Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

ખોડુ મુંધવાએ ર૦ ટકા પઠાણી વ્‍યાજ વસુલવા પુર્વ પાર્ટનર શ્‍યામ રાજાણી ઉપર ચલાવ્‍યો ધાક-ધમકીનો દોર

નફા નુકશાનીમાં ૪૦ ટકા પાર્ટનર બની ભાગીદારીવાળી હોટલમાં ગોરખધંધા કરતા : કુવાડવા રોડ ઉપરની ધ ગ્રેટ ભગવતી હોટલમાં તોડફોડ કરી શ્‍યામના વૃધ્‍ધ પિતાને હોટેલને તાળા મારવા મજબુર કરી દીધાઃ ૯ દિ'થી બીકના માર્યા હોટલ બંધઃ પોલીસ ફરીયાદ સાંભળતી નથી

રાજકોટ, તા., ૨૦: કુવાડવા રોડ ઉપર  ધ ગ્રેટ ભગવતી નામની હોટલ ધરાવતા શ્‍યામ હેમંતભાઇ રાજાણીએ આર્યનગરમાં રહેતા તેના પુર્વ પાર્ટનર ભરવાડ ખોડાભાઇ સામંતભાઇ મુંધવા સામે ર૦ ટકા જેવું તોતીંગ પઠાણી વ્‍યાજ ઉઘરાવવા ધાક-ધમકીનો દોર ચલાવ્‍યાની અને રોજી-રોટી પોષતા હોટલના ધંધાને ૯ દિવસથી બંધ કરાવી દીધાની અરજી પોલીસમાં આપી છે. જો કે, આજ સુધી પોલીસે કોઇ પગલા લીધા નથી !

શ્‍યામ રાજાણીએ જણાવ્‍યું છે કે આર્યનગરમાં પડોશમાં રહેતા ખોડુ મુંધવા સાથે આંખ ઓળખાણ હતી. ૨૦૧૪માં કુવાડવા રોડ પર રિલાયન્‍સ પેટ્રોલ પંપ સામે મારા કબ્‍જા ભોગવટાવાળી રેસ્‍ટોરન્‍ટ કમ હોટલમાં રીનોવેશન અને બાંધકામ કરતો હતો ત્‍યારે ખોડા મુંધવાએ અમારે ત્‍યાં આવી મને વર્કીગ પાર્ટનર રાખો તો મારા છોકરા પરણાવવામાં વાંધો ન આવે અને ઇજ્જતવાળો સ્‍થિર ધંધો કરી શકું. આ સમયે અમે તેના કારનામાઓ વિષે જાણતા ન હતા. શબ્‍દોની માયાઝાળ રચી ૧પ લાખ સુધીનું રોકાણ કરવાની તૈયારી બતાવી હતી. જેતે રિનોવેશનનો ખર્ચ ૧૪-૧પ લાખનો થયો હતો. ખર્ચવાળી રકમ સામે માત્ર નફા-નુકશાનીમાં ખોડા મુંધવાને ૪૦ ટકા ભાગીદારી આપી હોટલ ચાલુ કરવામાં આવી હતી.

રેસ્‍ટોરન્‍ટ તથા હોટલ ચાલુ કર્યા બાદ સારો એવો પ્રતિસાદ મળી રહયો હતો. મારા પિતા હોટલ સંભાળતા હતા. ખોડુ મુંધવા અને તેનો પુત્ર ડેઇલી ધંધા પર આવતા હતા. તેને દારૂ પીવાની ટેવ હોય હોટલમાં ભેગા મળી દારૂ પીવાની શરૂ કરતા અમે તેનો વિરોધ દર્શાવ્‍યો હતો. આમ થવાથી મારા પિતા ઉપર તેણે ખાર રાખી તેઓ હોટલે ન જોઇએ તેમને રાખવા હોય તો મારો હિસાબ કરી આપ તેવું ધમકીભર્યા સ્‍વરમાં જણાવ્‍યું હતું. ત્‍યાર બાદ અમે ધંધામાં ધમાલ ન ઇચ્‍છતા હોય હોટલ શરૂ કર્યાના ૬ મહિનામાં જ આવકની રકમ ૬ લાખમાંથી ૪૦ ટકા અને ખર્ચા બાદ કરવાના બદલે પુરેપુરી રકમ દાદાગીરીથી લઇ ધંધો છુટો કર્યો હતો. પાછળથી રોકાણ થયેલી રોકાણ ઉપર માસીક ર૦ ટકા વ્‍યાજે રપ ટકા પેનલ્‍ટી લગાવી કટકે-કટકે અમારી પાસેથી વસુલ્‍યા બાદ હિસાબ પુરો થવા છતા ગેરકાયદે ૪પ લાખ રૂપીયા પડાવવા અમને ધમકી આપે છે. ૯ દિવસ પહેલા હોટલ ઉપર ધસી જઇ મારા પિતાને ધમકી આપી બળજબરીથી હોટલને તાળા મરાવી દીધા છે. અમારી રોજી-રોટી પોષતો ધંધો બંધ કરાવી દીધો છે. આ તમામના સીસીટીવી ફુટેજ સાથે પોલીસમાં ફરીયાદ કરવા છતા પોલીસ તેનો પક્ષ લઇ અમને પૈસા ચુકવી દેવાનું કહે છે. ખરેખર ફરીયાદીને મદદ કરી આરોપી સામે પગલા લેવાને બદલે આરોપી સાથે મળીને માથાભારે ખોડુ મુંધવા સામે પોલીસ કોઇ પગલા લેતી નથી. અનેક ફરીયાદો આપી છે. હવે પોલીસ કમિશ્નર અંગત રસ લઇ આ મામલે અમને ન્‍યાય અપાવે તેવી અપેક્ષા છે

(1:29 pm IST)