Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

જિલ્લા પંચાયતમાં ખાલી જગ્‍યાઓની હારમાળાઃ ભાજપી શાસકોનું સરકારમાં કોઇ સાંભળતુ નથી

વિકાસને ‘શિયાળો' લાગી ગયો : ‘તાપ' વરસાવતા વિપક્ષી નેતા અર્જુન ખાટરિયા

રાજકોટ,તા. ૨૦ : જિલ્લા પંચાયતમાં પ્રથમ હરોળમાં અધિકારીઓની સંખ્‍યાબંધ ખાલી જગ્‍યા પ્રશ્‍ને વિપક્ષ કોંગ્રેસના નેતા શ્રી અર્જુન ખાટરિયાએ મુખ્‍યમંત્રીને પત્ર પાઠવી ખાલી જગ્‍યાઓ કરવા રજુઆત કરી છે.

અર્જુન ખાટરિયાએ જણાવ્‍યું છે કે, સૌરાષ્‍ટ્રની સૌથી મોટી જિલ્લા પંચાયત એટલે રાજકોટ જિલ્લા પંચાયત જેને જિલ્લા પંચાયત એટલે ગ્રામ્‍ય વિસ્‍તાર સાથેનો વહીવટી બાબતોનો સૌથી મોટો હિસ્‍સો કહેવાય એમાય ગ્રામ્‍ય કક્ષાએ થતા વિકાસલક્ષી કામોમાં જિલ્લા પંચાયતનો મહત્‍વનો રોલ હોય છે. પરંતુ રાજકોટ જિલ્લા પંચાયતને રામભરોસે મુકી દેવામાં આવી હોય એવું સ્‍પષ્‍ટ પ્રતિત થાય છે. જિલ્લા પંચાયતના મુખ્‍ય વહીવટી અધિકારી અને માસ ઉપરના સમયથી ખાલી પડેલ છે. જેનાથી આવતા સમયમાં શિક્ષણ વિભાગની આવતી પરીક્ષાઓ એમનો વહીવટ આ બધી જ બાબત પર ખુબ ગંભીર અસર થાય એવી સ્‍થિતી છે.

આરોગ્‍ય જેમાં કોરોનાની સ્‍થિતી પ્રસરે તો એની હાલત પણ આવી થાય એવું છે. જિલ્લાના વિકાસને ખેડૂતોને અને સામાન્‍ય ગરીબ પ્રજાને માલધારીઓને બધા જ પરેશાની ઉભી થાય એવી બાબત એવી શાખાઓ જેમ કે પશુપાલન તેમજ ખેતીવાડી તેમજ હિસાબી અધિકારી આ તમામ શાખાઓ અધિકારી વગેરેની છેલ્લા લાંબા સમયથી ખાલી પડેલ છે. જેનાથી વહીવટી વિભાગને ખૂબ જ મુસીબતો ઉભી થઇ રહી છે.

વર્તમાન સમયે ગામડાથી લઇ અને ગાંધીનગર અને દિલ્‍હી સુધી ભા.જ.પ.ની સરકાર છે. જિલ્લા પંચાયતમાં પણ ભા.જ.પ.નું શાસન છે. છતાં પણ ગાંધીનગર સુધી રાજકોટનો અવાજ નથી પહોંચી શકતો કે પછી રાજકોટ માટે ગાંધીનગરથી ઓરમાયુ વર્તન દાખવી રહ્યા હોય એવું દેખાય છે. રાજકોટ જિલ્લા પંચાયત માત્ર રામભરોસે ચાલી રહી હોય એવું ગ્રામ્‍ય પ્રજા અને ગ્રામ્‍ય આગેવાનોને દેખાઇ આવે છે. લાંબો સમય આ હાલાકી વેઠવી ન પડે અને સરકાર જાગે મુખ્‍યમંત્રીશ્રી આ પ્રશ્‍નનું નિવારણ લાવે એ માંગણી છે. તેમ અર્જુન ખાટરિયાએ જણાવ્‍યું છે.

(3:59 pm IST)