Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

હવે રાજકોટ સહિત રાજયભરની સબ રજીસ્‍ટ્રાર કચેરીમાં અનઅધિકૃત વ્‍યકિત જોવા મળ્‍યો તો સબ રજીસ્‍ટ્રાર જવાબદાર

નોંધણી કમિશનર દ્વારા ખાસ પરિપત્રઃ તમામ નોંધણી નિરિક્ષકોને સરપ્રાઇઝ વીઝીટના આદેશો

રાજકોટ, તા. રાજયભરની સબ રજિસ્‍ટ્રાર કચેરીઓમાં સ્‍ટેમ્‍પ રજીસ્‍ટ્રેશન સહિતની કામગીરી માટે વચેટિયાઓ પડયા પાથર્યા રહે છે, આથી નોંધણી સર નિરીક્ષક અને સુપરિન્‍ટન્‍ડેન્‍ટ ઓફ સ્‍ટેમ્‍પ્‍સ કચેરીઓમાં જો અનઅધિકૃત વ્‍યકિત સરકારી કામકાજ અર્થે જોવા મળ્‍યો તો એ કચેરીના વડા તરીકે સબ રજીસ્‍ટ્રારને જવાબદાર ગણીને તેમની સામે શિક્ષાત્‍મક કાર્યવાહી કરવાનો આદેશ બહાર પાડયો છે.

સબ રજીસ્‍ટ્રાર સહિત તમામ સ્‍ટેમ્‍પ રજીસ્‍ટ્રેશનની કચેરીઓમાં સરકારી કામ અર્થે અનઅધિકૃત વ્‍યકિતના પ્રવેશ, ત્‍યાં બેસવા કે ફરવા સામે પહેલાથી જ પ્રતિબંધ છે. વર્ષ-ર૦૧૭માં પણ આ પ્રકારની સુચનાઓ આપ્‍યા બાદ કોરોનાકાળ બાદ સબ રજીસ્‍ટ્રાર કચેરીઓમાં અધિકારીઓવતી વહિવટ કરતા વચેટિયાનું પ્રમાણ વધ્‍યુ છે. આથી નોંધણી સર નિરીક્ષક અને સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ ઓફ સ્‍ટેમ્‍પ્‍સ દ્વારા ફરીથી પરિપત્ર ઓફ સ્‍ટેમ્‍પ્‍સ દ્વારા ફરીથી પરિપત્ર કરવામાં આવ્‍યો હતો. જેમાં કહેવાયું છે કે, આ બાબતની તપાસ માટે તમામ મદદનીશ નોંધણી નીરીક્ષકો, નોંધણી નિરીક્ષકોએ સરપ્રાઇઝ વિજિટ કરવાની રહેશે.

આ પરિપત્રનો ચુસ્‍ત અમલ કરવા અને ભવિષ્‍યમાં બિનઅધિકૃત વ્‍યકિત રાખવા અને તેની પાસે સરકારી કામ કરાવવા બાબતે કચેરીમાં કોઇ પ્રશ્ન રજુઆત કે ફરીયાદ આવશે તો તેની પણ સઘળી જવાબદારી કચેરીના વડા તરીકે સબ રજિસ્‍ટ્રારની રહેશે. તેમની સામે શિસ્‍ત ભંગના પગલા લેવાના ફરજ પડશે તેની તમામે નોંધ લેવા પણ કહેવાયું છે. આ પરિપત્રથી રાજકોટની તમામ સબ રજીસ્‍ટ્રાર કચેરીમાં ભારે હલચલ મચી હતી, અધિકારીઓએ નકામા ફરતા લોકો વચેટીયાઓને બહાર કાઢવા હુકમો કર્યા હતા. 

(5:24 pm IST)