Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

ગુરૂકુળ દ્વારા ૨૦૦ બેડનું કોરોના કેર સેન્ટર

રાજકોટ શહેર જિલ્લાના હળવા લક્ષણોવાળા દર્દીઓ માટે આર્શીવાદ રૂપ વ્યવસ્થા : રહેવા, જમવાનું, તબીબી સેવા નિઃશુલ્ક : હોસ્પિટલોમાં દાખલ દર્દીઓના સગાઓ માટે પણ ભોજન પ્રબંધ

રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે ગઇકાલથી સંતોની હાજરીમાં દીપપ્રાગટ્ય કરી વિનામુલ્યે કોવિડ કેર અને આઇસોલેશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ,તા.૨૦ : પ્રતિષ્ઠિત સેવાભાી સંસ્થા શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ રાજકોટ દ્વારા ૨૦૦ બેડની ક્ષમતાવાળા કોવિડ કેર અને આઇસોલેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. અહીં રાજકોટ શહેર કે઼ આસપાસ ગ્રામ્ય વિસ્તારના કોઇપણ કોવિડ દર્દીઓને નિઃશુલ્ક રહેવા, જમવા, ઉકાળો, નાસ લેવા મશીન, ગરમ પાણી અને સવાર સાંજ ડોકટરની વીઝીટ આપવામાં આવશે. હાલમાં ૨૦૦ બેડના સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. ૬૦૦ સુધી વધારવાની આયોજકો દ્વારા તૈયારી છે. આ ઉપરાંત દર્દીના સાથે  સેવામાં રહેલ વ્યકિતઓ માટે નિઃશુલ્ક સેવાનો પ્રારંભ આજથી થયો છે.

શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલના હરિપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતુ કે હાલમાં રાજકોટ શહેર જે રીતે કોવિડના ભરડામાં આવ્યું છે, ત્યારે શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ રાજકોટ દ્વારા તાત્કાલીક અસરથી ૨૦૦ બેડનું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સેન્ટર એવા લોકોને મદદરૂપ થશે, જેને કોરોનાના હળવા લક્ષણ છે. જેમને આઇસોલેટ કે કોરન્ટાઇન થવા ઘરમાં સુવિધાઓ ન હોય, અહિં તમામ સુવિધાઓ નિઃશુલ્ક છે.

રજીસ્ટ્રેશન કરાવવા કે માહિતી માટે ફોનનં. ૭૦૪૮૪૮૦૦૦૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. તેવી રીતે રાજકોટની સિવિલ હોસ્પિટલ કે અન્ય હોસ્પિટલમાં એડમીટ હોય તેવા દર્દીઓના સગાઓ માટે દરરોજ ૫૦૦ વ્યકિતઓ માટે નિઃશુલ્ક ભોજન પ્રસાદ પણ સંસ્થા દ્વારા આપવામાં આવશે સમય બપોરે ૧૨:૩૦ થી ૧:૩૦ અને સાંજે ૬:૩૦ થી ૭:૩૦નો રહેશે. આ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલેથી ભોજન પાસ મેળવી અને ઉપરોકત સમયે ઢેબર રોડ સ્થિત સ્વામીનારાયણ ગુરૂકુલ ખાતે આવવાનું રહેશે વધુ માહિતી માટે મોબાઇલ નંબર ૯૭૭૩૧ ૦૧૨૭૧ ઉપર સંપર્ક કરી શકાશે.

સમગ્ર વ્યવસ્થાના સફળ આયોજન માટે શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલના સંતો, કર્મચારીઓ અને સ્વયંસેવકોની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

(3:12 pm IST)