Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

મ.ન.પા.ના કર્મચારીઓને 'કોરોના'ની તાત્કાલીક સારવાર માટે વ્યવસ્થા જરૂરીઃ કર્મચારી પરિષદ

અધિકારીઓ પોઝીટીવ દર્દીઓની સેવા કરતા હોઇ સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં તાકિદે સારવાર મળે તેવી વ્યવસ્થા કરવા મ્યુ.કમિશનરને રજુઆતઃ હડતાલની ચિમકી

રાજકોટ તા. ર૦ : શહેરમાં કોરોના સંક્રમિતોને હોમ આઇસોલેશન, કવોરન્ટાઇન, ટેસ્ટીંગ સહીતની કામગીરી મ.ન.પા.ના કર્મચારી-અધિકારીઓ જીવના જોખમે બજાવી રહ્યા છે. ત્યારે ચાલુ ફરજે સંક્રમિત થનાર કર્મચારી-અધિકારીને કોરોનાથી સારવાર તાકીદે મળે તેવી વ્યવસ્થા કરવા રાજકોટ મહાપાલિકા કર્મચારી પરિષદે માંગ ઉઠાવી આ અંગે મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલને રજુઆત કરી છે.

આ રજુઆતમાં જણાવાયુ છેકે હાલની વૈશ્વિક મહામારી કોરોનાથી શહેરીજનોની સુખાકારી માટે આપ સાહેબશ્રીના માર્ગદર્શન મુજબ રાજકોટ મહાનગરપાલીકાના તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રી પોતાની ફરજ નિષ્ઠા પુર્વક બજાવી રહ્યા છે. આવા કપરા સંજોગો દરમ્યાન શહેરીજનોની સુખાકારી માટે પોતાના પરિવારજનોની પણ ચિંતા છોડી પ્રથમ હરોળમાં કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રી/પરિવારજનો જયારે કોરોના સંક્રમિત થાય છે. ત્યારે એની ચિંતા કોણ કરશે ? હાલમાંજ કમિશ્નર વિભાગના અધિકારી ત્વરીત સારવારથી વંચીત રહેતા એક કર્મનિષ્ઠ કર્મચારી ગુમાવેલ છે. આથી સત્તવરે રાજકોટ મહાનગર પાલિકામાં ફરજ બજાવતા કોઇપણ અધિકારીશ્રી/કર્મચારીશ્રીને કોરોનાને કારણે ક્રિટીકલ પરિસ્થિતિ ઉપસ્થિત થાય ત્યારે શહેરની સીવીલ હોસ્પિટલ સહિત તમામ મુખ્ય હોસ્પીટલમાં દાખલ કરી સારવારની વ્યવસ્થા કરી છે. જે બાબતે આર.એમ.સી.ની આરોગ્ય શાખાના જવાબદાર અધિકારીશ્રીને સંકલનની જવાબદારી સોંપી જરૂરી પરિપત્ર સત્વરે તમામ કર્મચારીશ્રી સુધી પહોંચતો કરવામાંઆવે.

ઉપરોકત બાબતે સત્વરે ગંભીરતાથી લઇ યોગ્ય નિર્ણય કરવામાં આવે અને જો કોઇ અધિકારીશ્રી/કર્મચારીશ્રી/પરિવારજનો કોરોના સંક્રમણમાં યોગ્ય સારવારના અભાવથી મૃત્યુ ન થાય તેવી વ્યવસ્થા કરાય તે જરૂરી છે. જો  એમાં દુર્લક્ષ સેવવામાં આવશે તો કર્મચારીના તમામ યુનિયન આ અંગે ગાંધી ચિંધ્યા માર્ગે તબકકા વાર લડત આપે. તેવી ચિમકી રજુઆતના અંતે ઉચ્ચારી છે.

(4:15 pm IST)