Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

‘રાજકોટ શહેર પોલીસ વાર્ષિક અહેવાલ-૨૦૨૧' પુસ્‍તિકા બહાર પડીઃ ક્રાઇમ બ્રાંચનો નવો લોગો

સતર્ક, સમર્થ અને સશક્‍ત એવા ત્રણ શબ્‍દોનો આ લોગોમાં ઉપયોગ

રાજકોટઃ વીતી ગયેલું વર્ષ ૨૦૨૧ રાજકોટ શહેર પોલીસ માટે ક્રાઇમ રેટમાં થયેલા નોંધપાત્ર ઘટાડા માટે યાદગાર અને ગૌરવપુર્ણ બની રહેશે. ગત વર્ષ માં રાજકોટ શહેર પોલીસે કરેલી કામગીરીને માહિતીઓ, ફોટોગ્રાફસ, ક્રાઇમ રેટના ચાર્ટસ, વિવરણ, ગ્રાફિક્‍સ તેમજ સિનીયર અધિકારીઓના શુભેચ્‍છા સંદેશા સાથે દસ્‍તાવેજી સ્‍વરૂપમાં કંડારવાનો પ્રયાસ કરી ‘રાજકોટ શહેર પોલીસ વાર્ષિક અહેવાલ-૨૦૨૧' નામની પુસ્‍તિકા બહાર પાડવામાં આવી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, તમામ એસીપી, તમામ પીઆઇ અને સમગ્ર ટીમોએ કરેલી કામગીરીઓને પણ તસ્‍વીરો સાથે આ પુસ્‍તકમાં આવરી લેવામાં આવ્‍યાનું જણાવાયું છે.

બીજી તરફ રાજકોટ શહેર ડીસીબી પોલીસ સ્‍ટેશન-રાજકોટ ક્રાઇમ બ્રાંચે એક નવા લોગો સાથે કામગીરીની શરૂઆત કરી છે.આ નવા લોગોમાં ‘સતર્ક, સમર્થ અને સશક્‍ત' એવા ત્રણ શબ્‍દો છે. એસીપી ડી. વી. બસીયા આ બ્રાંચની બાગડોળ સંભાળી રહ્યા છે. પીઆઇ વી. કે. ગઢવીના જણાવ્‍યા મુજબ આ લોગોમાં પોલીસની બે તલવારો પણ છે અને વચ્‍ચે ગુજરાત પોલીસનો લોગો છે. લોગોમાં ત્રીજા નેત્રનું ચિホ ભગવાન રામનાથ મહાદેવના આશીર્વાદ  ગણીને રાખ્‍યું છે. એટલે કે આ નેત્રથી ક્રાઇમ બ્રાંચ બધે નજર રાખે છે. જ્‍યારે મશાલ એ પોલીસ દરેક પરિસ્‍થિતિને પહોંચી વળવા સમર્થ હોવાનું સુચવે છે. તો તલવારોના ચિホ શહેર પોલીસ સશક્‍ત હોવાનું સાબિત કરે છે.

(2:48 pm IST)