Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

કારખાનેદારની હત્‍યાના ભાગેડુ આરોપી અમિત ભાણવડીયાની આગોતરી જામીન અરજી સુપ્રીમે ફગાવી દેતા રાજકોટની કોર્ટમાં સરન્‍ડર થવા અરજી

યુનિ. રોડ ઉપર આવેલ રાધાક્રિષ્‍ન સોસાયટીના મકાનો ખાલી કરાવવાના સંદર્ભે : એડવોકેટ મુકુંદસિંહ સરવૈયા મારફત કોર્ટમાં અરજી અપાઇ : સંભવિત બપોર બાદ સરન્‍ડર થવાની તજવીજ

રાજકોટ તા. ૨૦ : શહેરના યુનિ.રોડ પર આવેલી રાધાક્રિષ્‍ન સોસાયટીમાં મકાન ખાલી કરાવવાના ઈરાદે હુમલો કરી કારખાનેદારની હત્‍યાના ગુનામાં નવ માસથી ફરાર ભુમાફીયા અમિત ભાણવડિયા  કરેલી આગોતરા જામીન અરજી સુપ્રીમ કોર્ટ  ફગાવી દેઇ એક સપ્તાહમાં સરન્‍ડર થવા હુકમ છે. જેના અનુસંધાને આજે તેમના વકીલે કોર્ટમાં સરન્‍ડર થવા અરજી કરેલ છે. સંભવતઃ બપોર બાદ આરોપી સરન્‍ડર થઇ રહ્યાનું જાણવા મળે છે.

જાણવા મળતી વિગત મુજબ રાધાક્રિષ્‍ન સોસાયટીમાં મકાનો ખાલી કરાવવાના ઈરાદે ભુમાફિયાઓ વિસ્‍તારવાસીઓ પર ત્રાસ ગુજારતા હોય જેથી કંટાળી જઈ કેટલાક મકાન માલિકો મકાન વેચી નાસી ગયા હતા. દરમિયાન ગઈ તા. ૧૫-૨- ૨૦૨૨ના રોજ ઘર બહાર રાખેલી મોટરના કાચ તોડીને ભૂમાફિયા સહિતની ટોળકીએ પથ્‍થરમારો તેમજ ધોકા વડે હુમલામાં કારખાનેદાર અવિનાશભાઈ કુરજીભાઈ ધુલેશીયા (ઉ.૫૦)ને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે હોસ્‍પીટલમાં ખસેડાયા હતા, જેનું સારવારમાં મોત નિપજતા પોલીસે હત્‍યા સહીતનો ગુનો નોંધી આરોપી રવિ વાઢેર, વિજય રાઠોડ, હીરેન વાઢેર, પરેશ ચૌહાણની અને ત્‍યાર બાદ મયુરસિંહ જાડેજાની ધરપકડ કરી હતી, જયારે અમીત ભાણવડીયા અને ભરત સોસા ઉર્ફે ભુરો ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ ચલાવી રહી છે.

દરમિયાન ભાગતા ફરતા અમિત ભાણવડીયાએ પોલીસ ધરપકડની દહેશતે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ સુપ્રીમ કોર્ટ આરોપી અમીત ભાણવડીયાની આગોતરા જામીન અરજી નામંજુર કરી એક સપ્તાહમાં સરન્‍ડર થવા હુકમ કર્યો છે.  આ કામમાં મૂળ  ફરિયાદી વતી એડવોકેટ તરીકે મુકુંદસિંહ સરવૈયા રોકાયા હતા

(5:25 pm IST)