Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ક્રિકેટમાં આગળ વધવા માટે ધિરજ ખૂબ જ જરૂરી

ટીમ ઈન્‍ડિયાના ‘ધ વોલ' ચેતેશ્વર પૂજારા ‘અકિલા'ના આંગણેઃસતત બીજા વર્ષે વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશીપની ફાઈનલમાં પહોંચવું એ આપણા માટે ગર્વની વાત, આ વખતે ચેમ્‍પિયન બની ચાહકોને ગિફટ આપીશું, ટીમનો જુસ્‍સો આસમાનેઃરોહિત આખી ટીમને સારી રીતે મોટીવેટ કરે છે, ટીમની સફળતા પાછળ કોચ રાહુલ દ્રવિડનું પણ મોટુ યોગદાનઃજીવનમાં જયારે સફળતા મળતી હોય ત્‍યારે નિષ્‍ફળતાને પણ યાદ રાખવી જોઈએ, નિષ્‍ફળતા મળે ત્‍યારે દબાણમાં ન આવો મેન્‍ટલી સ્‍ટ્રોંગ રહેવું ખૂબ જ જરૂરી

રાજકોટઃ ટીમ ઈન્‍ડિયાના ધુરંધર ખેલાડી અને દેશભરમાં ‘ધ વોલ' તરીકે જાણીતા સેવા ચેતેશ્વર પૂજારા આજે ‘અકિલા'ના મહેમાન બન્‍યા હતા. અકિલા લાઈવ ન્‍યૂઝમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ક્રિકેટ અંગે દિલ ખોલીને ચર્ચા કરી હતી.

ચેતેશ્વર પૂજારાએ જણાવેલ કે વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશીપની ફાઈનલમાં અને એ પણ સતત બીજા વર્ષે પહોંચવું એ આપણા માટે ગર્વની વાત છે. આ વખતે ફાઈનલ જીતીશુ એવી પૂરેપૂરી આશા છે. ટીમના ખેલાડીઓનો જુસ્‍સો આસમાને છે. આ વખતે ઓસ્‍ટ્રેલીયાને હરાવી  ચેમ્‍પિયન જરૂર બનીશું. હું એપ્રિલમાં કાઉન્‍ટી રમવા ઈંગ્‍લેન્‍ડ જઈ રહ્યો છું. જેથી ત્‍યાંના વાતાવરણમાં બરાબર સેટ થઈ જઈશ.

એક પ્રશ્નના જવાબમાં ચેતેશ્વરે કહ્યું કે ક્રિકેટમાં કે જીવનમાં એક સમયે નિષ્‍ફળતા મળતી હોય છે. આ સમય એવો છે કે આપણે નિરાશ થવું જોઈએ. ક્રિકેટમાં પણ કોઈપણ બેટરના જીવનમાં એવો ખરાબ સમય આવતો હોય છે. આ સમયે ધિરજ રાખવી જોઈએ. અનુભવી બેટરો પાસેથી ટેકનીક શીખવી જોઈએ. આમ, ધીમે- ધીમે તમારો નબળો સમય પસાર થઈ જશે અને ફરીથી તમે ટોચ ઉપર આવી જશે.

ચેતેશ્વરે પોતાના યાદગાર ૧૦૦ ટેસ્‍ટ રમવાના અનુભવને શેર કરતાં કહ્યું કે એ ક્ષણ મારા જીવનમાં કયારેય એ ક્ષણ  મારા ક્ષણ હતી. હું આ સિધ્‍ધિએ પહોંચ્‍યો તેમાં મારા માતા- પિતા, ધર્મપત્‍નિ, સગાસંબંધીઓ અને ખાસ મારા મિત્રોનું ખૂબ જ મોટુ યોગદાન રહેલું છે. નાનપણમાં મેં જયારે ક્રિકેટની દુનિયામાં પગ માંડેલા ત્‍યારે એવો વિચાર પણ નહોતો કર્યો કે હું ૧૦૦ ટેસ્‍ટ મારા દેશ વતી રમીશ.

ચેતેશ્વરે કહ્યું કે કેપ્‍ટન રોહીત શર્માની આગેવાનીમાં  રમવામાં ખૂબ જ મજા આવે છે. તે સતત ટીમને મોટીવેટ કરે છે. આ સાથે ટીમના સાથી ખેલાડીઓ પણ એકબીજાને પુરતો સપોર્ટ આપતા રહે છે. તો કોચ રાહુલ દ્રવિડનું ટીમની સફળતા માટે ખૂબ જ મોટુ યોગદાન છે. તેઓના માર્ગદર્શનમાં ટીમ નવી સફળતાઓ હાંસલ કરી રહી છે. રાહુલ દ્રવિડ યુવા ખેલાડીઓને સતત માર્ગદર્શન પુરૂ પાડતા હોય છે.

ચેતેશ્વર કહે છે કે જો તમારે ક્રિકેટક્ષેત્રે આગળ વધવું હોય તો ધિરજ રાખવી ખૂબ જરૂરી છે. સચિન જેવા કોઈક જ એવા ખેલાડી હોય છે. જેને નાની ઉંમરે આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે ક્રિકેટમાં પદાર્પણ કરવાની તક મળી હોય. મેં ૮ વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. ૧૩માં વર્ષે પ્રથમ મેચ રમ્‍યો. ટીમ ઈન્‍ડિયાવતી અન્‍ડર-૧૯માંમ ૧૭માં વર્ષે રમ્‍યો હતો. આમ, ખૂબ જ પ્રેકટીસ કરવી જરૂરી છે. ૫ થી ૭ વર્ષ આકરી મહેનત બાદ તમે આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરી શકો છો.

તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે અરવિંદભાઈ પૂજારા, ચેતેશ્વર પૂજારા નજરે પડે છે. આ પ્રસંગે રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઈ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંત ચોટાઈ, રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્‍ટી પરાગ દેવાણી નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૧૪)

યુવા ખેલાડીઓ ખૂબ જ હાર્ડવર્ક કરોઃ અરવિંદ પૂજારા

રાજકોટઃ પૂર્વ ક્રિકેટર અને ચેતેશ્વરના પિતા અરવિંદભાઈ પૂજારાએ આ તકે યુવા ઉભરતા ક્રિકેટરોને શીખ આપતા જણાવેલ કે યુવાઓ ખૂબ જ હાર્ડવર્ક કરજો તો જ સફળતા મળશે. આ ઉપરાંત હું ક્રિકેટ એકેડેમી પણ ચલાવું છું અને કયારેય મારા માર્ગદર્શનની જરૂર હોય તો મને મો.૯૮૨૪૮ ૮૦૭૫૦ ઉપર સંપર્ક કરી શકે છે.

ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં અલગ- અલગ કેપ્‍ટનની જરૂર

મેચ અગાઉ અમે ગેમ પ્‍લાન બનાવીએ છીએ, વિરોધી ટીમના ખેલાોડીઓની નબળાઈ જાણીએ છીએઃ ટીમમાં પંત અને શીખર ખૂબ જ મસ્‍તીખોર

રાજકોટઃ ‘અકિલા' ના મહેમાન બનેલા ચેતેશ્વર પૂજારાએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્‍યું હતું કે હાલ દુનિયાની અનેક ટીમો ટેસ્‍ટ, વન-ડે અને ટી-૨૦ ફોર્મેટમાં અલગ- અલગ કેપ્‍ટન રાખતા હોય છે. ભવિષ્‍યમાં આપણે પણ ત્રણેય ફોર્મેટમાં અલગ- અલગ કેપ્‍ટનની નિમણુંકની વિચારણા થઈ શકે.

ટેસ્‍ટમાં જુદા તો વન-ડે અને ટી-૨૦ ફોર્મેટમાં એક કેપ્‍ટન બનાવવામાં પણ આવે ભવિષ્‍યમાં આ વિચારણા થઈ શકે છે તેમ જણાવેલ.

ચેતેશ્વર કહે છે કે અમે મેચ અગાઉ રણનીતિ બનાવીએ છીએ. દરેક મેચ અગાઉ  સ્‍ટ્રેટર્જી બનતી હોય છે. વિરોધ ટીમના ખેલાડીઓની બેટીંગ, બોલીંગમાં શું નબળાઈ છે તે જાણી લઈએ છીએ.

ટીમમાં સૌથી મસ્‍તીખોર ખેલાડી કોણ છે અને સૌથી ગંભીર ખેલાડી કોણ છે આ પ્રશ્નના જવાબમાં ચેતેશ્વરે જણાવેલ કે રીષભ પંત અને શીખર ધવન જે હાલ બન્‍ને ટીમમાં નથી. આ બન્‍ને ખેલાડીઓ ખૂબ મસ્‍તીખોર છે. ધવન મેચ પહેલા જોકસ કરતો હોય છે તો પંચ મીમીક્રી કરતો હોય છે. જયારે મોહમ્‍મદ શમી બહુ મસ્‍તી કરતો નથી તે ઓછું બોલે છે.

(4:04 pm IST)