Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

જેટકોમાં કરોડોના ટ્રાન્‍સફોર્મર ખરીદીમાં મોટા કૌભાંડની આશંકાઃ બે ઇજનેરો સસ્‍પેન્‍ડ ઇન્‍સ્‍પેકશન વગરના ટ્રાન્‍સફોર્મરો!!

કરોડોના કૌભાંડની ઇજનેર વર્તુળોમાં ભારે ચર્ચા : મોટા માથાઓને છાવરવાનો ખેલ ?!

રાજકોટ, તા. ૧૦ :  વીજતંત્રમાં જેટકોમાં એક ઘટના બની ગઇ છે અને તેની હાલ રાજયભરના વીજ ઇજનેરોમાં ભારે ચર્ચા ઉપડી છે.

મળતી માહિતી મુજબ જેટકો કંપનીમાં મોટી કિંમતના ટ્રાન્‍સફોર્મરની ખરીદી ટેન્‍ડર  મારફત થતી હોય છે. આવા ટ્રાન્‍સફોર્મરો ટેન્‍ડરની શરતો મુજબ બનાવવામાં આવેલ છે કે નહી તેની ખરાઇ કરવા માટે વડી કચેરી દ્વારા કંપની ખાતે ઇન્‍સ્‍પેકટશન અને ટેસ્‍ટીંગ કરવામાં આવતા હોય છે તમામ બાબતની ખરાઇ કર્યા બાદ જ જે તે કંપનીને સાઇટ ઉપર ટ્રાન્‍સફોમટ મોકલવાની સુચના આપવામાં આવતી હોય છે. પરંતુ ચર્ચાઇ રહેલી વાતો પરથી જાણવા મળતી માહિતી મુજબ નકલી ટેસ્‍ટીંગ રીપોર્ટ સબમીટ કરી ફિલ્‍ડમાં ટ્રાન્‍સફોર્મર મોકલવા માટેના સૂચના રીપોર્ટ બનાવી ટ્રાન્‍સફોર્મરો ફિલ્‍ડરો બારોબાર મોકલી આપવા ના કૌભાંડો થયાની લોકચર્ચા છે. ખરેખર જો કોઇ તટસ્‍થ અને ઉંડાણપૂર્વકની તપાસ થાય તો ઘણા મોટા માથાઓના નામ ખુલે તેમ બોલાઇ રહ્યું છે.

ટોચના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આ ઘટનામાં ર૦ થી રપ કે તેથી વધુ ટ્રાન્‍સફોર્મર કોઇપણ જાતના ઇન્‍સ્‍પેકશન વગર સાઇટ ઉપર આવી ગયાનું બહાર આવતા સન્નાટો પ્રસરી ગયો છે, આ ઘટનામાં બે ઇજનેરોને સસ્‍પેન્‍ડ કરી દેવાયાની ભારે ચર્ચા છે. કોઇ મોટા માથાઓને છાવરવાનો ખેલ હોવાનું અને કરોડોના કૌભાંડની ઇજનેર વર્તુળોમાં ચર્ચા છે.

દરમિયાન આ બાબતે જેટકોના ઇજનેરશ્રી રાઠોડનો સંપર્ક કરતા તેમણે અકિલા ને ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે આ બાબતે હાલ તપાસ ચાલુ છે, બીજી કોઇ બાબતની મને જાણ નથી, તમે એચ.આર.ના વડાને પૂછો તેઓ કહી શકશે, ઇજનેરો સસ્‍પેન્‍ડ કરાય કે કેમ તે અંગે રાઠોડે જણાવેલ કે એ બાબત પણ એચ.આર. ખાતામાં પુછી શકો છો.

(3:59 pm IST)