Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

હિરાસર એરપોર્ટ સમયસર પુરૂ કરવા ૬૦૦ મજુરો કામે લગાડાયા : રન-વે તૈયાર પણ મેઇન ટર્મીનલમાં ઘણુ બાકી

કલેકટર-પ્રાંત દ્વારા સ્‍થળ ઉપર વીઝીટ- વધારાના રન-વે માટે બોકસ કલવર્ટની કામગીરી અગ્રતાના ધોરણે

રાજકોટ તા. ૨૦: કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ રાજકોટના હિરાસર ખાતે નિર્માણ પામી રહેલ આંતરરાષ્‍ટ્રીય ગ્રીનફિલ્‍ડ એરપોર્ટની સ્‍થળ મુલાકાત અને સમીક્ષા બેઠક કરી એરપોર્ટ કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે એરપોર્ટ અધિકારીશ્રીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ, પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ સહીત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓએ રનવે, ચેક ડેમ, સહિતની વિવિધ સાઈટની મુલાકાત લીધી હતી. આ તકે એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજરશ્રી લોકનાથ પાધે અને ડેપ્‍યુટી જનરલ મેનેજરશ્રી અમિતાભ ચક્રવર્તીએ પ્રગતિ હેઠળના વિવિધ કામોની માહિતી પુરી પાડી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ખાતમુહૂર્ત થયેલ એરપોર્ટ ૧૦૩૦ હેક્‍ટરમાં ફેલાયેલું છે. અહીં રન-વેની ૨૬૦૦ મીટરની કામગીરી પૂર્ણતાના આરે છે, જયારે બાકીના વધારાના રન-વે માટે નદી પર જરુરી બોક્‍સ કલવર્ટની ૩૦૦ મોટરની કામગીરી અગ્રતાના ધોરણે ચાલી રહી છે.  બાઉન્‍ડ્રી વોલની કામગીરી ૬૦ ટકા, જમીન સમથળ કરવાની કામગીરી ૭૨ ટકા, ર્પાકિંગ ટેક્‍સી ટ્રેક કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ ચુકી છે. ઇન્‍ટરીમ ટર્મિનલ અને ફાયર સ્‍ટેશનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. મેઈન ટર્મિનલ બિલ્‍ડીંગ તૈયાર થાય તે પૂર્વે મોબાઈલ ટાવર ટર્મિનલની સુવિધા ઉપલબ્‍ધ કરાશે
એરપોર્ટની નિર્માણની કામગીરી ૨૪×૭ અવિરત ચાલી રહી છે, જેમાં ૬૦૦ થી વધુ લોકો હાલ અગ્રિમતાના ધોરણે કામગીરી કરી રહ્યા છે. સમગ્ર પ્રોજેક્‍ટની ૬૪ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચુકી હોવાની માહિતી પ્રોજેક્‍ટ અધિકારીએ આપી હતી.  
આ તકે  મામલતદારશ્રી કથીરિયા,  તલાટી મંત્રીશ્રીઓ, નેશનલ હાઇવે ઓથોરિટી, આર.એન્‍ડ બી., પંચાયત, પાણી પુરવઠા, ઇરીગેશન સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.


 

(2:35 pm IST)