Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ભવનાથ સોસાયટીના ભરત પટેલને ક્રાઇમ બ્રાંચે કારમાં પિસ્‍તોલ-કાર્ટીસ સાથે દબોચ્‍યો

અગાઉ ગેરકાયદે હથીયારના ૩, રાયોટીંગના ૩ ગુનામાં સંડોવણીઃ પાસાની હવા પણ ખાઇ ચુક્‍યો છે :એક જૂથ સાથે સતત મનદુઃખ ચાલતું હોઇ હથીયાર સાથે રાખ્‍યાનું રટણઃ રિમાન્‍ડની તજવીજ :પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી.એમ.ધાખડાની ટીમે મયુરભાઇ પટેલ અને પ્રદિપસિંહ જાડેજાની બાતમી પરથી ૧૫૦ રીંગ રોડથી પકડયો :મુળ ધ્રોલના સુધાગુનાનો વતનીઃ ગત ૫મીએ ૨૦ લાખની ઉઘરાણી મામલે ભવનાથ પાર્ક પટેલ ચોકમાં તેના જ મિત્રોએ હુમલો કરી કારમાં તોડફોડ કરી'તી

રાજકોટ તા. ૨૦: કોઠારીયા રોડ પર હરિ ધવા માર્ગ ભવનાથ સોસાયટી-૧૧/૧૫ના ખુણે રહેતાં મુળ ધ્રોલના સુધાગુનાના વતની ભરત જીવરાજભાઇ લીંબાસીયા (પટેલ) (ઉ.વ.૪૧) નામના ખેડૂતને ક્રાઇમ બ્રાંચે ચોક્કસ બાતમીને આધારે રાતે ૧૫૦ રીંગ રોડ ગિરીરાજ હોસ્‍પિટલ પાસે પ્રગતિ કોમ્‍પલેક્ષ નજીકથી બ્રેઝા કારમાં રૂા. ૨૫ હજારની દેશી બનાવટની પિસ્‍તોલ અને છ જીવતા કાર્ટીસ સાથે પકડી લઇ કુલ રૂા. ૮,૨૦,૬૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

ડીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. મયુરભાઇ પટેલ અને પ્રદિપસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી ૧૫૦ રીંગ રોડ પર વોચ રાખી ભરત કારમાં નીકળતાં પકડી લઇ તલાસી લેતાં તેની પાસેથી દેશી બનાવટની પરવાના વગરની પિસ્‍તોલ રૂા. ૨૫ હજારની અને છ જીવતા કાર્ટીસ રૂા. ૬૦૦ના મળતાં તે તથા ૯૫ હજારના બે મોબાઇલ ફોન અને ૭ લાખની કાર કબ્‍જે કરી તેની સામે ડીસીબી પોલીસ સ્‍ટેશનમાં આર્મ્‍સ એક્‍ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી વિશેષ પુછતાછ માટે રિમાન્‍ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ ભરત લીંબાસીયાને બીજા એક જૂથ સાથે લાંબા સમયથી માથાકુટ ચાલતી હોઇ જેથી પોતાની સાથે હથીયાર રાખ્‍યું હતું. આ શખ્‍સ અગાઉ ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં રાયોટીંગના બે ગુના, યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના રાયોટીંગના એક ગુનામાં અને અલગ અલગ વિસ્‍તારમાં ગેરકાયદે હથીયાર રાખવાના ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે. ૨૦૧૪માં પાસા તળે જેલની હવા ખાઇ ચુક્‍યો છે. હવે વધુ એક વખત ગેરકાયદે હથીયાર સાથે ઝપટે ચડયો છે. 

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. એમ. ધાખડા, અમીતભાઇ અગ્રાવત, વિરેન્‍દ્રસિંહ ઝાલા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, કોન્‍સ. નગીનભાઇ ડાંગર, સંજયભાઇ રૂપાપરા, ભાવેશભાઇ ગઢવી સહિતે આ કામગીરી કરી હતી.

ઉલ્લેખનિય છે કે ગત ૫મી જાન્‍યુઆરીએ જ ભરત લીંબાસીયા સાથે તેના ઘર નજીક ચોકમાં તેના જ મિત્રો ચિરાગ મોલીયા, કાનજી કાકડીયા અને પાર્થ ધાનાણીએ હુમલો કરી તેની કારમાં તોડફોડ કરી હતી. ૨૦ લાખની ઉઘરાણી મામલે આ ડખ્‍ખો થતાં તે વખતે ભરતે ભક્‍તિનગર પોલીસમાં આ ત્રણેય વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી હતી.  હવે તે પિસ્‍તોલ કાર્ટીસ સાથે પકડાતાં વિશેષ તપાસ હાથ ધરાઇ છે.

(2:46 pm IST)