Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

સિવીલમાં કોરોનાના ગંભીર પ્રકારના ૨૫૦ દર્દીઓ છે યુનિ.ના કન્વેશન સેન્ટરમાં સાંજ સુધીમાં ૫૦ બેડ શરૂ થશે

રાજકોટમાં અન્ય જીલ્લાના દર્દીઓ વધ્યા છેઃ હવે આખો પરિવાર ઝપટે ચડે તે ચિંતાજનક : રૂરલ વિસ્તારમાં કેસો વધ્યા છેઃ કલેકટર-કોર્પોરેશન તંત્ર દરરોજ ૧૫૦ બેડ વધારે છે

રાજકોટ, તા. ૨૦ :. રાજકોટ જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને એક ખાનગી ટીવી ચેનલને જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર યુનિ. ખાતે આજ સાંજ સુધીમાં ૫૦ બેડની સુવિધા શરૂ થઈ જશે. જેમા રેમડેસિવીર ઈન્જેકશન, ઓકિસજન, વેન્ટીલેટરની સુવિધા રહેશે.

તેમણે જણાવેલ કે, કલેકટર તંત્ર અને કોર્પોરેશનનું તંત્ર દરરોજ સંયુકતપણે ૧૫૦ બેડ દરરોજ વધારી રહ્યુ છે. સામે ૪ થી ૫ દિવસમાં ડીસ્ચાર્જની સંખ્યા પણ વધી છે. સિવીલ હોસ્પીટલ ખાતે આવી રહેલ દર્દીઓ અને સગા માટે પાણી-ઓકિસજનની વ્યવસ્થા કરાઈ છે. સિવીલમાં ઓર્થોપેડીક-ગાયનેક વિભાગ બંધ કરી દેવાયા છે. માત્ર કોવિડ દર્દી વિભાગ ચાલુ રખાયા છે. હાલ સિવીલમાં કોવીડના ગંભીર પ્રકારના ૨૫૦ દર્દીઓ સારવાર હેઠળ છે.

રાજકોટમાં અન્ય જીલ્લામાંથી દર્દીઓનો ફલો વધ્યો છે. રૂરલ વિસ્તારમાં કેસો વધ્યા છે. જસદણ-ગોંડલ સહિતના ક્ષેત્રોમા ૬૦૦થી વધુ બેડો શરૂ કરાયા છે, એન્ટીજન કીટો વધુ મળે તે માટે કહેવાયુ છે, ૮ દિ'માં જે કેસો વધ્યા છે તેમા હવે આખાને આખા પરિવારો ઝપટે ચડી રહ્યા હોય તેવુ સામે આવ્યુ છે. આ ચિંતાની બાબત છે અને આથી આ લોકોનું પણ ટેસ્ટીંગ વધારાશે.

(4:21 pm IST)