Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

નવાગામ રંગીલા સોસાયટીમાં બનેવીને આપઘાતની ફરજ પાડવા અંગે પકડાયેલ ચાર આરોપી સાળાઓની જામીન અરજી રદ

આરોપીઓ વિરૂધ્ધ પ્રથમ દર્શનીય ગંભીર ગુનો છેઃ જામીન આપી શકાય નહિં: અદાલત

રાજકોટ તા. ર૦: બનેવીને આત્મ હત્યાની ફરજ પાડવાના ગુન્હામાં સાળાની જામીન અરજી રદ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો. ગત તા. ૩૧-પ-રરના રોજ નવાગામ રંગીલા સોસાયટીમાં આત્મહત્યા કરનાર કીશનભાઇ દીલીપભાઇ સોલંકીએ તેમની પત્ની સાસુ, સસરા તથા સાળાઓના ત્રાસ દુઃખના કારણે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરેલ તે ગુન્હો કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે મરણજનારની પત્ની, સાસુ, સસરા તથા ચાર સાળાઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ. જેમાંથી આરોપી (૧) વિક્રમ કનુ પરમાર (ર) સાગર કનુ પરમાર (૩) કીરીટ કનુ પરમાર (૪) કિશન કનુ પરમાર બધા રહે. રંગીલા સોસાયટી નવાગામ વાળાએ જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ છે, કારણ કે મરણ જનારે આત્મહત્યા કરતા પહેલા વોટસએપમાં ઓડીયો બનાવેલ છે અને તે ઓડીયોમાં આરોપીઓના ત્રાસ દુઃખના કારણે આત્મહત્યા કરે છે. તેવું જણાવે છે. તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી એ. વી. હીરપરાએ જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકાર તરફે એ.પી.પી. મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતાં.

(3:46 pm IST)