Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

સુરક્ષા સેતુ સોસાયટીની વાર્ષીક મિટિંગ રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવના અધ્યક્ષસ્થાને યોજાઇ

રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત ૪૨૨૭ મહિલાઓને સ્વરક્ષણની તથા ૪૫૦ મહિલાઓને તીરંદાજીની તાલીમ અપાઇ: ૧૮૧ મહિલા અભયમ ૧૨૯૭ મહિલાઓની મદદગાર બની: સ્ટુડન્ટ પોલીસ કેડેટસ યોજના અન્વયે રાજકોટ જિલ્લાના ૧૫ પોલીસ સ્ટેશનમાં ૨૯ શાળાના ૭૦૩ વિદ્યાર્થીઓ કાર્યરત

રાજકોટ: રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષકની કચેરી ખાતે સુરક્ષા સેતુ સોસાયટી, ગવર્નિંગ કાઉન્સીલની વાર્ષીક મિટિંગ રેન્જ આઇ.જી.પી.અશોકકુમાર યાદવના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

રેન્જ આઇ.જી.પી.ને આગમન સમયે પોલીસ બેન્ડની સુરાવલી સાથે જવાનોએ ગાર્ડ ઓફ ઓનર પેશ કર્યું હતું. આ બેઠકમાં પી.પી.ટી.ના માધ્યમથી સુરક્ષા સેતુની વર્ષભરની કામગીરીની માહિતી પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડે રજૂ કરી હતી. રેન્જ આઇ.જી.પી.એ  આ તમામ કામગીરીનું બારીકાઇભર્યું મુલ્યાંકન કરીને જરૂરી સુચનો કર્યા હતા.

સુરક્ષા સેતુ અંતર્ગત ૪૨૨૭ મહિલાઓને સ્વરક્ષણ તાલીમ અપાઇ છે. ૪૫૦ મહિલાઓને તીરંદાજીની તાલીમ પણ અપાઇ છે. રાજકોટ જિલ્લામાં સુરક્ષા સેતુ રથ ફરી રહયા છે, જે અન્વયે  ૧૪૧ કાર્યક્રમો યોજાયા હતા. જેનો ૭૦૦૦ પ્રેક્ષકોએ લાભ લીધો હતો. પોલીસ તંત્રની ૧૮૧ મહિલા અભયમ દ્વારા ૧૨૯૭ મહિલાઓને આપત્તિના સમયમાં મદદ કરાઇ હતી. સ્ટુડન્ટ પોલીસ કેડેટસ યોજના અન્વયે વિદ્યાર્થીઓ વધુ જવાબદાર બને તે માટે પોલીસ તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના  ૧૫ પોલીસ સ્ટેશનમાં ૨૯ શાળાના ૭૦૩ વિદ્યાર્થીઓ કામ કરી રહયા છે. વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. બુટલેગર મહિલાઓના પુન:વસન તથા ટ્રાફિક નિયમન પ્રોગ્રામના કાર્યક્રમો ચાલી રહયા છે.

પોલીસ વિભાગ સાથે સામાન્ય પ્રજા નિર્ભયતાથી વર્તી શકે તથા પોલિસની કામગીરીમાં જાહેર જનતાનો સહયોગ મળે તે માટેનું કામ સુરક્ષા સેતુ હેઠળ થાય છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, સુરક્ષા સેતુ સોસાયટી તથા સ્ટુડન્ટ પોલીસ કેડેટસ (spc)ના નોડલ અધિકારી તથા રાજકોટ ગ્રામ્યના નાયબ પોલીસ અધિક્ષક એચ.એસ. રત્નુ, પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા, જસદણ નગરપાલિકાના પૂર્વ ચેરમેન પંકજભાઇ ચાવડા, અગ્રણી ભાનુભાઇ મેતા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(1:19 am IST)