Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

આચારસંહિતાને લગતી રાજકોટ જીલ્લામાં ૭૦ ફરીયાદો : ૬૩નો નિકાલઃ ૭ ખોટી નીકળી

રાજકોટ, તા. ૧૯: ૬૮-રાજકોટ પૂર્વ તથા ૬૯-રાજકોટ પશ્ચિમ વિધાનસભા મતક્ષેત્રના જનરલ નિરિક્ષક શ્રી નિલમ મીણા, ૭૦-રાજકોટ દક્ષિણ તેમજ ૭૧-રાજકોટ ગ્રામ્યના જનરલ નિરિક્ષકશ્રી સુશીલકુમાર પટેલ, ૭૨-જસદણ મતક્ષેત્રના જનરલ નિરિક્ષકશ્રી પ્રીતિ ગેહલોતે ગઈકાલે મોડી સાંજે જિલ્લા ફરિયાદ નિવારણ સેલની મુલાકાત લીધી હતી તેમજ સી-વીજીલ એપ દ્વારા થતી આચારસંહિતા ભંગને લગતી કામગીરીની સમીક્ષા કરી હતી.

ફરિયાદ નિવારણ સેલમાં કાર્યરત સ્ટાફે સેલની કામગીરી અંગે નિરિક્ષકશ્રીઓને જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા ફરિયાદ નિવારણ સેલને અત્યાર સુધીમાં આઠ વિધાનસભા વિસ્તારોમાં આચારસંહિતા ભંગને લગતી ૭૦ જેટલી ફરિયાદો સી-વિજીલ એપના માધ્યમથી મળી હતી. જેમાંથી સાત ફરિયાદ ખોટી નીકળતાં પડતી મુકવામાં આવી હતી. જયારે બાકીની ૬૩ ફરિયાદોનો ૧૦૦ મિનિટની અંદર જ સુખદ નિકાલ કરી દેવામાં આવ્યો છે.

ફરિયાદ સેલને ધોરાજીમાંથી ૦૬, ગોંડલમાંથી ૧૦, જસદણમાંથી ૦૧, જેતપુરમાંથી કુલ ૦૫, રાજકોટ પૂર્વમાંથી ૧૦, રાજકોટ ગ્રામ્યમાંથી ૯, રાજકોટ દક્ષિણમાંથી ૨૦ તેમજ રાજકોટ પશ્યિમમાંથી ૯ જેટલી ફરિયાદો સિ-વિજીલ એપ પર મળી હતી. આ ફરિયાદોને તત્કાલ જે-તે વિસ્તારની ફલાઈંગ સ્કવોડને મોકલીને તેનું નિવારણ કરી નંખાયું હતું. મોટાભાગની ફરિયાદો સરકારી દીવાલો પર પોસ્ટર લગાવવા, વૃક્ષો તેમજ જાહેર સ્થળો પર મંજૂરી વિના પોસ્ટર કે બેનર લગાવેલા હોવાની હતી.

(4:06 pm IST)