Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

મેલી મુરાદઃ કોરોના કાળમાં કમાઇ લેવાના કાવત્રા સાથે પાંચ શખ્‍સોએ ગેસના બાટલાની ચોરી કરી'તી

થોરાળા પોલીસે ભેદ ઉકેલી સુત્રધાર રાહીલ, મોહસીન ઉર્ફ મચ્‍છો, રઝામુરાદ, જમાલ અને મનિષને દબોચ્‍યાઃ જ્‍યાં ચોરી કરી ત્‍યાં જમાલ અગાઉ કામ કરી ચુક્‍યો હોઇ બાટલામાં નાઇટ્રોજન હોવાનું જાણતો જ હતોઃ ચારમાંથી એક ભરેલો હોઇ તેમાંથી નાઇટ્રોજન ગેસ ખાલી કરી નાંખ્‍યોઃ શાપરથી ઓક્‍સિજન ભરાવવાનો હતો

રાજકોટ તા. ૨૦: નવા થોરાળામાં આવેલા બાલકૃષ્‍ણ ઇન્‍ડસ્‍ટ્રીઝ નામના કારખાનામાંથી પરમ દિવસે રાતે કારખાનાના ડેલાના તાળા તોડી નાઇટ્રોજન ગેસના ચાર બાટલા ચોરી જવામાં આવ્‍યા હતાં. જેમાંએક બાટલામાં નાઇટ્રોજન ગેસ હતો અને બીજા ત્રણ ખાલી હતાં. બનાવને પગલે પોલીસે લોકોને ચેતવ્‍યા હતાં. ઓક્‍સિજન સમજીને નાઇટ્રોજન ગેસ હાલમાં કોઇ કોરોના દર્દીને આપી દેવામાં આવે તો જોખમ ઉભુ થાય તેમ હતું. દરમિયાન થોરાળા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે અને બાતમીદારોને કામે લગાડી આ ગુનાનો ભેદ ઉકેલી નાંખી પાંચ શખ્‍સોને સકંજામાં લીધા છે. તે સાથે ચોંકાવનારી વિગતો ખુલી છે. કાકા બિમાર હોઇ તેના માટે ઓક્‍સિજનની જરૂર હોવાથી ચોરી કર્યાનું રટણ પ્રારંભે સુત્રધારે કર્યુ હતું. પણ પોલીસની વિશીષ્‍ટ ઢબની પુછતાછમાં સામે આવ્‍યું હતું કે કોરોના કાળમાં કમાઇ લેવાના ઇરાદા સાથે કાવત્રુ ઘડી આ બાટલા ચોરવામાં આવ્‍યા હતાં. એકમાં નાઇટ્રોજન ગેસ હતો તે ખાલી કરી નાંખ્‍યો હતો. ચારેય બાટલામાં ઓક્‍સિજન ભરાવીને વેંચી નાંખી રોકડી કરી લેવાનો પ્‍લાન ઘડાયો હતો.

થોરાળા પોલીસે ગઇકાલે ઘટના જાહેર થતાં જ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. ઘટના સ્‍થળે સીસીટીવી કેમેરા ચેક કરતાં તાળા તોડી બાટલાઓની ચોરી કરી જવામાં આવ્‍યાનું સ્‍પષ્‍ટ થઇ ગયું હતું. વિશેષ તપાસ થતાં અને બાતમીદારો મારફત માહિતી મેળવવામાં આવતાં આ ચોરીમાં સુત્રધાર તરીકે રાહિલ નામનો શખ્‍સ સામે આવ્‍યો હતો. તેને સકંજામાં લઇ લીધા બાદ ચોરીમાં સામેલ બીજા ચાર શખ્‍સો મોહસીન ઉર્ફ મચ્‍છો, રઝામુરાદ, જમાલ અને મનિષના નામો સામે આવતાં આ ચારેયને પણ સકંજામાં લઇ લેવાયા હતા. ડેરી વિસ્‍તારમાં રહેતાં આ પાંચેય મિત્રો છે અને નશાના બંધાણી છે.

હાલમાં કોરોનાની વિકટ પરિસ્‍થિતિમાં ઓક્‍સિજન ગેસની વધુમાં વધુ જરૂર પડતી હોઇ અને લોકોને ઓક્‍સિજન મળી રહ્યો ન હોઇ આ મજબૂરીનો લાભ ઉઠાવી ઓક્‍સિજન મોંઘા ભાવે વેંચી રોકડી કરવાનો પ્‍લાન રાહિલે ઘડયો હતો. ગેસના ખાલી બાટલા ચોરવા ક્‍યાંથી? તે નક્કી કરવા બધા ભેગા થયા બાદ જમાલે પોતે અગાઉ બાલકૃષ્‍ણમાં કામ કરી ચુક્‍યો હોઇ ત્‍યાં અલગ અલગ ગેસના નાના મોટા ખાલી-ભરેલા બાટલાઓનો જથ્‍થો પડયો રહેતો હોવાની વાત કરતાં બધા નક્કી કર્યા બાદ પ્‍લાન મુજબ એક શખ્‍સની કાર લઇને બાલકૃષ્‍ણ કારખાને પહોંચી ગયા હતાં.

ત્‍યાં તાળા તોડી અંદર જઇ ચાર બાટલા ઉઠાવી લીધા હતાં. જમાલને કયા બાટલામાં કયો ગેસ હોઇ તેની પુરી જાણકારી હતી. ચાર બાટલા ચોર્યા તે પૈકી એકમાં નાઇટ્રોજન ગેસ હોઇ આ ગેસને હવામાં વહાવી દીધો હતો. ચાર ખાલી બાટલા લઇ શાપર જઇ તેમાં ઓક્‍સિજન ભરાવીને બાદમાં જરૂરિયાતમંદો પાસેથી મોટી રકમ પડાવી આ બાટલા વેંચી દેવાના હતાં. પરંતુ તેની આ મેલી મુરાદ બર આવે એ પહેલા પોલીસ તેના સુધી આવી ગઇ હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડે આ બનાવમાં ત્‍વરીત ભેદ ઉકેલવા સુચના આપી હોઇ પીઆઇ બી. એમ. કાતરીયા, પીએસઆઇ જી. એસ. ગઢવી,  આનંદભાઇ પરમાર તથા ડી. સ્‍ટાફની ટીમે આ ભેદ ઉકેલ્‍યો છે.

(3:54 pm IST)