Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

અતિ ગંભીર સ્થિતિમાં ૬૬ હજાર દર્દીઓને નવજીવન બક્ષતી ૧૦૮ ઇમર્જન્સી સેવા

રાજકોટ જિલ્લામાં ૪૨ એમ્બ્યુલન્સ દ્વારા ૭ લાખ જેટલા દર્દીઓને મળ્યો ઓન કોલ સેવાનો લાભ:અકસ્માત, પ્રસૂતિ, હૃદય, ફેફસાને લગતા ઇમરજન્સી કેઈસમાં સૌથી વધુ મદદરૂપ બને છે ૧૦૮ એમ્બ્યુલન્સ

રાજકોટ:ગંભીર અકસ્માત, હૃદય કે ફેફસા સંબંધી તકલીફ હોય કે પ્રસુતિની પીડાની અતિ ગંભીર સ્થિતિ-જયારે પણ દર્દીને જરૂર પડે ત્યારે પહેલો કોલ ૧૦૮ ને જતો હોય છે. દર્દીને જીવના જોખમના સમયે પ્રાથમિક સારવાર સહિત હોસ્પિટલ સુધી પહોંચાડવાની ૧૦૮ ની નિઃશુલ્ક સેવા ઓન કોલ હાજર હોય છે.

રાજકોટ જિલ્લામાં ગત ડિસેમ્બર માસમાં ૬૦૬ સહિત વર્ષ ૨૦૦૮ થી અત્યાર સુધીમાં લાઈફ થ્રેટનીંગ કેસમાં ૬૬ હજારથી વધુ માનવ જિંદગી આ સેવા થકી બચાવી હોવાનું ૧૦૮ ના પ્રોગ્રામ  મેનેજર અભિષેક ઠાકર જણાવે છે.

રાજકોટ જિલ્લામાં હાલ ૪૨ એમ્બ્યુલન્સ કાર્યરત છે. આ સેવાનો હાલ સુધીમાં ૬,૯૭,૦૫૩ લોકોએ લાભ મેળવ્યો છે.  ગત માસમાં ૫૮૧૪ લોકોને ૧૦૮ ના માધ્યમથી વિવિધ આરોગ્યલક્ષી ઇમરજન્સી સેવાનો લાભ આપવામાં આવ્યો હોવાનું  ઠાકર જણાવે છે. 

ખાસ કરીને રોડ અકસ્માતના સમયે લોકો ૧૦૮ ને જ પહેલાં જાણ કરવાનું પસંદ કરે છે. આ ઉપરાંત પ્રસુતિના, શિયાળામાં ખાસ કરીને વયોવૃદ્ધ લોકોને હૃદય અને ફેફસાને લગતા તમામ પ્રકારના કેઈસમાં દર્દીની જીવન-મરણ વચ્ચેની પરિસ્થિતિમાં ૧૦૮ની મેડિકલ સુવિધા અનેક લોકોની જિંદગી બચી હોવાનું પ્રોજેક્ટ મેનેજર  વિરલ  ભટ્ટે જણાવ્યું છે. ગત માસમાં પ્રસુતિના ૧૭૪૨ સહિત કુલ ૧,૯૨,૯૦૮ કેઈસ, ગંભીર  અકસ્માતના ૭૬૭ સહીત કુલ ૧,૦૩,૨૧૭ કેઈસ, હૃદય સંબંધી  ૩૫૫  સહિત કુલ  ૪૫,૬૬૯ કેઈસ અને શ્વસનને લગતા ૩૬૬ સહિત ૩૫,૮૨૭ કેઈસમાં દર્દીને  સારવાર સહિતની  સેવાનો લાભ  આપવામાં  આવ્યો છે.

જન-જનના સ્વાસ્થ્ય અને સુખાકારીની રાજ્ય સરકાર ખાસ  દરકાર  લઈ રહી  છે, જેનું  ઉત્તમ ઉદારણ છે,  ઓન કોલ, ઓન સાઈટ નિઃશુલ્ક સેવા પુરી પાડતી ૧૦૮, ખિલખિલાટ, ધન્વંતરિ રથ સહિતની ઇમરજન્સી સેવાઓ.  ઈ.એમ.આર.આઈ. ૧૦૮ એમ્બ્યુલન્સ એ ફક્ત દર્દીને હોસ્પિટલ પહોંચાડવાનું માત્ર  માધ્યમ નથી, પરંતુ ઓન સાઈટથી હોસ્પિટલ પહોંચાડવા દરમ્યાન ગોલ્ડન અવર્સમાં જરૂરી સારવાર પુરી પાડી દર્દીના જીવન જોખમને અટકાવવાનું મહત્વનું  કાર્ય પણ આ સેવાઓ કરે છે, જે ખરેખર ખૂબ સરાહનીય છે.

(1:28 am IST)