Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

બિનવારસી પશુઓના નિભાવ માટે ગૌશાળા - પાંજરાપોળ પાસેથી સહમતી મંગાવતુ મનપા

પ્રતિ પશુ દિઠ રૂ. ૧૫૦૦ તથા પ્રતિ ખુટીયા - વાછરડા દિઠ રૂ. ૨૫૦૦ની સહાય તંત્ર દ્વારા ચુકવાશે : ઇચ્છા ધરાવનાર સંસ્થાએ ૩ ફેબ્રુઆરી સુધીમાં મનપા કચેરીના ત્રીજા માળે પ્રાણી રંજાડ અંકુશ વિભાગનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૦ : મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાંથી રખડતા ભટકતા તેમજ ટ્રાફિકને અડચણરૂપ પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવે છે. આ પકડવામાં આવેલ પશુઓને મહાનગરપાલિકાના ઢોર ડબ્બા ખાતે રાખવામાં આવે છે. આ પશુઓ પૈકી નધણીયાત (માલિકો દ્વારા નિયત સમયમર્યાદામાં ન છોડાવેલ) પશુઓને આજીવન નિભાવવા જે ગૌશાળા/પાંજરાપોળ તૈયાર હોય કે જે ગૌશાળા/પાંજરાપોળ સ્વિકારી શકે તેમ હોય, તે રજીસ્ટર્ડ ગૌશાળા/પાંજરાપોળ પાસેથી સહમતી મંગાવવામાં આવેલ છે.

રજીસ્ટર્ડ ગૌશાળા/પાંજરાપોળ દ્વારા આ પશુઓ સંભાળવા માટેની સહમતી તા. ૩ ફેબ્રુઆરી સુધીમાં વેટરનરી ઓફિસર, પ્રાણી રંજાડ અંકુશ વિભાગ, રૂમ નં. ૯, ત્રીજો માળ, સેન્ટ્રલ ઝોન, રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટને કોઈપણ માધ્યમ દ્વારા પહોંચાડવાની રહેશે. આ પશુઓને નિભાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રતિ પશુ દિઠ રૂમ. ૧૫૦૦ તથા પ્રતિ ખુટીયા/વાછરડા દિઠ રૂમ. ૨૫૦૦ની એક વખત સહાય ચુકવવામાં આવશે.

આ પશુઓને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગૌશાળા/પાંજરાપોળ ખાતે પહોંચાડવામાં આવશે. (ગૌશાળા/પાંજરાપોળ હસ્તક ઉપલબ્ધ સુવિધા તથા અંતરને ધ્યાને રાખી પશુઓ સોંપવા માટેનો હક્ક રાજકોટ મહાનગરપાલિકાનો અબાધિત રહેશે.) સહમતી/બાહેંધરીનાં નમુનાની વિગત તથા જરૂરી માહિતીની વિગત પ્રાણી રંજાડ અંકુશ વિભાગ ખાતેથી કે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી મેળવી શકાશે.

(2:49 pm IST)