Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

રાજકોટમાં ૬૪૦ રોકાણકારોના ૧ કરોડ ૯૫ લાખ ચાંઉ

ઘાંચીવાડની અસ્‍મા કાસમાણી અને ભવાનીનગરની દેવી ઉર્ફ હર્ષા ઉર્ફ હકી રાઠોડે મળી ૨૦૧૯માં સ્‍કીમ ચાલુ કરી હતીઃ ગયા વર્ષે દેવીએ આપઘાત કરતાં અસ્‍મા સહિતના વિરૂધ્‍ધ દેવીને મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધાતાં ધરપકડ થઇ હતી: છેતરાયેલા પૈકીના નવયુગપરાના કમલેશ ભટ્ટીની ફરિયાદઃ એકના ડબલ, ભવ્‍ય ઇનામી ડ્રોના નામે નાના-મોટા રોકાણકારોને લલચાવ્‍યાઃ અમુક સમયે ડ્રો યોજી દેખાડો કર્યોઃ લોકડાઉનમાં મોટી રકમની કીટ બનાવી લોકોને સહાય પણ કરીઃ સુત્રધાર અસ્‍માની ભાગીદાર દેવી ઉર્ફ હકીએ આપઘાત કરી લીધા બાદ રોકાણકારોને ‘ઠેંગો' બતાવી દેવાયો : રોકાણકારોના રૂપિયામાંથી કોૈભાંડીઓએ મકાન-મિલ્‍કત-ગાડી ખરીદ કર્યાઃ કોઇએ ફલેટમાં રોકાણ કર્યુઃ સોનુ ખરીદી ફાયનાન્‍સ પેઢીઓમાંથી ગોલ્‍ડ લોન લીધી : છેતરાયેલા ૭૪૦ રોકાણકારો પૈકીના નવયુગપરાના કમલેશભાઇ ભટ્ટીની ફરિયાદ પરથી અસ્‍મા કાસમાણી, તેના પતિ રજાક, ભાઇ શાહિદ, સુત્રધાર અસ્‍માની ભાગીદાર આપઘાત કરનાર દેવીબેન ઉર્ફ હકીબેન રાઠોડની માતા રંજનબેન રાઠોડ, ભાઇ વિક્રમ રાઠોડ, બનેવી ભૂપત વાઢેર, દેવીબેનના મિત્ર કેતન ઉર્ફ ટીનો ભટ્ટી વિરૂધ્‍ધ એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ઠગાઇનો ગુનો દાખલ થતાં તપાસ : અસ્‍માની ભાગીદાર દેવીબેન ઉર્ફ હકીબેને ૧/૬/૨૧ના રોજ આપઘાત કરતાં દેવીબેનની માતા રંજનબેન રાઠોડએ અસ્‍મા, દેવીના મિત્ર સહિત વિરૂધ્‍ધ આપઘાત કરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી હતીઃ હવેની ફરિયાદમાં ખુદ રંજનબેન પણ આરોપીના લિસ્‍ટમાં

 રાજકોટ તા. ૨૦: શહેરના ઘાંચીવાડની મુસ્‍લિમ મહિલા અને રામનાથપરા ભવાનીનગરમાં રહેતી અને ગયા વર્ષે આપઘાત કરી લેનારી રજપૂત મહિલાએ વર્ષ ૨૦૧૯માં સ્‍ટાર ગ્રુપ ઇનામી ધમાકાના નામે સ્‍કીમ ચાલુ કરી એકના ડબલ અને ભવ્‍ય ઇનામી ડ્રોના નામે ૬૪૦થી વધુ નાના મોટા રોકાણકારો પાસેથી અધધધ રૂા. ૧,૯૫,૯૪,૮૦૦ (એક કરોડ પંચાણુ લાખ ચોરાણુ હજાર આઠસો) જેવી રકમ ઉઘરાવી આ રકમમાંથી અંગત ઉપયોગ માટે મિલ્‍કતો તેમજ સોનુ ખરીદી લઇ રોકાણકારોને મુદ્દત વિત્‍યા પછી પણ રકમ ન આપી ઠગાઇ કરતાં એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. અગાઉ બે ભાગીદાર પૈકીની રજપૂત મહિલાએ આપઘાત કરી લીધો હોઇ આ મહિલાના માતાએ મુખ્‍ય સુત્રધાર એવી મુસ્‍લિમ મહિલા સહિતના વિરૂધ્‍ધ જે તે વખતે પોતાની દિકરીને મરવા મજબૂર કર્યાનો ગુનો દાખલ કરાવ્‍યો હતો. હવે તે વખતની ફરિયાદી મહિલા પણ ઠગાઇના ગુનામાં આરોપીના લિસ્‍ટમાં સામેલ થઇ છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે રામનાથપરા પ્રજાપતિ સમાજની વાડી સામે નવયુગપરા-૪માં રહેતાં અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતાં કમલેશભાઇ માધુભાઇ ભટ્ટી (રજપૂત) (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી અસ્‍માબેન કાસમાણી, રંજનબેન માવજીભાઇ રાઠોડ, વિક્રમ રાઠોડ,  ભૂપત રામજીભાઇ વાઢેર, કેતન ઉર્ફ ટીનો પ્રવિણભાઇ ભટ્ટી, રજાક કાસમાણી અને શાહીદ આમદભાઇ વિરૂધ્‍ધ આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૨૦ (બી), ૧૧૪ મુજબ સ્‍ટાર ગ્રુપ ઇનામી ધમાકા સ્‍કીમના નામે  ડ્રોન કાર્ડ છપાવી એકના ડબલની લાલચ આપી ઇનામી ડ્રો યોજી રોકાણકારોને લાલચમાં લઇ એજન્‍ટ નિમી જુદા જુદા રોકાણકારો પાસેથી કુલ રૂા. ૧,૯૫,૯૪,૮૦૦ જેવ રકમ ઉઘરાણી તેમજ અમુક રોકાણકારો પાસેથી સોનાના દાગીના પણ મેળવી લઇ બાદમાં વાયદા મુજબ કોઇને એકના ડબલ ન આપી તેમજ રોકાણકારોની રકમ ઓળવી જઇ છેતરપીંડી કરવાનો ગુનો નોંધ્‍યો છે.
કમલેશભાઇ ભટ્ટીએ  ંફરિયાદમાં જણાવયું છે કે હું મારા પરીવાર સાથે રહુ હું અને મજુરીકામ કરું છુ.  અસ્‍માબેન રાજકભાઈ કાસમાણી તથા દેવીબેન ઉર્ફ હર્ષાબેન માવજીભાઈ રાઠોડ એમ બંનેએ મળી ફક્‍ત મીત્ર મંડળ માટે જ સને-૨૦૧૯ માં પ્રથમ વખત સ્‍ટાર ગ્રુપ આયોજીત ઇનામી ધમકા સ્‍કીમ અસ્‍માબેનના ઘાંચીવાડના ઘરેથી બહાર પાડી હતી. તેનો ડ્રો કર્યો હતો. ત્‍યાર બાદ સ્‍ટાર ગ્રુપના નામે જ અલગ અલગ પ્રકારની સ્‍કીમો બહાર પાડતા હતા જેમાં ગઈ નો ૧૦/૧૦/૨૦૨૧ના રોજ બહાર પાડેલી સ્‍કીમમાં કુલ ૧૪૦ સભ્‍યો હતાં. એ સ્‍કીમમાં રોકાણકારે કુલ ભરવા પાત્ર રકમ ૧ લાખ હતી અને મળવા પાત્ર રકમ ૨૦ મનિામાં રૂા. ૨ લાખ જાહેર કરાઇ હતી. આ લોભામણી સ્‍કીમની પત્રીકા પણ બહાર પાડવામાં આવી હતી. એ પત્રીકાની પાછળના ભાગે સ્‍કીમના નિયમો હતાં. જેમાં લખ્‍યું હતું કે દરેક સભ્‍યએ ૧ લાખ ભરવાના રહેશે અને તેને ૨ લાખ પરત મળશે.
ત્‍યારબાદ ૧૮/૩/૨૧ના રોજ કુલ ૫૦૦ સભ્‍યોની સ્‍કીમ બહાર પાડી હતી. તેમાં દેરક સભ્‍યએ રૂા. ૩૬૦૦નો હપ્‍તો ભરવાનો હતો. ૪૦ હપ્‍તા ભરી કુલ રૂા. ૧,૪૪,૦૦૦ ભરવાના હતાં અને મુદ્દત પુરી થયે દરેકને રૂા. ૧,૬૦,૦૦૦ મળશે તેવું કહેવાયું હતું. આ સ્‍કીમ બહાર પાડી સ્‍કીમ ઓથોરાઇઝ છે તેવું દર્શાવવા સ્‍કીમના કાર્ડ ઉપર રજી નં. ગુજરાત-૨૮૬૫૦ પણ છાપેલુ હતું. એ પછી જુદા જુદા એજન્‍ટો મારફત મોટી રકમો મેળવવા માટે એજન્‍ટોને કમીશન આપી સ્‍કમોનો સમયાંતરે ડ્રો યોજવામાં આવતો હતો. જેમા઼ મોટા ભાગના ડ્રો રાજકોટથી નજીક આવેલી શિવશક્‍તિ હોટેલમાં ટીકીટ ખરીદનાર તથા તેમના પરિવારના સભ્‍યોને ભવ્‍ય જમણવારની પાર્ટી આપીને કરવામાં આવતાં હતાં. ઇનામી ડ્રો ઉપરાંત એકાદ બે વર્ષમાં નાણા ડબલની સ્‍કીમની લાલચ આપી ઘણા ગ્રાહકો પાસેથી મોટી રકમ ઉઘરાવવામાં આવતી હતી.
આ લોકો આવા ડ્રો અવાર-નવાર યોજતાં હોઇ તેની ઓફિસમાં એ.સી., સાત આઠ મોબાઇલ ફોન ટેબલ પર રાખી પોતાની જાતને ઉંચી દેખાડી રોકાણકારોનો ભરોસો જીતતા હતાં અને ગરીબ મધ્‍યમ વર્ગના લોકો લાલચમાં આવી પોતાની મરણ મુડી સમાન બચત સ્‍ટાર ગ્રુપના સભ્‍ય તરીકે ચુકવતાં હતાં. સ્‍ટાર ગ્રુપ સ્‍કીમના મુખ્‍ય આયોજક અસ્‍માબેન કાસમાણી અને દેવીબેન ઉર્ફ હર્ષાબેન ઉર્ફ હકીબેન રાઠોડ હતાંઉ આ બંનેના પરિવારના સભ્‍યો પણ તેમાં સામેલ હતાં. જેમાં દેવીબેન ઉર્ફ હકીબેનના પરિવાર તરફથી તેમના માતા રંજનબેન માવજીભાઇ રાઠોડ (રહે. ભવાનીનગર), દેવીબેનના ભાઇ વિક્રમ રાઠોડ (રહે. આજીડેમ ચોકડી), તેણીના બનેવી ભુપત રામજીભાઇ વાઢેર (રહે. આણંદપરા બાઘી), દેવીબેનનો મિત્ર કેતન ઉર્ફ ટીનો પ્રવિણભાઇ ભટ્ટી (રહે. કોઠારીયા રોડ) તથા અસ્‍માબેનના પીરવાર તરફથી તેનો પતિ રજાક કાસમાણી, ભાઇ શાહીદ આમદભાઇ પણ આ સ્‍કીમમાં સક્રિય રીતે જોડાયેલા હતાં અને રોકાણકારો પાસેથી પુર્વયોજીત કાવતરાના ભાગ રૂપે નાણા ઉઘરાવતાં હતાં.
ફરિયાદી કમલેશભાઇએ વધુમાં જણાવ્‍યું છે કે આ પછી આ ટોળકીએ રોકાણકારોના નાણામાંથી પોતાના અંગત ઉપયોગ માટે પ્રોપર્ટી અને સોનુ ખરીદવાનું ચાલુ કર્યુ હતું. આ વાતની અમને જાણ થતાં અમે અસ્‍માબેન અને દેવીબેન પાસે જમા કરાવેલી અમારી રકમ પાછી માંગતા એ લોકોએ ખોટા વચનો આપવાનું ચાલુ કર્યુ હતું. અમે વધુ તપાસ કરતાં ખબર પડી હતી કે આ લોકોએ રોકાણકારોના નાણામાંથી મિલ્‍કતો ખરીદી લીધી છે. આથી અમે જે તે વખતે અમારી રીતે તપાસ કરી હતી. એ દરમિયાન તા. ૧/૬/૨૦૨૧ના રોજ દેવીબેન ઉર્ફ હર્ષાબેન ઉર્ફ હકીબેન રાઠોડે સવારના દસેક વાગ્‍યે પોતાના ઘરે ભવાનીનગરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
આ સ્‍કીમમાં નૂતનબેન રવજીભાઇ ચોૈહાણ પણ એજન્‍ટ તરીકે જોડાયા હતાં અને જુદા જુદા માણસો પાસેથી તેમજ પોતાના મળી રૂા. ૫૦ લાખ તથા અમુક તોલા સોનુ દેવીબેન ઉર્ફ હકીબેનના કહેવાથી રંજનબેન તથા ભૂપત વાઢેરને શિવશક્‍તિ હોટેલ ખાતે ડીનર રાખેલ હતું તે સમયે ડ્રો વખતે આપ્‍યું હતું. તેમજ રૂા. ૮૭ લાખ નુતન ચોૈહાણે અસ્‍મા કાસમાણીના કહેવાથી તેના પતિ રજાક કાસમાણીને સોંપ્‍યા હતા. આ પૈસા રજાક તથા તેના સાળા શાહિદે સંભાળ્‍યા હતાં. મેં (ફરિયાદી કમલેશભાઇએ) મારી મરણમુણી રૂા. ૪ લાખ દેવીકાબેન ઉર્ફ હર્ષાબેન ઉર્ફ હકીબેનને હાથોહાથ આપી હતી. તેમજ રૂા. ૫૦ હજાર નુતન ચોૈહાણ હસ્‍તક અસ્‍મા કાસમાણીને આપ્‍યા હતાં. આ ઉપરાંત કાળીબેન ઉર્ફ મીનાબેન દિનેશ ગોહેલે રૂા. ૨.૫૦ લાખ અને ૧૫ તોલા સોનુ દેવી ઉર્ફ હકીબેનના કહેવાથી રંજનબેનને આપેલા હતાં.
તેમજ ગીતાબેન કાળુ ગોહિલે રૂા. ૯ લાખ દેવી ઉર્ફ હકીના કહેવાથી રંજનબન રાઠોડ પાસે જમા કરાવી હતી. તેમજ ૭.૨૦ લાખ અસ્‍માને આપ્‍યા હતાં. રીનાબેન ઉર્ફ લક્ષ્મીબેને રૂા. ૩૫,૭૪,૮૦૦ દેવી ઉર્ફ હકીબેનની હાજરીમાં રંજનબેન રાઠોડને આપ્‍યા હતાં. તેમજ સોનાના દાગીના આપ્‍યા હતાં. શિવશક્‍તિ હોટેલ ખાતે ૧૬/૧૧/૧૯ના રોજ તથા ૧૦/૧૦/૨૦૨૦ના અને તા. ૧૮/૩/૨૦૨૧ના રોજ ડ્રો થયા હતાં. સ્‍ટાર ગ્રુપના સભ્‍યો પાસેથી લીધેલા નાણામાંથી અસ્‍માબેન અને દેવીબેન ઉર્ફ હકીબેન રોકાણ માટે સોનુ ખરીદતા હતાં અને તે સોનુ પોતાના નામે તથા પોતાના પરિવારના સભ્‍યોના નામે તથા દેવીબેન તેના મિત્ર કેતન ઉર્ફ ટીનો ભટ્ટીના નામે મુથુટ ફાયનાન્‍સ કંપની, આઇઆઇએફએલ ફાયનાન્‍સ કંપનીમાં ગીરવે મુકી તેના પર નાણા ઉપાડી ડ્રો સમયે ડીનર અને ડ્રોમાં ચુકવવાની થતી રકમ તેમજ પોતાના અંગત ઉપયોગ અને હરવા ફરવામાં વાપરતા હતાં.
દેવીબેને વસુંધરા નામની ફલેટ અને ટેનામેન્‍ટની સ્‍કીમમાં રોકાણ માટે એક ફલેટ પણ ખરીદ કર્યો હતો. તેમજ દૂધસાગર રોડ પર ગુ.હા. બોર્ડમાં બે મિલ્‍કતો ખરીદી હતી. આ ઉપરાંત અસ્‍મા કાસમાણીએ ઘાંચીવાડમાં લેટેસ્‍ટ મકાન બનાવ્‍યું છે. તેમાં દરેક માળે મોટા મોટા એ.સી. અને મોંઘુ ફર્નિચર વસાવ્‍યું છે. તે સમયે આ લોકો નવી નવી ગાડીઓ ખરીદતા હતાં અને લોકડાઉનમાં પોતાની નામના વધારવા મોટી રકમની રાશનની કીટો બનાવી વિતરણ કરતાં હતાં. બાકીના નાણા ભુપત રામજી વાઢેરે અને વિક્રમ માવજી રાઠોડે પોતાના પરિવારના નામે રોકાણમાં વાપર્યા છે.
કેતન ઉર્ફ ટીનાએ મકાન અને આધુનિક ઓફિસ પાછળ નાણા વાપર્યા છે. અસ્‍માના પતિ અને ભાઇએ પણ પોતાના નામે મિલ્‍કતો ખરીદલી લીધી છે. દેવીબેન ઉર્ફ હર્ષાબેન ઉર્ફ હકીબેન રાઠોડના મૃત્‍યુ બાદ અમે તથા બીજા રોકાણકારોએ અસ્‍માબેન અને દેવીબેનના પરિવારના સભ્‍યો પાસે અમારા નાણા પાછા માંગતા આ લોકોએ દેવીબેનની ઉત્તરક્રિયા પછી બધાને નાણા આપી દઇશું તેવી ખાત્રી આપી હતી. પરંત્‍ુ એ પછી અસ્‍માબેન અને રંજનબેન તથા તેના પરિવારના સભ્‍યો અમોને નાણા આપતાં ન હોઇ અને આજ સુધી નાણા આપ્‍યા ન હોઇ અંતે અમે ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં કમલેશભાઇએ જણાવ્‍યું છે.
પીઆઇ સી. જી. જોષીની રાહબરીમાં હેડકોન્‍સ. આર. એલ. વાઘેલાએ ગુનો દાખલ કરાવતાં વધુ તપાસ સી.જી. જોષી, વિરભદ્રસિંહ જાડેજા સહિતે તપાસ હાથ ધરી છે.

દેવીએ આપઘાત કર્યો ત્‍યારે ૧૧ કરોડના હિસાબનો ગોટાળો હોવાનું જણાવાયું હતું

આપઘાતના બે મહિના પછી અસ્‍મા, શબાના, નૂતન અને દેવીના મિત્ર કેતન ઉર્ફ ટીના વિરૂધ્‍ધ દેવી ઉર્ફ હકીને આ ચારેયએ મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધાયો હતો

રાજકોટ તા. ૨૦: રામનાથપરા ભવાનીનગર શેરી નં. ૬-અમાં રહેતી દેવીબેન ઉર્ફ હર્ષાબેન ઉર્ફ હકીબેનએ તા. ૧/૬/૨૧ના રોજ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની ઘટનાના બે મહિના પછી દેવીબેન ઉર્ફ હકીબેનના માતા રંજનબેને ચોંકાવનારી વિગતો સાથે ફરિયાદ નોંધાવી હતી. દેવીબેન ઉર્ફ હકીબેન ઇનામી ડ્રો સ્‍કીમ ચલાવતી હોઇ તેની સાથે સ્‍કીમમાં સામેલ અસ્‍મા સહિતની ત્રણ મહિલાઓ લગભગ ૧૧ કરોડનો હિસાબ આપતી ન હોઇ તેમજ તેનો પરિચીત એવો શખ્‍સ તેણીના દાગીના ગિરવી મુકી લોન લઇ રૂપિયા ચાંઉ કરી ગયો હોઇ ઇનામી સ્‍કીમમાં રોકાણ કરનારાઓને નાણા પોતે ચુકવી ન શકતાં મરવા મજબૂર થયાનું જે તે વખતે જણાવાતાં એ-ડિવીઝન પોલીસે ભવાનીનગર-૬માં રહેતાં મૃતક દેવીબેનના માતા રંજનબેન માવજીભાઇ રાઠોડ (કારડીયા રાજપૂત) (ઉ.વ.૬૦)ની ફરિયાદ પરથી ઘાંચીવાડની અસ્‍મા કાસમાણી, ભવાનીનગરની શબાના, ભવાનીનગરની નૂતન ચોૈહાણ અને આશાપુરનગર હુડકોના કેતન ઉર્ફ ટીનો ભટ્ટી સામે આઇપીસી ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધ્‍યો હતો.

રંજનબેને તે વખતે ફરિયાદમાં જણાવ્‍યું હતું કે મારી દિકરી બચત સ્‍કીમ ચલાવતી તેની સાથે અસ્‍માબેન, શબાનાબેન અને નુતનબેન પણ ડ્રો કરી બધાના રૂપિયા ઉઘરાવતી હતી. આ રૂપિયા અસ્‍મા અને શબાના તથા નુતન પોતાની પાસે રાખતી હતી. આ બધા ડ્રોના ઉઘરાવેલા રૂપિયા ૧૧ કરોડ જેવા હતાં. આ રકમ બધાને આપવાની હતી. તેના હિસાબની માહિતી અસ્‍માબેન કાસમાણી, નુતનબેન ચોૈહાણ, શબાનાબેન તથા કેતન ભટ્ટીને ખબર હતી. આ માહિતી મારી દિકરી દેવી ઉર્ફ હકી પાસે ન હોઇ તે વીસેક દિવસથી ગૂમસૂમ રહેતી હતી. તેને નિંદર ન આવતાં તેની દવા પણ લેતી હતી.

એ પછી મને (રંજનબેનને) એક વખત દેવીએ વાત કરી હતી ઇનામી ડ્રોના ઉઘરાવેલા રૂપિયાનો હિસાબ અસ્‍માબેન, શબાનાબેન, નૂતનબેન પાસે છે. બીજી તરફ ઇનામી ડ્રોની ટિકીટ લેનારા લોકોને મારે પૈસા ચુકવવાના થાય છે. પરંતુ આ લોકો મને હિસાબ આપતા નથી. કેતન ઉર્ફ ટીનાએ મારા દાગીના બેંકમાં મુકી દઇ તેના પર લોન લઇ લીધી છે. આ ચારેય જણા પૈસા આપતા ન હોઇ જેથી હું ઇનામી ડ્રોમાં મારી પાસે રોકાણ કરનારા લોકોને પૈસા આપી શકતી નથી. રોકાણ કરનારા મારી પાસે સતત ઉઘરાણી કરી રહ્યા હતાં. પરંતુ આ ચારેય  હિસાબ આપતાં ન હોઇ જેથી મારે મરવું પડે તેવી હાલત થઇ ગઇ છે. એ પછી દેવીબેને ૧/૬ના રોજ આપઘાત કર્યો હતો.

આવી વાત મારી દિકરી દેવી ઉર્ફ હકીએ મને કરી હતી. એ પછી તેણીએ તા.૧/૬ના રોજ આપઘાત કરી લીધો હતો. તે વખતે ફરિયાદી બનેલા રંજનબેન હવેની ફરિયાદમાં આરોપીમાં સામેલ થયા છે. ત્‍યારે ૧૧ કરોડનો ગોટાળો હોવાનું રંજનબેને ફરિયાદમાં કહ્યું હતું. જ્‍યારે ગઇકાલે નોંધાયેલી ફરિયાદમાં ઠગાઇનો આંકડો ૧ કરોડ ૯૫ લાખ જણાવાયો છે. જે તે વખતે અસમા કાસમાણી સહિતની ધરપકડ થઇ હતી અને બાદમાં તે જામીન પર મુક્‍ત થયા હતાં.

 

(1:29 pm IST)