Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

શંકરસિંહજી વાઘેલા ફરી બનશે કોંગ્રેસી અગ્રણી

ના PK ગયા ના NP પરંતુ પૂર્વ મુખ્યમંત્રી ફરી કોંગ્રેસમાં જોડાઇ ભાજપને હંફાવા કસી રહ્યા છે કમર :રાજ્ય ઇન્ચાર્જ રઘુ શર્મા તથા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સાથે અનૌપચારીક બેઠક મળી ગયાના અહેવાલો

રાજકોટ તા. ૨૦ : રાજકીય લડવૈયા અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલા પ્રશાંત કિશોર અને નરેશ પટેલ સંયુકત રીતે ગુજરાતમાં ભાજપને મોટો પડકાર આપવા માટે સક્રિય બન્યા હતા પરંતુ હવે જ્યારે પ્રશાંત કિશોરે કોંગ્રેસને મદદ નહી કરે તેમ કહ્યા બાદ નરેશ પટેલે પણ રાજકારણમાં નહી જોડાય તેવું જાહેર કરી દીધું છે ત્યારે ભાજપને હંફાવા માટેની આશા હજુ શંકરસિંહ વાઘેલાએ છોડી નથી તેઓ તૂર્તમાં પુનઃ કોંગ્રેસ પ્રવેશ કરી શકે છે. આ અંગે ઉચ્ચ સ્તરે અનૌપચારિક મીટીંગો પણ થઇ ચુકી હોવાનું જાણવા મળે છે.

આમ તો ભૂતકાળમાં ડોકીયુ કરીએ તો એક વાત સાબીત થઇ ચૂકી છે કે બાપુ ગમે તે કરી શકે. ભાજપને પણ તોડી શકે અને કોંગ્રેસને પણ પછાડી શકે. શંકરસિંહજીની રાજકીય કુનેહ અને રાજકીય જોખમ ખેડી ગમે તેવો આકરો નિર્ણય લેવાની ક્ષમતા છે.

આગામી વિધાનસભા ચૂંટણી માટે બાપુએ ભાજપને પડકાર માટે થોડી રાજકીય ચહલપહલ કરી હતી અને તેના ભાગરૂપે જ નરેશ પટેલ પ્રથમવાર તેઓ રાજકારણમાં જોડાવા ઇચ્છી રહ્યા છે તેવું જાહેર કર્યું હતું પરંતુ આપ અને કોંગ્રેસને વિધાનસભા ચુંટણી પૂરતા એક કરી ને કે ચૂંટણી સમજૂતી કરીને મજબૂત પડકાર ઉભો કરવા પ્રયાસ કરાયેલો અને તે માટે પ્રશાંત કિશોર પણ રાહમાં હતા પરંતુ પાસા બરાબર ન પડતા રાજકીય વાદળા વિખેરાઇ ગયા હતા.

હવે ફરીથી શંકરસિંહજી વાઘેલાએ આગામી ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂતાઇથી ભાજપને પડકાર ફેંકે તે માટે લડી શકાય તેમ છે તેવો ઇશારો કોંગી આગેવાનોને આપી દીધો હોવાનું અને આ અંગે થોડી રાજકીય ગતિવિધિ આદરી પણ દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

મળતા અહેવાલો મુજબ એક રાજકીય કાર્યક્રમ બાદ રાજ્યના કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા તથા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સામે શંકરસિંહજી વાઘેલાની અનૌપચારીક બેઠક મળી ગઇ હોવાનું અને બાપુની કોંગ્રેસમાં વાપસી અંગે ચહલપહલ પણ શરૂ થઇ ગઇ છે.

શંકરસિંહજી વાઘેલાના કોંગ્રેસ પ્રવેશ અંગેનો તખ્તો તૂર્તમાં ગોઠવાઇ જાય તેવા સ્પષ્ટ નિર્દેશો મળી રહ્યા છે.

દરમિયાન એમ પણ જાણવા મળે છે કે ઇડીનો મામલો સામે આવ્યો એ પહેલા ત્રણેક દિવસ પહેલા બાપુ અને ટોચના કોંગ્રેસી આગેવાનો વચ્ચે બેઠક થઇ હતી. પરંતુ હેરાલ્ડ કેસ પ્રકરણે સોનિયાજી અને રાહુલ ગાંધીને સમન્ય પાઠવાતા પ્રદેશ કક્ષાએથી મામલો હાઇકમાન્ડ પાસે પહોંચશે એ પહેલા જ ઇડી મામલો સામે આવતા બાપુના કોંગ્રેસ પ્રવેશને હાલ પુરતી બ્રેક લાગી ગઇ હતી.

(3:57 pm IST)