Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ટ્રાન્સજેન્ડર પાયલે માફી ન માંગતા વ્યંઢળોની માલવીયા નગર પોલીસ સ્ટેશને ધમાલઃ સુત્રોચ્ચાર, લૂગડા ઉતાર્યા

ડાલીબાઇ કવાર્ટરમાં રહેતાં મુળ સુરેન્દ્રનગરના મેહુલ ઉર્ફ પાયલને તે અસલી વ્યંઢળોની બદનામી કરે છે...તેવા આરોપ સાથે ચાર દિવસ પહેલા તેને ઘરેથી લોધાવડ ચોક લઇ જઇ માર મારી પ્રાઇવેટ પાર્ટનો વિડીયો બનાવી વહેતો કરાયો હતોઃ આજે ફરીથી કિન્નરોએ પાયલની ઘરે જઇ ગુરૂની માફી માંગવાનું કહ્યું-એ પછી બધા પોલીસ સ્ટશને આવ્યા : મેહુલ ઉર્ફ પાયલનું અપહરણ કરવા અંગે અજાણ્યા કિન્નરો સામે ગુનો નોંધવા તજવીજઃ પાયલ અને વ્યંઢળોના અગાઉ એ-ડિવીઝનમાં નિવેદન નોંધાયા હતાં ત્યારે બંનેએ સમાધાનની વાત કરી હતી : વ્યંઢળોની માંગણી-એ છોકરો છે, ડુપ્લીકેટ કિન્નરને બચાવાયો છે, અમને કોઇ ન્યાય મળ્યો નથી અમારે ન્યાય જોઇએ : પાયલે કહ્યું-મને ઘરેથી ઉઠાવી જઇ 'તું શું કામ કિન્નરની જેમ રહે છે?' કહી રિક્ષામાં બેસાડી લોધાવાડ ચોકમાં લઇ જઇ માર મારી નગ્ન કરી વિડીયો ઉતારાયો'તો : પોણા કલાકની ધમાલ બાદ અધિકારીઓ, મહિલા પોલીસની ટીમે સમજાવતાં વ્યંઢળો શાંત પડ્યાઃ ન્યાયી કાર્યવાહીની ખાત્રી : પાયલને ગામ મુકાવી દ્યો...એવી માંગણી પણ વ્યંઢળોએ કરી

વ્યંઢળોની ન્યાય માટે ધમાલઃ માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે વ્યંઢળોએ નકલી વ્યંઢળ બની પોતાને બદનામ કરી રહેલા મેહુલ ઉર્ફ પાયલ સામે પગલા લેવા અને તેને ગામ મુકાવી દેવાની માંગણી સાથે  સુત્રોચ્ચાર કરી દેકારો મચાવતાં ભારે હંગામો સર્જાયો હતો. એક તબક્કે રોષે ભરાયેલા વ્યંઢળોએ પોતાના વસ્ત્રો ઉતારી નાંખ્યા હતાં. ભારે ધમાલ બાદ અંતે મામલો શાંત પડ્યો હતો. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા.૨૦:  ગોકુલધામ નજીક ડાલીબાઇ આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં અને પોતાને ટ્રાન્સજેન્ડર ઓળખાવતાં મુળ સુરેન્દ્રનગરના મેહુલ ઉર્ફ પાયલ (ઉ.વ.૨૧)ને ચાર દિવસ પહેલા રાતે દસેક વાગ્યે અજાણ્યા વ્યંઢળોએ તેના ઘરેથી ઉઠાવી જઇ લોધાવાડ ચોકમાં લઇ જઇ 'તું કિન્નર નથી તો'ય શું કામ કિન્નરની જેમ રહે છે?' તેમ કહી માર મારી નગ્ન કરી પ્રાઇવેટ પાર્ટનો વિડીયો બનાવી બાદમાં લીમડા ચોકમાં લઇ જઇ એ-ડિવીઝન પોલીસને સોંપ્યો હતો. જે તે દિવસે પોલીસે નિવેદન નોંધતા બંનેએ સમાધાનની વાત કરી હતી. દરમિયાન આજે કેટલાક વ્યંઢળો ફરીથી મેહુલ ઉર્ફ પાયલની ઘરે પહોંચ્યા હતાં અને 'તે અમારા ગુરૂનું અપમાન કર્યુ છે, માફી માંગી લે' તેમ કહેતાં પાયલે માફીની ના પાડતાં ત્યાંથી પાયલ તથા વ્યંઢળો માલવીયાનગર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. અહિ પણ પાયલે માફી ન માંગતા વ્યંઢળો રોષે ભરાયા હતાં અને પોલીસ મથકના કમ્પાઉન્ડમાં સુત્રોચ્ચાર કરી, તાલીઓ પાડી પોતાના લૂગડા પણ ઉતારી નાંખતા ભારે દેકારો મચી ગયો હતો.  પોણા કલાકને અંતે મામલો થાળે પડ્યો હતો.

પોલીસને મેહુલ ઉર્ફ પાયલે જણાવ્યું હતું કે પોતે ગે સમુદાયમાં રહે છે અને અર્ધનારી નામે સંસ્થા પણ ચલાવે છે. પોતે ચાર દિવસ પહેલા રાતે દસેક વાગ્યે ઘરે હતી ત્યારે વ્યંઢળો રિક્ષામાં આવ્યા હતાં અને પોતાને લોધાવાડ ચોકમાં લઇ ગયા હતાં. જ્યાં પોતાને નગ્ન કરી પ્રાઇવેટ પાર્ટનો વિડીયો ઉતારી લીધો હતો. માર મારી બાદમાં લીમડા ચોકમાં લઇ ગયેલ અને ત્યાંથી વ્યંઢળોએ ૧૦૦ નંબરમાં ફોન કરી પોલીસને બોલાવી હતી. એ રાતે પોતાને અને વ્યંઢળોને એ-ડિવીઝન પોલીસ સ્ટેશને લઇ જવાયા હતાં. ત્યારે પોતાને સમાધાન કરી લેવું હોઇ ફરિયાદ નોંધાવી નહોતી. એ પછી ૧૬મીએ ફરીથી માલવીયાનગર પોલીસે પણ પોતાની ઘરે આવી પુછતાછ કરી હતી. ત્યારે પણ પોતે પોતાને કોઇ ફરિયાદ નોંધાવવી નથી તેમ કહ્યું હતું.

મેહુલ ઉર્ફ પાયલે આગળ કહ્યું હતું કે  વ્યંઢળોએ એ રાતે મને 'તું કિન્નર નથી છતાં શું કામ કિન્નરની જેમ રહે છે?' તેમ કહી માર માર્યો હતો. દરમિયાન આજે શનિવારે સવારે હું મારા ઘરે હતી ત્યારે ફરીથી કેટલાક વ્યંઢળો આવ્યા હતાં અને મને કહ્યું હતું કે તે અમારા ગુરૂનું અપમાન કર્યુ છે, તેની માફી માંગવી પડશે. મેં માફી માંગવાની ના પાડતાં મને પોલીસ સ્ટેશને આવવાનું કહેતાં હું તથા વ્યંઢળો માલવીયાનગર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. અહિ પણ માફીનો આગ્રહ રાખતાં મેં માફી માંગવાની ના પાડી હતી. એ પછી વ્યંઢળોએ દેકારો મચાવ્યો હતો.

દરમિયાન વ્યંઢળોએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે અમારા અસલી વ્યંઢળના નામે નકલી વ્યંઢળો શહેરમાં માંગતા રહે છે અને અમને બદનામ કરતાં રહે છે. અમને આ કિસ્સામાં ન્યાય ન મળતાં અમારે સુત્રોચ્ચાર કરવા પડ્યા છે. પાયલ એ પોતે છોકરો છે, એ અસલી વ્યંઢળ નથી. અમને ન્યાય મળવો જોઇએ એવી અમારી માંગણી છે.

માલવીયાનગર પોલીસ અને મહિલા પોલીસની ટીમ કે જે બંદોબસ્ત માટે આવી હોઇ તમામે સાથે મળી વ્યંઢળોને સમજાવતાં અંતે મામલો થાળે પડ્યો હતો. એ પછી વ્યંઢળો જતાં રહ્યાં હતાં. મેહુલ ઉર્ફ પાયલનું નિવેદન-ફરિયાદ નોંધવા તજવીજ કરવામાં આવી હતી.

(3:37 pm IST)