Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

વાહ, જુની દરજી બજાર વેપારી મંડળે પણ સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય જાહેર કર્યો

તા. ૩૦ સુધી દરરોજ બપોરે ૩ વાગ્યા બાદ બજાર બંધ રહેશે : કોરોનાની ચેઇન તોડવા પ્રયાસ

રાજકોટ તા. ૨૦ : કોરોના સંક્રમણ વધતા જીવનું જોખમ વધ્યુ છે. ત્યારે સંક્રમણની ચેઇન તોડવાના હેતુથી રાજકોટમાં એક પછી એક વેપારી સંગઠનો સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરવા લાગ્યા છે.

મવડી પ્લોટ વેપારી એસો. પછી જયુબેલી અને ધર્મેન્દ્રરોડ શાકમાર્કેટ, બાદમાં ગાંધીગ્રામ એસ.કે. ચોક વેપારી મંડળે સ્વેચ્છીક ધંધા રોજગાર બંધનો નિર્ણય જાહેર કર્યો હતો.

ત્યારે હવે જુની દરજી બજાર વેપારી મંડળે પણ મહામારી કંટ્રોલ થાય તેવા હેતુથી તા. ૨૦ એપ્રિલથી તા. ૩૦ એપ્રિલ સુધી દરરોજ બપોરે ૩ વાગ્યા બાદ બજાર બંધ રાખવા સ્વૈચ્છિક નિર્ણય લોકહિતમાં લીધેલ હોવાનું જુની દરજી બજાર વેપારી મંડળના મુસ્તાકભાઇ (મો.૯૨૨૭૧ ૪૫૮૫૨) ની યાદીમાં જણાવાયુ છે. જુની દરજી બજારમાં આવતા ઇલેકટ્રીક, કટલેરી, રમકડાની દુકાનો સંપૂર્ણ બંધ પાળશે. વેપારીઓ આ રીતે બંધ પાળશે અને લોકો બીનજરૂરી બહાર નિકળવાનું બંધ કરશે તો કોરોનાને જરૂર મહાત કરી શકાશે.

(3:13 pm IST)