Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

જાલીનોટ કૌભાંડનો પર્દાફાશ : રાજૂલાના ભરત બોરીચાએ દેણુ ઉતારવા જંકશનના ગુરપ્રિતસિંઘ મારફત ૫૦૦ની જાલીનોટો લેણદારોને ધાબડી

૧૩મીએ યાજ્ઞિક રોડની એક્‍સીસ બેંકના ભરણામાં આવેલી ૫૦૦ના દરની ૩૧ જાલીનોટની પોલીસે ગંભીરતાથી તપાસ કરતાં કાવત્રું ખુલ્‍યું : ભરત બોરીચાને કોરોનાને કારણે ફેક્‍ટરીમાં ખોટ જતાં લેણદારોને કરોડો ચુકવવાના હતાં: આ માટે તેણે અસલી સાથે નકલી નોટો ભેળવી ધાબડી દેવાનો પ્‍લાન ઘડયોઃ નકલી નોટો માટે મિત્ર રાજૂલાના તેજસનો સંપર્ક કર્યોઃ તેજસે રાજકોટના વિમલ સોનીનો કોન્‍ટેક્‍ટ કરાવ્‍યોઃ વિમલે તેના ભાઇ મયુરને કામ સોપ્‍યું: મયુરે જંકશનના પંજાબી ઢાબાવાળા ગુરપ્રિતસિંઘનો સંપર્ક કર્યો અને ગુરપ્રિતસિંઘે પુના રહેતાં મામાના દિકરા કમલેશ ઉર્ફ કનુ પાસેથી ૪.૬૫ લાખની નકલી નોટો મંગાવી ભરતને આપીઃ આ નોટો ભરતે લેણદારોને પહોંચાડવા આંગડિયા મારફત પહોંચીઃ આંગડિયાએ બીજી પાર્ટીઓને આ રકમ આપીઃ તેમાંથી બે જણાએ અસલી સાથે નકલી નોટો આવ્‍યાની રાવ કરી અને વાત પોલીસ સુધી પહોંચતા કારસ્‍તાન ખુલ્‍યું : એ-ડિવીઝન પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ બી.એચ. પરમાર, એએસઆઇ ભરતસિંહ ગોહિલ,એમ. વી. લુવા, વિરભદ્રસિંહ જાડેજા, નિરવભાઇ અને ટીમે કોૈભાંડનો પર્દાફાશ કર્યોઃ પાંચ આરોપી પકડાયાઃ ચાર દિવસના રિમાન્‍ડ પર : બે મહિના પહેલા પુનાના કમલેશે રાજકોટ સ્‍થિત ફઇના દિકરા ગુરપ્રીતસિંઘને કહેલું કે મારી પાસે હૈદરાબાદથી નકલી નોટો આવે છેઃ નીકાલ કરવાનું ગોઠવજે તો મોટી કમાણી થશેઃ આ વાત ગુરપ્રીતસિંઘે મિત્ર સોની શખ્‍સને કરી હતીઃ સોની શખ્‍સનો સંપર્ક રાજુલાના તેજસે કર્યો અને એ રીતે ભરતનો સંપર્ક કમલેશ સુધી થયા પછી જાલીનોટની લેતીદેતી થઇ હતી : પોલીસની એક ટૂકડીએ પુના પહોંચી છઠ્ઠા આરોપી કમલેશને પણ સકંજામાં લીધોઃ કમલેશને આ નકલી નોટો હૈદરાબાદ તરફથી આવતી હોવાનું ગુરપ્રીતસિંઘનું રટણ : ૧ લાખની નકલી નોટો સામે ૪૫ હજારની અસલી નોટો મેળવી કુલ ૪.૬૫ લાખની નકલી નોટો ભરત બોરીચાને આપી હતી : પુનાના કમલેશે ૫૦૦ વાળીની સાથે ૨૦૦૦ અને ૧૦૦ના દરની પણ ૧-૧ નકલી નોટ બતાવી હતીઃ એ પણ ભરતે ખરીદી હતી પણ પસંદ ન પડતાં ફાડી નાંખી હતી!

કારસ્‍તાનઃ જાલીનોટો લેણદારોને ધાબડી ચલણમાં ઘુસાડી દેવાના કારસ્‍તાનનો એ-ડિવીઝન પોલીસે પર્દાફાશ કર્યો હતો. એસીપીશ્રી પટેલ તથા પીઆઇ કે. એન. ભુકણે વિગતો જણાવી હતી. સાથે ટીમ પણ જોઇ શકાય છે. નીચેની તસ્‍વીરમાં આરોપીઓ ગુરપ્રિતસિંઘ (વચ્‍ચે) તથા તેની બાજુમાં વિમલ (દાઢીવાળો), તેજસ (ચશ્‍માવાળો) તથા બીજી તરફ મયુર (ટી-શર્ટ) અને ભરત (અદબ વાળીને ઉભેલો) નજરે પડે છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

 

રાજકોટ તા. ૨૦: શહેરના ડો. યાજ્ઞિક રોડ પરની એક્‍સીસ બેંકના ભરણામાં આવેલી રૂા. ૫૦૦ના દરની ૩૧ જાલીનોટોના મામલે પોલીસે તપાસ શરૂ કરી સીસીટીવી ફૂટેજને આધારે આગળ વધતાં આ રકમ સોની બજારની આંગડીયા પેઢીમાંથી ઉપાડી બેંકમાં ભરપાઇ કરી જનારને શોધી કાઢતાં જાલીનોટોને ચલણમાં વહેતી કરી દેવાના સમગ્ર કોૈભાંડનો પર્દાફાશ થયો છે. રાજુલાના વતની અને હાલ રાજકોટ રહેતો શખ્‍સ ૨૦ કરોડની કોલ્‍ડ્રીંકની કંપનીમાં ખોટ ખાઇ ગયો હોઇ તેને નકલી ચલણી નોટોની જરૂર હોવાથી રાજુલાના જ પોતાના મિત્ર મારફત રાજકોટના સોની શખ્‍સના સંપકમાં આવ્‍યો હતો અને આ સોની બંધુએ જંકશન પ્‍લોટમાં રહેતાં અને કાલાવડ રોડ પર પંજાબી ઢાબા ચલાવતાં ગુરપ્રીતસિંઘ નામના શખ્‍સો સંપર્ક કરાવતાં તેણે પુના રહેતાં પોતાના મામાના દિકરા કમલેશ પાસેથી ૪.૬૫ લાખની નકલી ૫૦૦ના દરની નોટો લાવી ભરત બોરીચાને આપી હોવાનું અને  આ લેતીદેતીમાં બીજા ત્રણ પણ સામેલ હોવાનું ખુલતાં પાંચને દબોચી લેવાયા છે. છઠ્ઠા આરોપી પુનાના કમલેશને પણ સકંજામાં લઇ લેવાયો છે.

જાલીનોટોનું પગેરૂ હૈદરાબાદ સુધી પહોંચવાની શક્‍યતા છે.  અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના આ કારસ્‍તાનમાં વધુ ચોંકાવનારી વિગતો ખુલવાની વકી છે. એ-ડિવીઝન પોલીસે આ કોૈભાંડમાં ગુરપ્રિતસિંઘ ઘનશ્‍યામદાસ કારવાણી (ઉ.વ.૪૭-રહે. જંકશન પ્‍લોટ દેના બેંકની સામે), ભરત ઉર્ફ કિશોર મેરામભાઇ બોરીચા (ઉ.વ.૪૦-રહે. નિધી એપાર્ટમેન્‍ટ સાધુ વાસવાણી રોડ, મુળ દુર્લભનગર સોસાયટી મહુવા રોડ રાજુલા), વિમલ બિપીનભાઇ થડેશ્વર (ઉ.વ.૩૯-રહે. પેન્‍ટાગોન એપાર્ટમેન્‍ટ સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ સામે), તેના ભાઇ મયુર બિપીનભાઇ થડેશ્વર (ઉ.વ.૪૩-રહે. જંકશન પ્‍લેટ-૧૩/૭) તથા ભરતના મિત્ર તેજસ ઉર્ફ ગોપાલ રાજુભાઇ જસાણી (ઉ.વ.૩૦-રહે. નિલકંઠ પાર્ક રામનગર સોસાયટી બાબરા)ની ધરપકડ કરી રૂા. ૫૦૦ના દરની ૫૧૩ જાલીનોટ કબ્‍જે કરી છે. આ પાંચેયના ચાર દિવસના રિમાન્‍ડ મળતાં વધુ પુછતાછ શરૂ થઇ છે. છઠ્ઠા આરોપી કમલેશને પણ પુના પોલીસની મદદથી પકડી લેવાયો હોઇ તેને રાજકોટ લાવી વિશેષ પુછતાછ કરાશે.

કોૈભાંડની વિગતો જોઇએ તો શહેરની અલગ અલગ બેંકોના ભરણામાં અગાઉ અનેક વખત ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦, ૨૦૦૦ના દરની જાલીનોટો મળી આવી છે અને આ અંગે અગાઉ અલગ અલગ પોલીસ સ્‍ટેશનોમાં ગુના પણ દાખલ થયા છે. પરંતુ મોટા ભાગના કેસમાં આવી નોટો કોણ ભરી ગયું તે કદી ખુલ્‍યું નહોતું. દરમિયાન ગત ૧૩/૧/૨૧ના રોજ રાજકોટના ડો. યાજ્ઞિક રોડ પરની એક્‍સીસ બેંકના ભરણામાં ઘુસાડી દેવામાં આવેલી પાંચસોના દરની જાલીનોટોના મામલે એ-ડિવીઝન પોલીસે ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી.

આ કિસ્‍સામાં વાંકાનેર રહેતાં અને યાજ્ઞિક રોડ પરની એક્‍સીસ બેંકમાં ફરજ બજાવતાં તુષારભાઇ સુરેશભાઇ રાવલે એ-ડિવીઝન પોલીસમાં ગત ૧૩/૧/૨૩ના રોજ ફરિયાદ નોંધાવી જણાવ્‍યું હતું કે અમારી બેંકમાં ૧૩મીએ બપોરે હું મારા ટેબલ પર હાજર હતો કેશીયર આશિષભાઇ બદીયાણીએ મારી પાસે આવી વાત કરી હતી કે એક ગ્રાહક રોકડા રૂપિયા જમા કરાવવા આવેલ છે તેની નોટો ચેક કરતાં અમુક નોટો નકલીહોવાનું જણાય છે. આથી હું ત્‍યાં કેશ વિભાગમાં ગયો હતો અને તપાસ કરતાં ખાતેદાર સંદિપ કાંતિલાલ આ રકમ જમા કરાવી ગયાની ખબર પડી હતી. તેણે ૫૦૦ના દરની ૨૬ નોટો જમા કરાવી હતી. તે પૈકીની ૨૫ નોટ નકલી હતી. આથી અમે ખાતેદાર સંદિપભાઇ સાપરીયાને બોલાવી નકલી નોટો બાબતે પુછતાં તેણે પોતાને કંઇ ખબર નહિ હોવાનું કહ્યું હતું. આ પછી મેનેજર મેહુલભાઇ પારેખને જાણ કરતાં આરબીઆઇના નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. એ દરમિયાન એટીએમ મશીનોમાંથી પણ અન્‍ય છ નકલી નોટો આવી હોઇ કુલ ૩૧ નકલી નોટો ભરણામાં આવ્‍યાની ફરિયાદ એ-ડિવીઝનમાં કરતાં પોલીસે આઇપીસી ૪૮૯-બી મુજબ નકલી નોટો ભરણામાં ઘુસાડી દીધાનો ગુનો નોંધ્‍યો હતો.

પીઆઇ કે. એન. ભુકણની રાહબરીમાં પીએસઆઇ બી. એચ. પરમાર, ભરતસિંહ ગોહિલ, એમ. વી. લુવા અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ખાતેદાર સંદિપ સાપરીયાને બોલાવી પોલીસે પુછતાછનો દોર આરંભતા તેણે પોતે સોની બજારની પી.એમ. આંગડિયા પેઢીમાંથી પોતાને વહેવાર આવેલો હોઇ ત્‍યાંથી આ નોટ પોતાને મળી હોવાનું કહેતાં પોલીસની ટીમ હરકતમાં આવી હતી અને આંગડિયા પેઢીના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની સાથે સાથે કર્મચારીઓની પુછતાછ શરૂ કરી હતી. જેમાં આ નોટો જમા કરી જનાર સીસીટીવીમાં દેખાતાં તેના ફોન નંબર એડ્રેસ સહિતને આધારે તપાસનો દોર આગળ વધતાં પગેરૂ મુળ રાજુલાના વતની અને હાલ છએક માસથી રાજકોટમાં પરિવાર સાથે સ્‍થાયી થયેલા ભરત બોરીચા સુધી પહોંચ્‍યું હતું.

પોલીસે ભરત બોરીચાને ઉઠાવી લેતાં જ જાલીનોટને ચલણમાં વહેતી કરી દેવાના કોૈભાંડનો પર્દાફાશ થયો હતો. ભરતે આપેલી કબુલાતને આધારે પોલીસે જંકશન પ્‍લોટમાં રહેતાં મયુર  સોની અને પેન્‍ટાગોનમાં રહેતાં તેના ભાઇ વિમલ સોની તથા ભરતના મિત્ર બાબરાના તેજસ જસાણીને ઉઠાવી લઇ ઉંચા નીચા કર્યા બાદ ભરતને કુલ રૂા. ૪ લાખ ૬૫ હજારની ૫૦૦ના દરની જાલીનોટો આપનારા જંકશન પ્‍લોટમાં દેનાબેંકની સામે રહેતાં અને કાલાવડ રોડ પર પંજાબી ઢાબા તથા જંકશનમાં ચાઇનીઝનો ધંધો કરતાં ગુરપ્રીતસિંઘ ઘનશ્‍યામદાસ કારવાણી (ઉ.વ.૪૭) સુધી પગેરૂ પહોંચ્‍યું હતું.

પોલીસે ગુરપ્રીતસિંઘને ઉઠાવી લઇ ઉંચો નીચો કરતાં જ તેણે વટાણા વેરી દીધા હતાં અને કબુલ્‍યું હતું કે પોતાના મામાનો દિકરો કમલેશ ઉર્ફકનુ શીવનદાસ જેઠવાણી જે પુનામાં રહે છે તેની પાસેથી રૂા. ૪.૬૫ લાખની નકલી ૫૦૦ના દરની નોટો મંગાવી આ નોટ ભરત બોરીચાને આપી હતી અને આ લેતીદેતી વખતે મયુર સોની, વિમલ સોની, તેજસ જસાણી પણ હાજર હતાં. એ-ડિવીઝન પોલીસની એક ટુકડી તૂરત જ પુના રવાના થઇ હતી. ત્‍યાંથી કમલેશને પણ સકંજામાં લઇ લીધો હતો. કમલેશને સાંજ સુધીમાં પોલીસ રાજકોટ લઇને આવે તેવી શક્‍યતા છે.

પોલીસે ભરત ઉર્ફ કિશોર બોરીચાની પુછતાછ કરતાં તેણે કબુલ્‍યું હતું કે મેં ૨૦૧૮માં રાજુલા સાવરકુંડલા રોડ પર ન્‍યુ ગુજરાત કોલા નામે ટેસ્‍ટી સોડાની ફેક્‍ટરી ૨૦ કરોડામાં ખરીદી હતી. ત્‍યારે સગા સંબંધીઓ પાસેથી રકમ ઉછીની લીધી હતી. પણ કોરોના આવતાં ખોટ ઉભી થઇ હતી અને હું દેણામાં આવી ગયો હતો. જેની પાસેથી ઉછીના લીધા હતાં તેને નાણા ચુકવી શકાય તેમ ન હોઇ ચિંતામાં આવી જતાં મેં મારા મિત્ર તેજસ જસાણીને મળી વાત કરી હતી કે મારે ભારતીય ચલણની નકલી નોટો જોઇએ છે, જો આવી નોટો મળી જાય તો હું દેણામાંથી બહાર નીકળી જાવ. જેથી તેજસે મને રાજકોટ રહેતાં વિમલ સોનીનો મોબાઇલ નંબર આપ્‍યો હતો અને મેં તેને ફોન કરતાં વિમલે રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ સિનર્જી હોસ્‍પિટલ સામે લોર્ડસ હોટેલ ઉપર ઓફિસ નં. ૬૧૨માં આવવાનું કહેતાં હું તેને મળવા ગયો હતો.

ત્‍યારે વિમલે હું ફોન કરુ ત્‍યારે આવી જજો તેમ કહ્યા પછી બે ત્રણ વખત તેને મળ્‍યો હતો. એ પછી વિમલે કહેલું કે મારી પાસે પુના મહારાષ્‍ટ્રની પાર્ટી છે જે નકલી નોટોનો વેપાર કરે છે. એ આવશે એટલે ફોન કરીશ. ત્‍યારબાદ ૮/૧/૨૩ના રોજ વિમલનો ફોન આવ્‍યો હતો અને કહેલું કે ૯/૧ના પુનાની પાર્ટી આવે છે તમે આવી જજો. ૯મીએ વિમલ બહારગામ હોઇ તેણે ઓફિસે પોતાનો ભાઇ મયુર હશે તેમ કહેતાં હું ત્‍યાં ગયો હતો. ત્‍યાં પુનાથી કમલેશ આવ્‍યો હતો અને તેણે વાતચીત કરી હતી કે અસલી નકલી રકમ હું જેટલી આપુ તેની સામે તમારે અસલી રકમ ૪૫ ટકા લેખે આપવી પડશે.

ભરતે પોલીસ સમક્ષ વધુમાં કબુલ્‍યું હતું કે કમલેશે પોતાની પાસે ૯૩૦ નોટો ૫૦૦ના દરની અને ૨૦૦૦ તથા ૧૦૦ના દરની ૧-૧ નોટો હોવાનું કહ્યું હતું. આમ કુલ ૪,૬૭,૧૦૦ હતાં. કમલેશે આ નોટો લઇ લેવા અને બીજી વખત પોતે ઓર્ડર મુજબ નોટો લાવશે તેમ કહેતાં મેં નોટો લઇ લીધી હતી અને ૨૦૦૦ તથા ૧૦૦ વાળી એક એક નોટ મને પસંદ ન આવતાં ફાડી નાંખી હતી. બાકીના અસલી પૈસા મારે આપવાના હતાં તે રકમ ૨ લાખ ૧૦ હજાર મેં રાજુલાથી આંગડિયા મારફત મયુર સોનીના નામે મોકલ્‍યા હતાં. આ રકમ કમલેશ અને મયુર લેવા ગયા હતાં. તેને પૈસા મળી ગયા હતાં.

એ પછી મેં રાજુલાથી ૭ લાખ રાજકોટ આંગડિયામાં મોકલ્‍યા હતાં. આ અસલી રકમ ઉપાડીને હું ઘરે આવ્‍યો હતો અને તેમાં મારી પાસેની નકલી નોટો મીક્‍સ કરી દીધી હતી. આ કારણે અસલી-નકલી મળી કુલ ૧૧,૬૫,૦૦૦ની રકમ થઇ ગઇ હતી. એ પછી મેં જામનગરની વી. પટેલ આંગડિયામાં જઇ ૫ લાખ રાજુલા ખાતે મોકલાવેલ. એ પછી ધંધા માટેના કાચા માલની રકમ વેપારીને આપવાની હોઇ રાજકોટ મવડીની પીએમ આંગડીયામાંથી ૧ લાખ ભાવનગર મોકલ્‍યા હતાં. બાકી રહેલા ૫ લાખ યાજ્ઞિક રોડ પર ૧૨મીએ પીએમ આંગડીયા પેઢીથી ભાવનગર ખાતે આંગડીયુ કરાવ્‍યું હતું. આ તમામ નોટો ૫૦૦ના દરની હતી.

બાકીના ૬૫ હજાર મારા ઘરે રાખ્‍યા હતાં. એ પછી સાંજે પીએમ આંગડીયામાંથી ફોન આવ્‍યો હતો કે તમે ૩ાા લાખ આંગડીયામાં જમા કરાવ્‍યા તેમાંથી ૩ાા લાખ બબલુભાઇને આપ્‍યા હતાં. તેમાંથી ૫૦૦ની ૧૯૩ નોટ નકલી નીકળી છે તેમજ સંદિપભાઇને અમે ૫૦ હજાર આપ્‍યા હતાં તેણે એક્‍સીસ બેંકમાં જમા કરાવતાં તેમાંથી ૩૧ નકલી નોટો નીકળી છે. એ પછી બેંક દ્વારા નકલી નોટની ફરિયાદ નોંધાવાઇ હતી અને તપાસમાં પોલીસ મારા સુધી પહોંચી હતી.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, ઇન્‍ચાર્જ એસીપી વી. જી. પટેલની રાહબરીમાં પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ બી. એચ. પરમાર, એએસઆઇ ભરતસિંહ વી. ગોહિલ, એએસઆઇ એમ. વી. લુવા, હેડકોન્‍સ. વિરભદ્રસિંહ જાડેજા, કોન્‍સ. જયરાજસિંહ કોટીલા, જગદીશભાઇ વાંક, કેતનભાઇ બોરીચા, સાગરદાન દાંતી, ભગીરથસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, હરવિજયસિંહ ગોહિલ, નિરવભાઇ ખીમાણી, અશ્વિનભાઇ પંપાણીયા તથા સંજયભાઇ જાદવની ટીમે આ કામગીરી કરી હતી.

ઝડપાયેલા આરોપીઓના ચાર દિવસના રિમાન્‍ડ મળતાં આગળની તપાસ શરૂ થઇ છે. જેમાં વિશેષ અને ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્‍યતા છે. પીઆઇ કે. એન.  ભુકણ અને ટીમ વધુ તપાસ કરે છે.

 

પોલીસે કુલ ૫૧૩ નકલી નોટો કબ્જે કરી

ભરત બોરીચા સહિતની ટોળકીઍ જે નકલી નોટો ચલણમાં વહેતી કરી દીધી છે તે પૈકીની કુલ ૫૧૩ નકલી નોટો કે જે ૫૦૦ના દરની છે તે કબ્જે કરી છે. જેમાંથી યાજ્ઞિક રોડ પરની પીઍમ આંગડીયા પેઢીમાંથી ૨૨૪ નોટ તથા જામનગર વી. પટેલ આંગડીયા પેઢીમાંથી કસ્ટમર તરીકે મેળવનાર ધનેશ ત્રિવેદીના ઘરેથી ૨૮૯ નોટોનો સમાવેશ થાય છે. બાકીની બે લાખની નકલી નોટો કબ્જે કરવા માટે તજવીજ થઇ રહી છે.

(3:24 pm IST)