Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

સોની બજારના વેપારી ભાવેશભાઇ પારેખને રાજસ્‍થાની વેપારીનો ૧૪.૧૮ લાખનો ‘ધૂંબો'

જસ્‍ટ ડાયલ મારફત મિલન સોનીએ કોન્‍ટેક્‍ટ કરી પ્રારંભે સોનાની બાલી મંગાવી પેમેન્‍ટ કરી દીધું: બાદમાં ૩૫૬ ગ્રામ માલ મંગાવી માત્ર ૫૦ હજાર ચુકવી બીજી રકમનો ધૂંબો મારી દીધોઃ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૦: સોની બજારના વધુ એક વેપારી સાથે ઠગાઇનો બનાવ સામે આવ્‍યો છે. જેમાં રાજસ્‍થાનના વેપારીએ તેની પાસેથી સોનાની બાલી ૩૫૬ ગ્રામ  મંગાવી તે પૈકી માત્ર ૫૦ હજાર ચુકવી બાકીના ૧૪ લાખ ૧૮ હજાર ન ચુકવી છેતરપીંડી કર્યાનો આરોપ મુકાયો છે. 

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે કાંતાસ્ત્રી વિકાસગૃહ રોડ પર પ્રેસિયસ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૧૦૧માં રહેતાં અને સોની બજાર સવજીભાઇની શેરીમાં પદ્મમણી  જ્‍વેલર્સ નામે દૂકાન ધરાવતાં સોની વેપારી ભાવેશભાઇ મણીલાલ પારેખ (સોની) (ઉ.૪૯)ની ફરિયાદ પરથી રાજસ્‍થાન ગંગાનગર ખાતે શ્રીરામ જ્‍વેલર્સ નામે વેપાર કરતાં મિલન સતપાલભાઇ સોની વિરૂધ્‍ધ રૂા. ૧૪,૧૮,૦૦૦ની ઠગાઇનો ગુનો નોંધ્‍યો છે.

ભાવેશભાઇ પારેખે પોલીસને જણાવ્‍યું છે કે રાજસ્‍થાન ખાતે પેઢી ધરાવતાં મિલન સોનીએ તા. ૨૫/૯/૨૧ના રોજ ઓનલાઇન વેબસાઇટ જસ્‍ટ ડાયલ મારફત મારો કોન્‍ટેક્‍ટ કર્યો હતો અને વેપાર-ધંધા બાબતે વાત કરી હતી. ત્‍યારબાદ તેણે ચારેક વખત અલગ અલગ જાતની સોનાની બાલી મંગાવતાં અમે તેને બ્રાઇટ લોજીસ્‍ટીક મારફત આ માલ મોકલ્‍યો હતો. તેની અમારે લેવાની થતી રકમ તેણે આરટીજીએસ મારફત મોકલી હતી. એ પછી ૨૪/૩/૨૨ના રોજ અમારી વચ્‍ચે વધુ એક સોદો થયો હતો. જેમાં મેં તેમને ઓર્ડર મુજબ રૂા. ૧૪,૬૮,૦૦૦ની ૩૫૬ ગ્રામ વજનની સોનાની બાલી મોકલી આપી હતી. તેણે આ માલના એડવાન્‍સ પેમેન્‍ટ પેટે રૂા. ૫૦ હજાર અમને આરટીજીએસથી મોકલી આપ્‍યા હતાં.

પરંતુ બાકીના રૂા. ૧૪,૧૮,૦૦૦ તેણે પોતે પછી મોકલશે તેમ કહ્યું હતું. અગાઉ તેણે માલ લઇ બીલ ચુકવી દીધા હોઇ તેના પર વિશ્વાસ રાખ્‍યો હતો. પરંતુ એ પછી વારંવાર અમારી રકમની ઉઘરાણી કરવા છતાં તે પૈસા આપતો ન હોઇ અને થોડા દિવસોમાં જ આપી દેશે તેવી વાત કરતો હોઇ છેલ્લે પેમેન્‍ટ ન ચુકવી ઠગાઇ કરતાં ફરિયાદ નોંધાવી હતી. હેડકોન્‍સ. એલ. એ. જતાપરાએ ગુનો દાખલ કરાવતાં  પીઆઇ સી. જી. જોષીની રાહબરીમાં પીએઅસાઇ જે. ડી. વસાવા, રાઇટર સંજયભાઇએ તપાસ હાથ ધરી છે

(3:29 pm IST)