Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

દર્દીને ‘દાઝ્‍યા પર ડામ'નો અનુભવ કરાવતાં સિવિલ હોસ્‍પિટલના રસ્‍તા પરના મોટા ખાડા

અશક્‍ત મહિલા દર્દીને એક્‍સ રે માટે લઇ જતી વખતે વ્‍હીલચેરમાંથી ગબડી પડયાઃ સગાએ બીજાની મદદ લઇ ફરી ચેરમાં બેસાડવા પડયાઃ વિડીયો વાયરલ :: લોકો ઉભા કરતાં હતાં ત્‍યારે માજી બોલ્‍યા...હવે તો ખાડા નહિ આવે ને?

રાજકોટઃ પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં દરરોજ મોટી સંખ્‍યામાં શહેર તથા બીજા જીલ્લાઓમાંથી દર્દીઓ આવ જા કરતાં રહે છે. સોૈથી મોટી સુવિધાઓ ધરાવતી આ હોસ્‍પિટલમાં દર્દીઓને લગભગ તમામ સારવાર મળી રહે છે અને રોગોના નિદાન થઇ જાય છે. પરંતુ આમ છતાં ઘણીવાર અહિ દર્દીઓને ‘દાઝ્‍યા પર ડામ' જેવી પીડાનો અનુભવ થતો હોય છે. સિવિલ હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડના રસ્‍તાઓની હાલત ખુબ જ ભંગાર થઇ ગઇ છે. હોસ્‍પિટલ ચોકમાં ટ્રાયેન્‍ગલનું કામ ચાલી રહ્યું હોઇ જામનગર રોડ તરફથી આવતાં અને એસબીઆઇ ચોકમાંથી જામનગર રોડ તરફ જતાં ખાનગી વાહનો પણ અહિથી મોટી સંખ્‍યામાં પસાર થાય છે. આ કારણે પણ રસ્‍તાની હાલત બગડી હોવાની શક્‍યતા છે. દરમિયાન આજે આ ખાડાને કારણે એક વૃધ્‍ધ અશક્‍ત મહિલા દર્દી વ્‍હીલચેરમાંથી ગબડી પડતાં ઉભા થવા માટે ચારપગે થવું પડયું હતું. એક્‍સ રે કરાવવા માટે આ મહિલાને વ્‍હીલચેરમાં બેસાડીને લઇ જતી વખતે ખાડો આવી જતાં બેલેન્‍સ ગુમાવ્‍યું હતું અને ચેરમાંથી તેઓ ગબડી પડતાં તેમને ઉભા કરવા સ્‍વજનને બીજા લોકોની મદદ લેવી પડી હતી. માંડ કરીને ફરી વ્‍હીલચેરમાં બેઠા પછી આ મહિલા દર્દીએ સ્‍વજનને પુછ્‍યું હતું કે-હવે તો ખાડા નહિ આવે ને?...વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.

 

(2:37 pm IST)