેઃ દરેક શોમાં લાઈવ રીએકશન મળે છે * ગ્‍લેમર, પૈસા, ઝાકજમાળ વાળી લાઈનમાં આવતા પહેલા પેશન હોવુ ખુબ જરૂરી છેઃ જેમાં સંઘર્ષ માટે સતત તૈયાર રહેવું પડે છે

આજે રાજકોટમાં જેનું મંચન થવાનું છે તે નાટક બાલીગંજ ૧૯૯૦ નાં કલાકારો અકિલાના મહેમાન બન્‍યા હતા. તે સમયની તસવીરમાં અકિલાના મોભિ શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે અભિનેતા અનુપ સોની, અભિનેત્રી નિવેદિતા ભટ્ટાચાર્ય, વિદેહી એન્‍ટરટેનમેન્‍ટનાં દેવલબેન વોરા તથા અન્‍ય સભ્‍યો નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ,તા.૧૯: રાજકોટની કલારસિક અને સાહિત્‍ય પ્રેમી જનતાને ઉત્તમોત્તમ સાહિત્‍ય પિરસવા અર્થે વિદેહી એન્‍ટરટેઈનમેન્‍ટનું બોલીવુડ સેલેબ ફિચર કરતું અદ્દભુત નાટક ‘બાલીગંજ ૧૯૯૦'ને લોકોનો અપ્રતિમ પ્રતિસાદ મળ્‍યો છે. ક્રાઈમ પેટ્રોલ ફેઈમ અનુપ સોની અને કહાની ઘર ઘર કી ફેઈમ નિવેદિતા ભટ્ટાચાર્ય અભિનીત અને અતુલ સત્‍યા કૌશિક દિગ્‍દર્શિત અને લિખિત આ હિન્‍દી સસ્‍પેન્‍સ થ્રિલર નાટકનું મંચન આજે રાજકોટનાં હેમુગઢવી નાટયગૃહમાં રાત્રે ૯:૩૦ કલાકે થવા જઈ રહ્યુ છે.  ત્‍યારે આ બંને દિગ્‍જજ કલાકારો અકિલાના મહેમાન બન્‍યા હતા અને કેટલીક ગોષ્‍ઠી કરી હતી.

‘બાલીગંજ ૧૯૯૦' નાટક વિશે અભિનેતા અનુપ સોનીએ જણાવ્‍યું હતું કે, સામાન્‍ય રીતે નાટકોમાં ફેમેલી ડ્રામા, કોમેડી વગેરે વધુ ચાલે છે. પણ અમારે આમાં કંઈક અલગ કરવું હતું. પણ સતિશ કૌશિકજી સાથે વિચાર્યું કે કંઈક અલગ સસ્‍પેન્‍શ થ્રિલર જે ફિલ્‍મોમાં થાય છે પણ નાટકમાં આ ભજવવું છે. ત્‍યાંથી વિચાર આવ્‍યો અને આ પ્‍લે શરૂ કર્યું. જેમાં બે લોકોની વાર્તા છે. જેમાં હું કાર્તિકનો રોલ કરૂં છુ અને નિવેદિતાજી વાસુકીનો કિરદાર નિભાવી રહ્યા છે. આ એવા બે પ્રેમીઓની વાર્તા છે. જે જુદા પડી ગયા હતા અને એક બીજાને છોડીને ચાલ્‍યા ગયા હતા. જે પ્રેમી છોડી ચાલી ગયો હતો. તે ૧૦ વર્ષ પછી એકબીજાને મળે છે અને જે થ્રિલર, સસ્‍પેન્‍સ, ડ્રામા મિસ્‍ટ્રી બને છે તે આ નાટક છે. આ નાટક શબ્‍દો પર ટકેલું છે.આજે ઓટીટી જેવા ઓનલાઈન જમાનામાં નાટક- ડ્રામાનું ભવિષ્‍ય શું લાગે છે? અનુપ સોની અને નિવેદિતા ભટ્ટાચાર્યએ જણાવ્‍યું હતું કે, નાટકો તેની જગ્‍યાએ સક્ષમ છે. આજે ઓટીટી આવ્‍યું છે, પહેલા ફિલ્‍મો હતી એ પછી ટેલીવિઝન આવ્‍યું તે ચાલ્‍યા જ કર્યું છે અને હવે ઓટીટી આવ્‍યું છે. તેની પોતાની જગ્‍યા છે પણ નાટકોને રીપ્‍લેસ કરવા અશકય છે. નાટકોની જગ્‍યા કોઈ લઈ શકશે નહી.

કેમેરાની સામે રીટેક થાય છે, જયારે નાટકોમાં તે શકય નથી. આપને શું લાગે છે? અનુપ સોની એ જણાવ્‍યું કે ગાયન, નૃત્‍ય વગેરે આર્ટ ફોર્મ સ્‍ટેજ પર ભજવાય છે. એવી જ રીતે સિનેમા, ડ્રામા પણ અલગ આર્ટ ફોર્મ છે. જે તફાવત છે તે ટેકનીકલ છે. નાટકમાં આજ ચેલેન્‍જ હોય છે, નાટકની મજા આજ છે કે તમારી પાસે કાયમ એ સ્‍કોપ રહે છે કે તમે કંઈક નવું આપી શકો છો. તમને લાગે કે તમે આ શોમાં સારૂં પર્ફોમ નથી કર્યું તો બીજા શોમાં વધુ સારૂં પર્ફોમ આપી શકો છો. જયારે નિવેદિતા ભટ્ટાચાર્યએ કહ્યું કે, ડ્રામામાં અમારૂં માઈન્‍ડ સેટ એ મુજબ હોય છે કે, રિહર્સલથી શો સુધી પહોંચવાની જે પ્રોસેસ છે તે વધુ મીઠી  હોય છે, રસભરી હોય છે અને પછી શો થાય છે. દરેક શોમાં તમને લાઈવ રીએકશન મળે છે.

પહેલા સિરીયલ પછી ફિલ્‍મો અને હવે ડ્રામા તો ભવિષ્‍યમાં નવું, જરા હટકે  શું કરવાનું આયોજન છે ? અનુપ સોની એ કહ્યું કે એકટીંગ સિવાય અન્‍ય કોઈ વસ્‍તુ જ જચતી નથી. નાટક હોય, શોર્ટ ફિલ્‍મ હોય તો કરવી છે. હાલમાં ટી.વી. નથી કરતો કારણ મને લાગે છે તેનું ટાઈમ ડયુરેશન વધુ હોય છે. ક્રાઈમ પેટ્રોલ છોડવાનું આજ કારણ છે. એક અભિનેતા તરીકે તેમાં કોઈ ગ્રોથ મળતો નથી. પણ દરેક વસ્‍તુની એક લીમીટ હોય છે. પણ હવે નાટક, ફિલ્‍મો કે વેબસિરિઝ કરવાથી મને ઉત્‍સાહ રહે છે. તેમાં નવા શહેરોમાં જઈએ, અલગ અલગ શો થાય, ઓડિયન્‍સનો રીસપોન્‍સ મળે છે. નવા રોલ, નવા ડિરેકટર વગેરે બધુ જ નવું જાણવા મળે છે. ગ્રોથનો સ્‍કોપ રહે છે.

યુવાઓને મેસેજ આપતા બંને કલાકારોએ જણાવ્‍યું હતું કે જો તમારે પ્રોફેશનલી એકટર બનવું હોય તો એકવાર તમારી જાતને સવાલ જરૂર પુછજો કે આ જ વસ્‍તુ છે જે તમે કરવા ઈચ્‍છો છો? અને જો આ શકય ન બન્‍યું તો શું કરશો ? એક પેશન હોવું ખુબ જરૂરી છે. આ લાઈનમાં ગ્‍લેમર, પૈસા જોઈ ન આવો. તમારૂં કામ જોઈ તે મળશે જ પણ તેની કોઈ ગેરંટી નથી. નવી જનરેશન એમ વિચારીને આ લાઈનમાં ન આવે કે આ જાકજમાળ વાળી  લાઈન છે. હકીકતમાં આ લાઈનમાં સંઘર્ષ ખુબ છે અને તેમાં માટે સતત તૈયાર રહેવું પડે છે.

આગામી સમયમાં અનુપ સોનીની ‘ખાખી' નામની વેબ સીરીઝ ૨૫ નવેમ્‍બરે આવવાની છે. વધુમાં ‘લલ્લા', ‘ફોર યોર આઈઝ' આવવાની છે. જયારે નિવેદિતા  ભટ્ટાચાર્યનો શો ‘મુંબઈ મેરી જાન' વેબસીરીઝ આવવાની છે. ભવિષ્‍યમાં બે ફિલ્‍મો પણ આવવાની છે. જેનું  શૂટીંગ થવાનું છે.

 જયારે વિદેહી એન્‍ટરટેઈનમેન્‍ટનાં દેવલબેન વોરાએ જણાવ્‍યું હતું કે, આ ખુબ સરસ નાટક છે. આ બંને કલાકારો પહેલીવાર રાજકોટ  આવ્‍યા છે. તો આ મોકો ચૂકવા જેવો નથી. રાજકોટ આ નાટકને ચોકકસ વધાવી લે તેવી અપેક્ષા છે.વિદેહી એન્‍ટરટેઈન્‍મેન્‍ટમાં આ પ્રયોગમાં તેમના વડીલ અને અકિલા પરિવારના મોભિ શ્રી કિરીટભાઈ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવારનો સહકાર સાંપડયો છે. આ ઉપરાંત બાલીગંજ ૧૯૯૦ નાટકના સપોર્ટર્સ પ્રભુ હાઈટ્‍સ, માઇક્રો ફાઈન ઘરઘંટી, સાગર પાઇપ્‍સ એન્‍ડ ફીટીંગ્‍સ, કાઠિયાવાડી સ્‍વાદબંધુ, શેર-ઈટ ફૂડ્‍સ , હાથી મસાલા, કેરેટ લેન - તનિષ્‍ક જ્‍વેલરી, ગ્‍લોબલ આઈવીએફનો સહકાર સાંપડ્‍યો છે.

 

 ‘ગોડ મધર' ફિલ્‍મમાં મેં ભુરા મુંજાનો રોલ કર્યો હતોઃ  અનુપ સોની

બાલીગંજ ૧૯૯૦ નાટકના મંચન માટે રાજકોટ આવેલા અભિનેતા અનુપ સોનીએ જણાવ્‍યું હતું કે, હું ૨૦ વર્ષ પહેલાં રાજકોટ આવ્‍યો હતો અને મોરબીમાં એક ફિલ્‍મ શૂટ કરી હતી. જેમાં સંતોકબેન જાડેજાની વાર્તા હતી. ફિલ્‍મનું નામ હતું ‘ગોડ મધર' અને આ ફિલ્‍મમાં મે ભુરા મુંજાનો રોલ કર્યો હતો. આ મારી પહેલી ફિલ્‍મ હતી. જેમાં શર્મન જોશી, શબાના આઝમી સાથે અભિનય કર્યો હતો. એ વખતે મોરબીમાં ૧૫ થી ૨૦ દિવસ રોકાયો હતો. એ સમયે એર ઈન્‍ડિયાની એક જ ફલાઈટ આવતી હતી. રાજકોટથી ત્‍યાંથી ૮૦ કિ.મી. ટ્રાવેલ કરી ગયા હતા. તે યાદ છે. એકવખત અમદાવાદ સુધી ફલાઈટમાં  આવી મોરબી ચાર-પાંચ કલાકે પહોંચ્‍યા હતાં. આ ફિલ્‍મ રીલિઝ થઈ તે પહેલા સંતોકબેન જાડેજાને ફિલ્‍મ દર્શાવવી પડી હતી. આ ફિલ્‍મને નેશનલ એવોર્ડ મળ્‍યો હતો. મોરબીમાં જયાં ટાવર છે ત્‍યાં અકશન સીન શૂટ કર્યો હતો.

 

અ્‌દભૂત સસ્‍પેન્‍સ થ્રિલર નાટક બાલીગંજ ૧૯૯૦ જોવા રાજકોટવાસીઓ ઉમટી પડજો...

વિદેહી એન્‍ટરટેઈન્‍મેન્‍ટ દ્વારા રાજકોટ ખાતે બોલીવુડ સેલેબ ફિચર કરતું સુપરહિટ નાટક બાલીગંજ ૧૯૯૦ આજે રાત્રે હેમુગઢવી હોલમાં ૯:૩૦ વાગે રજુ થવા જઈ રહ્યું છે. જેમાં બોલીવુડનાં બે દિગ્‍ગજ કલાકારો અનુપ સોની અને નિવેદીતા ભટ્ટાચાર્ય લાઈવ અભિનય આપવાનાં છે. આ નાટક અંત સુધી દર્શકોને જકડી રાખશે. તેની ગેરંટી છે. નાટકનો એકમાત્ર પ્રયોગ આજે રાત્રે થવા જઈ રહ્યો છે. વિદેહી એન્‍ટરટેઈમેન્‍ટનાં દેવલબેન વોરાએ ખાસ અનુરોધ કર્યો છે કે આ અદ્‌ભૂત નાટક ચૂકવા જેવું નથી. જો  જો રહી ન જતા... આજે રાત્રે આ કલાકારોને માણવા ચોકકસ ઉમટી પડજો...

(3:55 pm IST)