Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

પડધરીના ખોડાપીપર ગામે ડિગ્રી વગરનો ડોકટર પકડાયોઃ રૂરલ એસઓજીનો દરોડો

ડિગ્રી વગર ભૌમીકસિંહ સોલંકીએ કલીનીક ચાલુ કરી દિધું'તુઃ દવાનો જથ્‍થો કબ્‍જે

તસ્‍વીરમાં કલીનીક અને પકડાયેલ બોગસ તબીબ નજરે પડે છે.

 

રાજકોટ તા. ર૦ : પડધરીના ખોડાપીપર ગામે રૂરલ એસઓજીએ દરોડો પાડી ડિગ્રી વગર તબીબી પ્રેકટીસ કરતા બોગસ ડોકટરને ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર રીતે દવાખાનાઓ ખોલી બોગસ દસ્‍તાવેજો અને સર્ટીફીકેટ રાખી લોકોની જીંદગી સાથે ચેડા કરતા બોગસ ડોકટરો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના કરવામાં આવેલ હોય, જે અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્‍સપેકટર કે.બી.જાડેજા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પો.સબ ઇન્‍સ બી.સી.મીયાત્રા તથા કે.એમ.ચાવડા સ્‍ટાફ સાથે પડધરી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્‍યાન સંયુકત બાતમી આધારે હકિકત મળેલ કે, પડધરી તાલુકાના ખોડાપીપર ગામ ખાતે ભૌમિકસિંહ રાજેન્‍દ્રસિંહ સોલંકી રહે. ખોડાપીપર ગામ ગેઇટ નંબર-૧ પાસે તા.પડધરી જી.-રાજકોટ વાળો કોઇપણ ડોકટરી સર્ટી વગર ખોડાપીપર ગામે દ્રિશીકા કલીનીક નામે દવાખાનું ચલાવે છે. જે મળેલ હકિકત વાળી જગ્‍યાએ રેઇડ કરી ગેરકાયદેસર પ્રેકટીસ કરતા ડોકટરને પકડી પાડી પડધરી પો.સ્‍ટે. ખાતે ગુન્‍હો રજીસ્‍ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. એસ.ઓ.જીએ ઇન્‍જેકશન તથા સીરીજ તથા નાના-મોટા ગ્‍લુકોઝના બાટલાઓ જુદા-જુદા રોગોની એન્‍ટીબાયોટીક દવાઓ જેની કુલ કિંમત ૧૬,ર૪૮ કબ્‍જે કરી હતી.

આ કાર્યવાહીમાં રૂરલ એસ.ઓ.જી.ના પો.હેડ. કોન્‍સ હિતેષભાઇ અગ્રાવત, વિજયભાઇ વેગડ તથા પો.કોન્‍સ. રણજીતભાઇ ધાધલ જોડાયા હતા.

(1:48 pm IST)