Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

કીટીપરામાં ગાયકવાડીના દૂધના ધંધાર્થી આસીફની હત્‍યાઃ પિત્રાઇ જાકીરના ઝઘડામાં વચ્‍ચે પડતાં વિક્કીએ પતાવી દીધો

રાજકોટમાં વહેલી સવારે લોથ ઢળીઃ એક તરફ નવલખી માતાજીનો માંડવો ચાલુ હતો, બીજી તરફ હત્‍યાની ઘટનાથી નાસભાગઃ પ્ર.નગર પોલીસ, એસઓજીની ટીમોની આરોપી દેવીપૂજક શખ્‍સને ઝડપી લેવા દોડધામઃ યુવાન દિકરાની હત્‍યાથી જૂણેજા પરિવારમાં માતમ : સવારે દૂધ ઢોર દોહવા નીકળેલો જાકીર મંદિર સામે દૂકાન ધરાવતાં મિત્ર સુનિલ સાથે ચા પીવા ઉભો ત્‍યારે વિક્કી દેવીપૂજકે જાકીરના એક્‍ટીવામાં ધૂંબા મારતાં તેને ના પાડતાં ગાળો દીધીઃ જાકીરે પિત્રાઇ આસીફને ફોન કરી બોલાવતાં તેની સાથે પણ ગાળાગાળી કરી છાતીમાં છરી ભોંકી દીધીઃ એક જ ઘા જીવલેણ નીવડયો

નહિ જેવી વાતે લોથ ઢળીઃ શહેરના કિટીપરામાં વહેલી પરોઢે ગાયકવાડીના દૂધના ધંધાર્થી આસીફ જૂણેજાની હત્‍યા થઇ હતી. ઘટના સ્‍થળે મૃતકના ભાઇ જાકીર ઉર્ફ ટપૂડાનું એક્‍સેસ તથા અન્‍ય તસ્‍વીરમાં આસીફનો નિષ્‍પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો, જેની નજર સામે હત્‍યા થઇ તે પિત્રાઇ ભાઇ જાકીર, તેનો મિત્ર સુનિલ, સોૈથી છેલ્લે આરોપી વિક્કી પરમાર (દેવીપૂજક), નીચેની તસ્‍વીરમાં જ્‍યાં નવલખી માતાજીનો માંડવો હતો તે કિટીપરાનું મંદિર, તેના ગેઇટ બહાર ઘટના સ્‍થળે કાર્યવાહી કરી રહેલા પીઆઇ એમ. એ. ઝણકાટ, પીએસઆઇ એસ.આર. જોગરાણા, આનંદભાઇ સહિતનો સ્‍ટાફ જોઇ શકાય છે. જાકીરે પાર્ક કરેલા એક્‍સેસ ટુવ્‍હીલરમાં વિક્કી કારણ વગર ધૂંબા મારતો હોઇ જાકીરે તેને અટકાવતાં શરૂ થયેલી ગાળાગાળીમાં જાકીરનો ભાઇ આસીફ વિક્કીને સમજાવવા આવતાં તેની હત્‍યા થઇ હતી. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૦: શહેરમાં વધુ એક લોથ ઢળી છે. જંકશન પ્‍લોટના કિટીપરામાં આવાસ યોજના ક્‍વાર્ટરમાં આવેલા મંદિર ખાતે એક તરફ નવલખી માતાજીનો માંડવો ચાલી રહ્યો હતો ત્‍યારે બીજી તરફ મંદિરના ગેઇટ પાસે જ ગાયકવાડીના દૂધના ધંધાર્થી પશુપાલક આસીફ ઇકબાલભાઇ જૂણેજા (ઉ.વ.૪૦)ની હત્‍યા થઇ ગઇ હતી. આસીફના પિત્રાઇ ભાઇ જાકીર ઉર્ફ ટપૂડો જાહિદભાઇ જૂણેજાના ટુવ્‍હીલર પર કિટીપરાનો નામીચો દેવીપૂજક શખ્‍સ વિક્કી અશોકભાઇ ઉર્ફ બજરીયો પરમાર ઢીકા મારતો હોઇ જાકીરે તેને એવું કરવાની ના પાડતાં તેણે ગાળાગાળી કરી હતી. જાકીરે પોતાના ભાઇ આસીફને ફોન કરી બોલાવતાં આસીફ વિક્કીને ઓળખતો હોઇ તેને ઝઘડો નહિ કરવા સમજાવતાં વિક્કીએ તેને પણ ગાળો ભાંડી હતી અને છરી કાઢી છાતીમાં ઘા ઝીંકી દીધો હતો. આ એક જ ઘા જીવલેણ નીવડયો હતો. સવારે પોણા ચારેક વાગ્‍યે આ ઘટના બની હતી.

પ્રાપ્‍ત માહિતી મુજબ ગાયકવાડી-૩માં રહેતાં આસીફ ઇકબાલભાઇ જૂણેજાને વહેલી સવારે તેના કાકાના દિકરા જાકીર ઉર્ફ ટપુડો, મિત્ર સુનિલ હેમુભાઇ વાસનુકીયા (દેવીપૂજક) અને સુનિલનો ભાઇ મયુર છાતીમાં ઇજા થયેલી હાલતમાં સિવિલ હોસ્‍પિટલે લાવ્‍યા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્‍યાનું તબિબે જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં પ્ર.નગરના ઇન્‍ચાર્જ પીઆઇ એમ. એ. ઝણકાટ, પીએસઆઇ એસ.આર. જોગરાણા, એએસઆઇ સંજયભાઇ દવે, કનુભાઇ માલવીયા, રામજીભાઇ પટેલ, આનંદભાઇ સહિતનો કાફલો હોસ્‍પિટલે અને ઘટના સ્‍થળે પહોંચ્‍યો હતો.

બનાવની જાણ થતાં એસઓજીના એએસઆઇ વિરમભાઇ ધગલ, ફિરોઝભાઇ શેખ, ઘનશ્‍યામસિંહ ઝાલા સહિતની ટીમ પણ પહોંચી હતી અને આરોપી વિક્કી પરમારના સગડ મેળવવા દોડધામ શરૂ કરી હતી. પોલીસે હત્‍યાનો ભોગ બનેલા આસીફના પિત્રાઇ ભાઇ જાકીર ઉર્ફ ટપુડો જાહિદભાઇ જૂણેજા (રહે. પરસાણાનગર)ની ફરિયાદ પરથી કિટીપરા સામે રહેતાં વિક્કી અશોકભાઇ ઉર્ફ બજરીયો પરમાર (દેવીપૂજક) વિરૂધ્‍ધ હત્‍યાનો ગુનો નોંધ્‍યો છે.

જાકીર ઉર્ફ ટપુડાએ જણાવ્‍યું હતું કે અમારે દૂધનો ધંધો હોઇ રોજ સવારે વહેલા ચાર વાગ્‍યે ઢોર દોહવા જવાનું હોઇ હું સવારે પોણા ચારે કિટીપરામાંથી મારું એક્‍સેસ નં. જીજે૦૩એમએ-૪૫૬૭ લઇને નીકળ્‍યો હતો. આ વખતે કિટીપરા આવાસ ક્‍વાર્ટરમાં આવેલા મંદિર ખાતે માતાજીનો માંડવો ચાલુ હોઇ મંદિરના ગેઇટ પાસે મારું એક્‍સેસ પાર્ક કરી હું સામે જ મિત્ર સુનિલ હેમુભાઇ દેવીપૂજકની દૂકાને ઉભો હતો અને હું ચા લાવ્‍યો હોઇ સુનિલ સાથે ચા પી રહ્યો હતો. રોજબરોજ અમે સુનિલની દૂકાને ચા પીવા ભેગા થતાં હોઇએ છીએ. અહિ વિક્કી પરમાર પણ ઘણીવાર ઉભો હોઇ હું તેને ઓળખતો હતો. તેણે મારા એક્‍સેસ પર ધૂંબા મારવાનું ચાલુ કરતાં નવેનવું વાહન હોઇ તેને આવું કરવાની ના પાડતાં મને ગાળો દીધી હતી અને ‘તું અહિ શું બેઠો છો?' કહેતાં મેં તેને દૂધ દોહવા જવું છે એટલે નીકળ્‍યો છું તેમ કહેતાં વધુ ગાળો ભાંડી હતી અને જેને બોલાવવા હોય એને બોલાવી લે તેમ કહેતાં મેં મારા મોટા બાપુના દિકરા આસીફ ઇકબાલભાઇ જૂણેજાને ફોન કર્યો હતો.

મારા ભાઇ આસીફ પણ વિક્કીને ઓળખતાં હોઇ તેણે પોતે આવે છે અને તેને સમજાવે છે તેમ કહ્યું હતું અને થોડી જ મિનીટમાં આસિફભાઇ આવી ગયા હતાં. તેણે વિક્કીને આપણે બધા એક બીજાને ઓળખીએ છીએ, આ મારો ભાઇ છે તું માથાકુટ શું કામ કરે છે? તેમ કહેતાં વિક્કીએ તેને પણ મા બહેન સમી ગાળો દેતાં મારા ભાઇ આસીફે તેને ગાળો નહિ બોલવા કહી કાંઠલો પકડતાં જ વિક્કીએ છરી કાઢી આસીફને છાતીમાં એક ઘા ઝીંકી દીધો હતો.

બીજો ઘા મારવા જતાં મેં તેનો હાથ પકડી લેતાં છરી પડી ગઇ હતી અને ધક્કો દેતાં વિક્કી પણ પડી ગયો હતો. મિત્ર સુનિલ વચ્‍ચે પડતાં વિક્કી ઉભો થઇ ભાગી ગયો હતો. મારા ભાઇ આસીફને છાતીમાંથી લોહી નીકળતાં હોઇ હું, સુનિલ અને સુનિલનો ભાઇ મયુર તેને સિવિલ હોસ્‍પિટલે લાવ્‍યા હતાં. પરંતુ ડોક્‍ટરે આસીફને મૃત જાહેર કર્યો હતો.

સુનિલ દેવીપૂજકે પણ ઉપરોક્‍ત વિગતોને સમર્થન આપ્‍યું હતું. પોલીસે આરોપી વિક્કીને શોધી કાઢવા દોડધામ શરૂ કરી છે. હત્‍યાના બનાવને પગલે હોસ્‍પિટલ ખાતે જૂણેજા પરિવારના સભ્‍યો, સગા સંબંધીઓ, મૃતકના મિત્રો મોટી સંખ્‍યામાં પહોંચ્‍યા હતાં. પોલીસે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ કરાવવા તજવીજ કરી હતી.

ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એમ. એ. ઝણકાટ અને ટીમે વધુ તપાસ હાથ ધરી છે. એસઓજીની ટીમ પણ આરોપીને શોધી કાઢવા કામે લાગી છે.

 

મૃતકના મામા દિલાવરભાઇએ કહ્યું-રાતે સાડા બારેક વાગ્‍યે વિક્કી આસીફના ઘર સામે ઉભો'તો

હત્‍યાનો ભોગ બનેલા આસીફના મામા દિલાવરભાઇ યુસુફભાઇ ફુલાણીએ જણાવ્‍યું હતું કે રાતે સાડા બારેક વાગ્‍યે હું ભાણેજ આસીફના ઘર પાસેથી નીકળ્‍યો ત્‍યારે વિક્કી દેવીપૂજક અને બીજા બે ત્રણ શખ્‍સો આસીફના ઘર પાસે ઉભા હતાં. એ પછી વહેલી સવારે તેણે આસીફની હત્‍યા કરી નાંખી હતી. વિક્કી વિસ્‍તારમાં માથાભારેની છાપ ધરાવે છે અને અગાઉ પણ કદાચ પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે.

 

હત્‍યાનો ભોગ બનનાર આસીફ ત્રણ બહેનનો એકનો એક ભાઇ અને માતા-પિતાનો આધારસ્‍તંભ હતો

૭ વર્ષની પુત્રી અને ૧૦ વર્ષના પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવી

હત્‍યાનો ભોગ બનનાર આસીફ જૂણેજા ત્રણ બહેનનો એકનો એક મોટો ભાઇ હતો. તેના બહેનોના નામ સોનીયાબેન, આશીયાનાબેન અને નગ્‍માબેન છે. તેના પિતાનું નામ ઇકબાલભાઇ નુરમહમદભાઇ જુણેજા છે અને માતાનું નામ સાયરાબેન છે. આસીફના પત્‍નિનું નામ અનીશાબેન છે. આસીફની હત્‍યાથી ૭ વર્ષની પુત્રી અલયના અને ૧૦ વર્ષના પુત્ર અલહાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં  માતમ છવાઇ ગયો છે. આસીફ અને તેના કુટુંબીજનો પશુપાલન કરી દૂધનો ધંધો કરે છે. આધારસ્‍તંભ દિકરાની હત્‍યાથી જૂણેજા પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ખાતે મોટી સંખ્‍યામાં સગા સંબંધીઓ, મિત્રો ઉમટી પડયા હતાં.

(11:24 am IST)