Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

રાત્રી કર્ફયુ ભંગના ૧૦૪ કેસઃ સોશિયલ ડીસ્ટન્સ ન જાળવનારા ગાંઠિયા-ભજીયાના વેપારી સહિત છ સામે કાર્યવાહી

માસ્ક વગર આંટાફેરા કરતા ૧૪ ઝપટે ચડયાઃ જાહેરનામા ભંગના કુલ ૧૨૮ કેસ

રાજકોટ, તા. ૨૦ :. કોરોના વાયરસના નવા વાયરસ ઓમિક્રોનનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. આ વધતા સંક્રમણને અટકાવવા માટે લોકો પાસે જાહેરનામાનું પોલીસ દ્વારા કડક પાલન કરાવી રહી છે ત્યારે રાત્રે પોલીસે જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી કર્ફયુ ભંગના ૧૦૪ કેસ કર્યા છે. તેમજ દુકાન બહાર સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન કરનારા ગાંઠિયા અને ભજીયાના ધંધાર્થી સહિત છ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી છે.

રાજકોટમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના વધતા સંક્રમણને લઈને હજુ પણ લોકો ગંભીર થતા ન હોય તેમ રાત્રે કર્ફયુ સમયે પણ લોકો કામ સિવાય ઘરની બહાર લટાર મારવા નીકળી પડતા હોય છે ત્યારે પોલીસ દ્વારા રાત્રી કર્ફયુનું કડક પાલન કરાવી રહી છે. ગત રાત્રે કર્ફયુ સમયે પોલીસે અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી લટાર મારવા નીકળનારા ૧૦૪ લોકોને પકડી કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત કોરોનાની સ્થિતિ વચ્ચે વેપારીઓને પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખવા માટે પણ સરકારની માર્ગદર્શિકાની પણ પોલીસ દ્વારા અમલવારી કરાવી રહી છે. અલગ અલગ વિસ્તારમાં દુકાન બહાર ગ્રાહકોની ભીડ એકઠી કરી સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન કરાવનારા ગાંઠીયા અને ભજીયાના ધંધાર્થીઓ સહિત છ વેપારીઓ સામે કાર્યવાહી કરી છે. આમ જાહેરનામા ભંગના કુલ ૧૨૮ કેસ નોંધાયા છે.

(3:40 pm IST)