Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

કાલે ખોડલધામનો પાટોત્‍સવ : દર્શન - પ્રવચન ઓનલાઇન

૧ હજાર એલઇડી સ્‍ક્રીન મૂકાયા : દેશ-વિદેશના પાટીદારો મહોત્‍સવ માણશે : કાલે ૧ કુંડી યજ્ઞ, ધ્‍વજારોહણ, મહાઆરતી અને ખોડલધામના મોભી નરેશભાઇ પટેલ સમાજ જોગ સંદેશ આપશે : ખોડલધામના ટ્રસ્‍ટીઓ ‘અકિલા'ની મુલાકાતે

'અકિલા'ની મુલાકાતે આવેલા ખોડલધામના ટ્રસ્ટીઓ હર્ષદભાઇ માલાણી, રમેશભાઇ ટીલાળા, ચીમનભાઇ હપાણી, પ્રવીણભાઇ જસાણી, મહેશભાઇ સાવલિયા, હસમુખભાઇ લુણાગરિયા (પ્રવકતા) તથા મીડિયા કમિટિના જયેશભાઇ દુધાત્રા, ચિંતનભાઇ પેઢડિયા નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૦ : ખોડલધામના ટ્રસ્‍ટીઓ આજે ‘અકિલા'ની મુલાકાતે આવ્‍યા હતા. શ્રી ખોડલધામ મંદિરમાં બિરાજમાન મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા આગામી તારીખ ૨૧-૦૧-૨૦૨૨ના રોજ પંચવર્ષીય પાટોત્‍સવ ઉજવવાનું આયોજન કરેલ છે. હાલની કોરોનાની પરિસ્‍થિતિ અને લોકોના આરોગ્‍ય અને સુખાકારીને ધ્‍યાનમાં લઈને આદરણીય શ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્‍ટી મંડળ દ્વારા શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્‍સવ સોશિયલ મીડિયાના માધ્‍યમથી ઉજવવાનું આયોજન કરાયું છે.
તારીખ ૨૧ જાન્‍યુઆરી લેઉવા પટેલ સમાજ માટે ખૂબ જ મહત્‍વનો અને ઐતિહાસિક દિવસ હોય શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્‍સવ નિમિત્તે ૨૧ જાન્‍યુઆરીના દિવસે શ્રી ખોડલધામ મંદિરે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત ૧ કુંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે. તેમજ ધ્‍વજારોહણ, મહાઆરતી, સમાજ શિરોમણી આદરણીય શ્રી નરેશભાઈ પટેલનો સમાજ જોગ સંદેશો ૨૧ જાન્‍યુઆરી ૨૦૨૨ના રોજ સવારે ૯ થી ૧૦ વાગ્‍યા સુધી સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્‍યમથી આપવામાં આવશે. જે મહાસભાનું આયોજન કરેલ છે તે મહાસભા હાલ મોકૂફ રાખેલ છે. જેની નવી તારીખ સમય, સંજોગો અને પરિસ્‍થિતિને ધ્‍યાને લઈને જાહેર કરવામાં આવશે.
સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે શ્રી ખોડલધામ મંદિર સહિત સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર ૧૦૦૦૮ થી વધુ સ્‍થળે મા ખોડલની આરતીનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્‍થાન, મધ્‍ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ચેન્નઈ, બેગ્‍લોર સહિતની જગ્‍યાએ માતાજીની આરતી કરવામાં આવશે. આ ઉપરાંત યુએસએ, યુકે, ઓસ્‍ટ્રેલિયા, સીંગાપુર, કેન્‍યા, ઝામ્‍બિયા, આફ્રિકાના દેશોમાં પણ ૨૧ જાન્‍યુઆરીના રોજ મા ખોડલની આરતીનું આયોજન કરાયું છે. શ્રી પંચવર્ષીય પાટોત્‍સવનું લાઈવ પ્રસારણ નિહાળવા માટે ૧૦૦૦થી વધુ જગ્‍યાએ એલઈડી સ્‍ક્રીન અને અન્‍ય જગ્‍યાએ ટીવી સ્‍ક્રીન મૂકવામાં આવી છે. આ સાથે જ ૭ ટીવી ચેનલમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આમ મા ખોડલના ધ્‍વજારોહણ, મહાઆરતી અને આદરણીયશ્રી નરેશભાઈ પટેલનો સમાજ જોગ સંદેશો નિહાળવા માટે સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્‍યમથી લાખો જ્ઞાતિબંધુઓ જોડાશે અને આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરી દરેક જ્ઞાતિબંધુઓ આ પાવન પ્રસંગના સાક્ષી બની ગૌરવ અનુભવશે.


 

(12:43 pm IST)