Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

તમામ ધારાસભ્‍યો માટે તાલીમ વર્ગ

લોકપ્રતિનિધિઓને કામગીરી માટે સજ્જ કરવા વિધાનસભાના અધ્‍યક્ષ શંકર ચૌધરીનો નૂતન પ્રયોગ : લોકસભાના અધ્‍યક્ષ ઓમ બીરલા આવે તેવી શકયતાઃ ૧પ ફેબ્રુઆરી આસપાસ આયોજન

રાજકોટ, તા. ર૦ :  ગુજરાતની નવી વિધાનસભામાં ચૂંટાયેલા તમામ સભ્‍યો માટે ફેબ્રુઆરી મધ્‍યે ખાસ તાલીમ વર્ગ યોજાનાર છે. ધારાસભાની કામગીરીમાં ધારાસભ્‍યની ભૂમિકા મહત્‍વની હોય છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની કામગીરી માટે પુરતા સજ્જ બને તે હેતુથી વિધાનસભાના અધ્‍યક્ષ  શ્રી શંકર ચૌધરી દ્વારા ધારાસભ્‍યો માટે તાલીમ વર્ગ યોજવાનું નકકી થયું છે. ર૦ ફેબ્રુઆરી આસપાસથી  બજેટ સત્ર શરૂ થનાર છે. તે પૂર્વે તા. ૧પ આસપાસ વિધાનસભા ભવનમાં એક થી બે દિવસનો તાલીમ વર્ગ યોજાનાર છે. રાજયમાં આવું આયોજન કદાચ પ્રથમ વાર થઇ રહ્યું છે.

ધારાસભ્‍યોના તાલીમ વર્ગમાં ઉદ્‌્‌ઘાટક તરીકે લોકસભાના અધ્‍યક્ષ ઓમ બિરલા ઉપસ્‍થિત રહે તેવી શકયતા છે. ધારાસભ્‍યોને ગૃહની અંદર અને બહાર કરવાની કામગીરી, ગ્રાન્‍ટનો ઉપયોગ, લોકપ્રશ્નના રજૂઆતની પદ્ધતિ વગેરે બાબતે સંસદીય કાર્યવાહીના અનુભવીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ધારાસભ્‍યોને તેમના હકક અને ફરજ બાબતે નિર્દેશ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે દોઢ મહિના પહેલા યોજાયેલ ૧પમી વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૧૮ર પૈકી ૧પ૬ સભ્‍યો ભાજપના, ૧૭ કોંગ્રેસના, પ આમ આદમી પાર્ટીના,૩ અપક્ષો અને ૧ સભ્‍ય અન્‍ય પક્ષના ચૂંટાયા છે. તાલીમ વર્ગનું આયોજન વિધાનસભા ભવન કાર્યાલય દ્વારા થઇ રહ્યું છે.

(3:54 pm IST)