Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

જવાબદાર નાગરિક ન બનાવી શકે તે શિક્ષાનું કોઇ મૂલ્‍ય નથી : રાજ્‍યપાલ

૧૪ વિદ્યાશાખાના ૪૩૦૬૨ દિક્ષાર્થીઓને પદવીઓ એનાયત : ૧૩ વિદ્યાશાખાના ૧૨૬ વિદ્યાર્થીઓને ૧૪૭ ગોલ્‍ડમેડલ અર્પણ કરાયા : વિદ્યા પ્રાપ્‍તીનો કોઇ અંત નથી... દેશના યુવાનોનું ટેલેન્‍ટ વિશ્વમાં જોવા મળ્‍યું - શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ : શિક્ષણ સમાજ ઉપયોગી બને તે આજના સમયની જરૂરીયાત : - શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયા

રાજકોટ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો આજે ૫૭મો પદવીદાન મહોત્‍સવ યોજાયો હતો. જેમાં રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજીએ વર્ચ્‍યુઅલ માધ્‍યમથી જોડાયા હતા. શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને પ્રફુલભાઇ પાનસેરીયા ખાસ ઉપસ્‍થિત રહીને વિવિધ વિદ્યાશાખાના ૧૨૬ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અર્પણ કર્યા હતા. પ્રસ્‍તુત તસ્‍વીરમાં સુવર્ણચંદ્રક એનાયત કરતા શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલ, પ્રફુલભાઇ પાનસેરીયા, કુલપતિ ગીરીશ ભીમાણી, સીન્‍ડીકેટ સભ્‍યો મહેશભાઇ ચૌહાણ, રાજેશભાઇ કાલરીયા, વિમલભાઇ પરમાર, ધરમભાઇ કાંબલીયા સહિતના નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૦ : આજે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કાનજી ભુટા બારોટ હોલ ખાતે શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને  મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયાની ઉપસ્‍થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૭માં પદવીદાન સમારોહ યોજાયો હતો. આ તકે આચાર્ય દેવવ્રતજીએ વર્ચ્‍યુઅલ માધ્‍યમથી ગૌ-કૃષિ વિદ્યા કેન્‍દ્રનો શુભારંભ કરાવ્‍યો હતો, એ સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની ગઈ છે કે જયાં એક સાથ એગ્રીકલ્‍ચર અને એનીમલ હસ્‍બન્‍ડરીનો અભ્‍યાસ કરાવવામાં આવશે.

આ પ્રસંગે વર્ચ્‍યુઅલ માધ્‍યમથી જોડાયેલા રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્‍યું હતું કે, આજનો દિવસ મહત્‍વ પૂર્ણ છે. એક લક્ષ્ય સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનુંએ લક્ષ્ય આજે પૂર્ણ થયું છે. સુવર્ણ પદક અને પદવી મેળવનાર વિધાર્થીઓના લક્ષ્યને પૂર્ણ કરવામાં ગુરૂ અને માતા - પિતાની ભૂમિકા વધુ મહત્‍વની છે. જેના પ્રયાસો - તપસ્‍યા -  પરિશ્રમ અને અનુભવો થકી જ તમને આ પદવી પ્રાપ્ત કરવાનું સૌભાગ્‍ય મળ્‍યું છે.

જે શિક્ષા તમને જવાબદાર નાગરિક ન બનાવી શકે એ શિક્ષાનું કોઈ મૂલ્‍ય નથી. ત્‍યારે તમને મળેલી શિક્ષાનું સમ્‍માન કરીને એક જવાબદાર નાગરિક બનવાની જવાબદારી વધી જાય છે. આપણા વ્‍યવહારથી સમાજમાં આપણા ગુરૂ અને માતા - પિતાનું ગૌરવ વધારવું જોઈએ તેમ રાજયપાલશ્રીએ ઉમેર્યું હતું.

રાષ્ટ્રપિતા મહાત્‍મા ગાંધીના સત્‍ય અને અહિંસાના ગુણોને યાદ કરીને વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા રાજયપાલશ્રી દેવવ્રતે કહ્યું હતું કે, વિદ્યા પ્રાપ્ત કરનાર વ્‍યક્‍તિનું જીવન સત્‍ય ઉપર આધારિત હોવું જોઈએ. સત્‍ય પ્રકાશ સમાન છે. સત્‍યતા સાથેનું જીવન અમરતા પ્રદાન કરે છે. ગાંધીજીનું જીવન દર્શન આજે વિશ્વ માટે પ્રેરણ્વોત છે. સરદાર વલ્લભભાઈ પટેલે અનેક મુશ્‍કેલીઓને સહન કરીને ભારતની અખંડિતતા માટે અમૂલ્‍ય પ્રદાન આપ્‍યું છે. તેથી  સત્‍યની પરીક્ષા આપીને સ્‍વયંમને એક જવાબદાર નાગરિક તરીકે સાબિત કરો. જીવનમાં જે જવાબદારી સંભાળો તેને કર્તવ્‍ય પરાયણતા સાથે પૂરી કરો.

 

રાજયપાલશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીને યાદ કરતા વિદ્યાર્થીઓને અધિકાર અને જવાબદારીની સમજ આપતા વધુમાં ઉમેર્યું હતું કે, આપણે સૌ આપણા અધિકારો વિશે ખૂબ જાગૃત છીએ પરંતુ કર્તવ્‍યની વાત આવે ત્‍યારે આપણે પાછળ હટી જઈએ છીએ. સામાન્‍ય પરિવારમાંથી આવતા વડાપ્રધાનશ્રીએ આજે વિશ્વ ફલક ઉપર ભારતની તસ્‍વીર બદલી નાખી છે. જેઓએ ક્‍યારે પણ અધિકારોની વાત નથી માત્ર પોતાની જવબદારીઓને અગ્રતા આપીને ભારતને વિશ્વ ગુરુ બનાવવા સુધી પહોંચાડ્‍યું છે. રાજનૈતિક જીવનમાંથી રજાઓ લીધા વિના, બેંક બેલેન્‍સ વધાર્યા વિના રાત દિવસ માત્ર ભારત ભૂમિની સેવા કરી છે. ત્‍યારે આપણા વડાપ્રધાનના જીવનમાંથી પ્રેરણા લઈને જવાબદારી - સત્‍ય અને સમર્પણના ગુણોને ગ્રહણ કરીને લોકોના દિલમાં પોતાનું સ્‍થાન બનાવીએ.

જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની કોઈ ઉંમર હોતી નથી. એટલે પદવી પ્રાપ્ત કર્યા બાદ પણ પોતાના વિષયનું અધ્‍યાયન સતત ચાલુ રાખવું જોઈએ. જેમ વાદળ સાગરના ખારા પાણીને મીઠું કરીને આપણી તરસ છિપાવે છે તેમ આપણે પણ વાદળ બનીને આપણી વિદ્યા અન્‍યના કામમાં આવે અને સમાજનું કલ્‍યાણ થાય તેવા પ્રયાસો કરવા જોઈએ તેવો આશાવાદ રાજયપાલશ્રીએ  વિદ્યાર્થીઓ સામે વ્‍યક્‍ત કર્યો હતો.

આ તકે રાજયપાલશ્રીએ સૌરાષ્ટ્ર યુિવર્સિટીને કૃષિ ગૌ વિદ્યા કેન્‍દ્રની પહેલ કરવા બદલ શુભેચ્‍છાઓ પાઠવી હતી. તેમજ પ્રકૃતિ ખેતીના મહત્‍વ વિશે સમજ આપીને લોકોને સ્‍વાસ્‍થ્‍ય વર્ધક જીવન જીવવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી હતી.

આ તકે કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેષભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, વિદ્યા પ્રાપ્તિનો કોઈ અંત નથી હોતો, એ જીવન પર ચાલતી નિરંતર પ્રક્રિયા છે. ભારતીય યુવાનોનું ટેલેન્‍ટ વિશ્વના તમામ ખૂણે જોવા મળે છે. શિક્ષણ અને દુનિયા સાથે તાલમેલ મેળવી શકાય તેવા પ્રયાસો દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળ બનેલી નવી શિક્ષણ નીતિમાં તેનો સાક્ષાતકાર થાય છે. અને નવી શિક્ષણ નીતિમાં ગીતા, રામાયણ, મહાભારત સહિતના ધાર્મિક ગ્રંથોનું જ્ઞાન વણી લેવામાં આવ્‍યું છે જેનાથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરી શકાય. તેમજ ગુરૂજનોએ પણ સતત અપડેટ રહેવું જોઈએ જેથી વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકે.

રાજયકક્ષાના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ કહ્યું હતું કે વિદ્યાર્થી શિક્ષણનો સાચો મર્મ અને ધર્મ સમજે, તેમણે પ્રાપ્ત કરેલું શિક્ષણ સમાજ ઉપયોગી બને અને રાષ્ટ્રને સમર્પિત થાય તે આજના સમયની જરૂરિયાત છે. શિક્ષણ દ્વારા વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય અને જીવનની સર્વોત્તમ ઉદ્ધવગામી સિદ્ધિ પ્રાપ્ત કરે તે સાચા અર્થમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું ગણાય. રાગ -  દ્વેષ લોભથી દૂર રહીને કર્મની રાહ પર ચાલીને ‘સત્‍યમેવ જયતે'નો ભાવ રાખીને આગળ વધવા મંત્રીશ્રીએ તમામ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.

આ તકે મહાનુભાવોના હસ્‍તે ૧૩ વિદ્યાશાખાના ૧૨૬ વિદ્યાર્થીઓને ૧૪૭ ગોલ્‍ડમેડલ અર્પણ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, પી.ડી.યુ. મેડીકલ કોલેજ, રાજકોટની વિદ્યાર્થીની કાપડીયા ધીરતા અતુલભાઈને એમ.એસ. બ્રાન્‍ચラ૧ જનરલ સર્જરી માં ૩  ગોલ્‍ડમેડલ તથા એમ.પી.શાહ મેડીકલ કોલેજ, જામનગરના વિદ્યાર્થી વડાલીયા અક્ષત કેશુભાઈને એમ.એસ. બ્રાન્‍ચ-૧ જનરલ સર્જરીમાં ૩ ગોલ્‍ડમેડલ, ગાયત્રી ગુરૂકૃપા બી.એડ. કોલેજ, લાઠીના વિદ્યાર્થી લશ્‍કરી તુષાર રાજુભાઈને એલ.એલ.બી. સેમ-૬ માં ૩  ગોલ્‍ડમેડલ, દોશી આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ, વાંકાનેરની વિધાર્થીની વોરા હેતલબેન ત્રિભોવનભાઈને બી.એ. ગુજરાતીમાં ૩ ગોલ્‍ડમેડલ પ્રાપ્ત કર્યા છે. ગોલ્‍ડમેડલ મેળવનાર વિદ્યાર્થીઓને પદવીદાન સમારોહમાં લાકડાના વિશિષ્ટ બોક્ષમાં પદવી એનાયત કરવામાં આવી હતી

આ તકે કુલપતિ ગિરીશભાઈ ભિમાણીએ મહેમાનોનું શાબ્‍દિક સ્‍વાગત કરીને સ્‍મૃતિચિહ્ન અર્પણ કર્યા હતા તેમજ આભારવિધી પરિક્ષા નિયામક  નિલેશભાઈ સોનીએ કરી હતી.

આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજનભાઈ પટેલ, ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડો. એમ.એમ. ત્રિવેદી, સિન્‍ડિકેટ સભ્‍ય ડો. રાજેશભાઈ કાલરીયા, ડો. વિમલભાઈ પરમાર, મહેશભાઇ ચૌહાણ, ડો. ધરમભાઈ કાંબલીયા, ભવનોના અધ્‍યક્ષઓ, પ્રાધ્‍યાપકો, અધિકારીઓ તથા બહોળી સંખ્‍યામાં સુવર્ણચંદ્રક મેળવનાર વિદ્યાર્થીઓ તથા તેઓના વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:39 pm IST)