Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

રાજકોટ શહેર-જીલ્લામાં કાલે ૮૦૦ સ્થળે યોગની શાનદાર ઉજવણી

શહેરનું મુખ્ય આયોજન રેસકોર્ષ તથા : જીલ્લાનો મેઇન કાર્યક્રમ રાજકુમાર કોલેજમાં યોજાશેઃ તમામ તાલુકા મથકે પણ આયોજન : તંત્ર દ્વારા તડામાર તેયારીઓ : વિશ્વ યોગ દિવસ ૨૦૨૨: માનવતા માટે યોગની થીમ

રાજકોટઃ તા.૨૦ : યોગ ભગાવે રોગ ઉકિત ભારતીય સૈસ્કૃતિમાં અજોડ રૂપે વણાયલી છે.  આદીકાળથી  ઋષિમુનીઓ યોગ દ્વારા પરમ શકિતઓ પ્રાપ્ત કરતા. ભારતીય સંસ્કૃતિ યોગની આસપાસ રહેલી છે  ત્યારે આવતી કાલે તા. ૨૧ જુનના રોજ દુનિયાભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે. આ વખતની થીમ માનવતા માટે યોગ છે.
યુનો દ્વારા વર્ષ ૨૦૧૫ થી યોગ દિવસની વૈશ્વિક ઉજવણી કરવાની શરૂ આત કરવામાં આવી હતી. ત્યારથી સતત ૮ માં વર્ષે વિશ્વ કાલે યોગના પ્રયોગો કરશે. ગુજરાતમાં પણ યોગ દિવસ અંતર્ગત તમામ જીલ્લા મથકો તથા તાલુકા લેવલ ઉપર યોગ કરવામાં આવનાર છે.
રાજય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને અમદાવાદ સાબરમતી રીવર ફન્ટ ખાતે થશે. જેમા ૮ હજાર થી વધુ લોકો જોડાશે. જયારે રાજકોટ શહેરનસ રેસકોર્ષ ખાતે મ્યુ. કમિશ્નર અમિત અરોરા અને મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરાશે. જયારે જિલ્લા કક્ષાની ઉજવણી  રાજકુમાર કોલેજ ખાતે કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને યોજાશે.
રાજકોટ શહેર કક્ષાની યોગની ઉજવણી અંતર્ગત રેસકોર્ષ મેદાનમાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેમાં યોગ સાધકોને સવારે ૬ વાગ્યે ગ્રાઉન્ડ ઉપર આવવા જણાવાયું છે. તેમને સફેદ ડ્રેસ કોડ પણ આપવામાં આવ્યો છે. ઉપરાંત યોગા મેટ,પાણી સહીતની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવનાર છે. પોલીસ હેડ કવાટર ખાતે પણ યોગના પ્રયોગ કરવામા આવશે.
જીલ્લા કક્ષાની યોગ ઉજવણી માટે કલેકટર તંત્રએ રાજકુમાર કોલેજ ખાતે  આયોજન કર્યુ છે. જેમા કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા તમામ તૈયારીઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે. યોગ કરવા આવનાર લોકો માટે બધી વ્યવસ્થાની આજે ચકાસણી કરવામાં આવી હતી.
યોગ દિવસની ઉજવણી ના ભાગરૂપે પોલીસનો બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે. ઉપરાંત ૧૦૮ ની ટીમ સાથે નિષ્ણાંત ડોકટરો પણ યોગ સ્થળે હાજર રહી સેવા આપશે. સાથે શાળા- કોલેજોના વિદ્યાર્થીઓ જોડાશે અને ૧ હજાર જેટલા NCC કેડેટ પણ ભાગ લેનાર છે.
શહેર જીલ્લા ઉપરાંત તમામ તાલુકા મથકે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છેે. જીલ્લામાં દરેક તાલુકા લેવલે મુખ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં વિદ્યાર્થીઓ ,અગ્રણીઓ,મહાનુભાવો, અલગ-અલગ ક્ષેત્રના આગેવાનો સામેલ થશે.
ઉપરાંત શહેર- જીલ્લાના પાંચ ઐતિહાસીક સ્થળો ઓસમ ડુંગર, ઘેલા સોમનાથ, કબા ગાંધીનો ડેલો, મહાત્મા ગાંધી મ્યુઝીયમ અને ખાંભાલીળાની બૌધ્ધ ગુફાઓ ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.
શહેર-જીલ્લાના મુખ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ યોગ સાધકોને લાઇવ સંબોધન કરશે. આ તમામ વ્યવસ્થા માટે ૫૦૦ થી વધુ યોગ ટ્રેનરો  અને ૩ ડઝનથી વધુ કોચને અલગ -અલગ જગ્યાએ જવાબદારી સોંપવામા આવી છે.
કાલે ભારતીય સંસ્કૃતિને સમગ્ર વિશ્વ યોગ કરી વધાવનાર છે ત્યારે કલેકટર અરૂણ મહેશ બાબુ, મ્યુ. કમિશ્નર અમિત  અરોરા, મેયર ડો. પ્રદીપ ડવ, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે રાજકોટ શહેર-જીલ્લા ના પ્રજાજનોને વિશ્વ યોગ દિવસની ઉજવણી માં સામેલ થવા અનુરોધ કર્યો છે.
 

 

(1:06 pm IST)