Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

રાજકોટ જિલ્લામાં ૨૩ લાખ પૈકી ૪.૭૫ લાખ મતદારો ૩૦ વર્ષથી નાના

૮૦ વર્ષથી વધુ વયના ૫૨૧૭૬ મતદારો

 

રાજકોટ, તા. ૧૯: રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકો માટે પહેલી ડિસેમ્બરે મતદાન થવાનું છે. જિલ્લામાં કુલ ૨૩,૦૭,૨૩૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકો પર મુકત અને ન્યાયી ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૃણ મહેશ બાબુના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દિવસરાત કામ કરી રહ્યું છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અંતિત મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે.

જે મુજબ રાજકોટ જિલ્લામાં ૧૮થી ૧૯ વર્ષની વયના કુલ ૪૩,૪૭૭ મતદારો નોંધાયા છે. જયારે ૨૦થી ૨૯ વર્ષની વયજૂથના ૪,૩૧,૩૬૧ મતદારો છે. જો ૩૦ વર્ષની નીચેના આ બંને વયજૂથની સંખ્યા સાથે ગણવામાં આવે તો, જિલ્લામાં ૪,૭૪,૮૩૮ મતદારો થાય છે.

જયારે ૩૦થી ૩૯ વયજૂથના ૫,૭૦,૨૬૭ મતદારો છે. જિલ્લામાં આ વયજૂથમાં સૌથી વધુ મતદારો છે.

      ૪૦થી ૪૯ વયજૂથમાં ૪,૭૪,૪૫૦ મતદારો, ૫૦થી ૫૯ વયજૂથમાં ૩,૬૭,૬૩૨ મતદારો, ૬૦થી ૬૯ વયજૂથમાં ૨,૪૫,૦૭૪ મતદારો તથા ૭૦થી ૭૯ વયજૂથમાં ૧,૨૨,૮૦૦ મતદારો છે.

રાજકોટ જિલ્લામાં ૮૦ વર્ષથી વધુ ઉંમરના 'બુઝુર્ગ' મતદારોની સંખ્યા ૫૨,૧૭૬ છે.

રાજકોટ જિલ્લામાં ૪૦ વર્ષથી નીચેના કુલ મતદારો ૧૦,૪૫,૧૦૫ થાય છે.

જિલ્લામાં ૧૧,૯૬,૮૯૭ પુરુષ મતદારો, ૧૧,૧૦,૩૦૬ મહિલા મતદારો તેમજ થર્ડ જેન્ડરના ૩૪ મતદારો છે.

(4:00 pm IST)