Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

પત્નિ અને સંતાનોને ભરણપોષણની રકમ નહિ ચુકવતા પતિને ૫૦ દિવસની જેલ સજા

રાજકોટ,તા. ૨૦: પત્નીને ભરણપોષણની રકમ નહીં ચૂકવનાર પતિને ૫૦ દિવસની જેલની સજા ફેમીલી કોર્ટ ફરમાવી હતી.

આ કેસની હકીકત એવી છે કે, આ કામના અરજદાર ચાંદનીબેન રોહીતભાઇ ડાવેરા વિગેરે રહે. રાજકોટવાળાએ પોતાની પતિ રોહીતભાઇ આઇદનભાઇ ડાવેરા એટલે કે સામાવાળા રહે .રાજકોટવાળા વિરૂધ્ધ ક્રિ.પો.કોડની કલમ ૧૨૫ મુજબ ભરણપોષણ મેળવવા ફેમીલી કોર્ટમાં અરજી કરેલ તેમાં કોર્ટએ અરજદારની અરજી મંજુરી કરી અરજદાર નં. ૧ ચાંદનીબેનને માસીક રૂા. ૪૦૦૦ તથા અરજદાર  નં. ૨ રાજવીને રૂા. ૧૦૦૦  તથા અરજદાર નં. ૩ યુવરાજને રૂા. ૧૦૦૦ આમ કુલ ભરણપોષણ પેટે રૂા. ૬૦૦૦ ચુકવવા તેવો હુકમ સામાવાળા વિરૂધ્ધ કરેલ હતો.

આ હુકમનું સામાવાળા પાલન કરતા ન હોય તેથી અરજદારે તેમના એડવોકેટ અમીત ગડારા મારફત તા. ૨૪/૯/૨૧થી તા. ૨૪/૨/૨૦૨૨ સુધીની કુલ ૫ માસની ચડત ભરણપોષણની રકમ તથા અરજી ખર્ચ સહીતની કુલ રકમ રૂા. ૩૦,૦૦૦ મેળવવા રાજકોટની ફેમીલી કોર્ટમાં અરજી કરેલ હતી.

આ કામે કોર્ટ સામાવાળા વિરૂધ્ધ નોટીસ ઇસ્યુ કરેલ, જે નોટીસની બજવણી યોગ્ય રીતે થઇ ગયેલ હોય જેથી કોર્ટ સમક્ષ સામાવાળા મુદત હરોળમાં હાજર રહેલ હોય જેથી કોર્ટે સામાવાળાને સદર રકમ ભરપાઇ કરવા જણાવેલ પરંતુ સામાવાળાએ રકમ ભરપાઇ કરવાની ના પાડેલ જેથી કોર્ટએ તેમને જ્યુડીસીયલ કસ્ટડીમાં લીધેલ તેમજ અરજદારના એડવોકેટે સામાવાળાને જેલ સજા કરવા કોર્ટને જણાવેલ હોય આથી અદાલતે સામાવાળાને ૫૦ દિવસની સાદી જેલ સજા કરવાનો હુકમ કરેલ હોય આથી રોહીતભાઇની કોર્ટમાંથી ધરપકડ કરી તાત્કાલીક જેલ હવાલે કરવાનો હુકમ કરેલ હતો. અરજદાર ચાંદનીબેન રોહીતભાઇ ડાવેરા વતી એડવોકેટ અમીત વી.ગડારા, પરેશ મૃગ, ભાર્ગવ જે.પંડ્યા, કેતન જે.સાવલીયા, રીતેષ ટોપીયા વિગેરે રોકાયેલ હતા.

(3:51 pm IST)