Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

એક પછી એક પિસ્‍તોલથી ત્રણ બાર થયા... ગાંધીજીનાં મુખમાંથી ઉદ્‌ગાર સર્યો... ‘હે રામ...' જીવન વગરનાં ઢગલાની જેમ ગાંધીજી જમીન પર પડયા

આઝાદી પૂર્વે સ્‍વાતંત્ર્ય સૈનિકોની લડતનો ઈતિહાસ

૩૦મી જાન્‍યુઆરી, ૧૯૪૮ ગાંધીજીનો અંતિમ દિવસ હતો. આખો દિવસ કામમાં ગયો હતો. સંધ્‍યા પ્રાર્થનાનો સમય થવા આવ્‍યો હતો અને વલ્લભભાઈ પટેલ મળવા આવ્‍યા. પ્રાર્થનાનો સમય સાંજે ૫ વાગ્‍યે હતો અને ૫:૧૦ વાગ્‍યે તેમણે સરદારને કહ્યું હતું કે ‘મને રજા આપવી પડશે. ઈશ્વરની બેઠકમાં જવાનો સમય થઈ ગયો છે.' ગાંધીજીને મળવા આવેલ સરદાર અંતિમ વ્‍યક્‍તિ હતા. સરદારને ક્‍યાં ખબર હતી કે ૧૦ મિનીટ બાદ ગાંધીજી કાયમી વિદાય લઈ જશે. ગાંધીજીએ સરકારને જણાવેલ કે પ્રાર્થનાસભામાં કોઈની તપાસ કરવી નહિ. નથુરામ ગોડસે પિસ્‍તોલ લઈને ગાંધીજીની સમીપ પહોંચ્‍યા હતા.

ગાંધીજી ૫:૨૦ વાગ્‍યે પ્રાર્થનાસભાનાં શમિયાણા તરફ ચાલતા હતા. નથુરામ ગોડસે તેમની તદ્દન નજીક પહોંચ્‍યા. નથુરામનાં હાથ ખિસ્‍સામાં હતા. ધીરેથી સેફ્‌ટી કોચ ખોલ્‍યો અને ડાબે હાથે ઝટકો આપ્‍યો અને એક પછી એક નથુરામે ત્રણ બાર કર્યા. ગાંધીજીનાં મુખમાંથી ઉદગાર સર્યો... ‘હે રામ...' તે પછી તદ્દન જીવન વગરનાં ઢગલાની જેમ તેઓ ધીરેથી જમીન પર પડ્‍યા. ગાંધીજીનાં હાથ ત્‍યારે જોડાયેલા હતા. ગાંધીજીએ સરદારને કહ્યું હતું કે ‘ઈશ્વરની બેઠકમાં જવાનો સમય આવી ગયો છે' તે ચરિતાર્થ થયું.

ભારત સરકાર દ્વારા ઓલ ઇન્‍ડિયા રેડિયો દ્વારા સાંજે ૬ કલાકે જાહેરાત કરવામાં આવી. જેમાં કહેવાયું કે ‘મહાત્‍મા ગાંધીજીની આજે સાંજે પાંચ અને વીસ મિનીટે હત્‍યા થઈ છે અને તેમનો હત્‍યારો હિંદુ હતો.'

માઉન્‍ટબેટન, નહેરૂ અને સરદારે એવું નક્કી કર્યું કે ગાંધીજીનાં મૃતદેહને મઢીને સ્‍પેશિયલ ટ્રેન દોડાવીને દેશભરમાં ફેરવવો, જેથી કરોડો લોકો ગાંધીજીનાં અંતિમ દર્શન કરી શકે. જો કે તે જ સમયે ગાંધીજીનાં સેક્રેટરી પ્‍યારેલાલે કહ્યું કે ‘ગાંધીજીએ પોતે જ ક્‍યારનું કહી રાખ્‍યું હતું કે તેમનાં મૃત્‍યુ બાદ તેમનાં મૃતદેહને ૨૪ કલાકમાં જ અગ્નિદાહ આપવો અને તે પણ ચુસ્‍ત હિંદુ રિવાજ મુજબ.'

ગાંધીજીનાં અવસાનનાં સમાચારથી ભારત સ્‍વયંભુ સ્‍થગિત થઈ ગયું. નહેરૂએ કહ્યું કે ‘આપણા જીવનમાંથી પ્રકાશ ચાલ્‍યો ગયો છે. ચારે તરફ અંધકાર છવાયો છે. આપણા પ્‍યારા બાપુ, આપણા રાષ્ટ્રપિતા હવે નથી રહ્યા.'

વિશ્વનાં ઘણા દેશોમાંથી દિલસોજીનાં સંદેશ આવ્‍યા. જયોર્જ બર્નાર્ડ શોએ કહ્યું કે ‘આ બતાવે છે કે દુનિયામાં સારા બનવું એ કેટલું ખતરામય છે.'

નહેરૂ અને વલ્લભભાઈએ ગાંધીજીનાં દેહ પર લાલ અને સફેદ કપડા ઓઢાડ્‍યા અને ભારતનો ધ્‍વજ ઓઢાડવામાં આવ્‍યો. ગાંધીજીનાં પુત્ર રામદાસે હિંદુ પરંપરા મુજબ અગ્નિદાહ દીધું. નાના પુત્ર દેવદાસે દ્યી, કપૂર અને ધૂપથી લાકડા ભીંજવ્‍યા. દિલ્‍હીમાં ૧૦ લાખ માણસો સ્‍મશાન તથા રસ્‍તામાં ઉભરાયા હતા. બ્રિટીશ અધિકારી માર્ગરેટ બોર્ડે કહ્યું કે ‘આખા વિશ્વમાં આવી માનવમેદની ક્‍યારે પણ ઉભરાશે નહિ.'

મારા પિતાશ્રી વાલજીભાઈ ઠક્કર ગાંધીજીનાં પ્રખર અનુયાયી હતા. ઓલ ઇન્‍ડિયા રેડિયો દ્વારા ગાંધીજીની હત્‍યા અંગે જાહેરાત થઈ ત્‍યારે તેઓ ધ્રુસકે-ધ્રુસકે રડતા હતા. મેં કારણ પૂછ્‍યું તો એટલું જે કહ્યું કે ‘ગાંધીજી ગયા..' મારી વય તે સમયે ૫ વર્ષની હતી એટલે કંઈ ગતાગમ ન પડી. ગાંધીજીને જોવાનો અવસર ન મળ્‍યો પણ તેમની હયાતીમાં મારો જન્‍મ થયો તે મારા મારે ચિરસ્‍મરણીય રહેશે.

 

 

‘‘શ્રદ્ધાંજલિ''

 ‘મહાત્‍મા ગાંધીજીનું નામ ઈતિહાસમાં બુદ્ધ અને જીસસ ક્રાઈસ્‍ટની માનવ ભાઈચારામાં માનતા સૌ લોકો માટે ગાંધીજીનું મૃત્‍યુ એક વિલાપ બની રહેશેઃ ફ્રાંસનાં વડાપ્રધાન જયોર્જી

 ભારતની સાથે આજે સમગ્ર વિશ્વ શોકગ્રસ્‍ત બનું ગયું છેઃ વોશિંગ્‍ટનનાં ટ્રમેને

 ‘જેમની મૂક્‍તિ માટે તે જીવ્‍યા હતાં તે જ લોકોએ તેમની હત્‍યા કરી છે. દુનિયાનાં ઈતિહાસમાં આ બીજો ઇસુવધ છે. ઓહ.. વિશ્વપિતા અમને માફ કરો'': હિંદુસ્‍તાન સ્‍ટાન્‍ડર્ડ

 આ બતાવે છે કે સારા બનવું એ કેટલું ખતરામય છેઃ બર્નાર્ડ શો

 

 

 

 ગાંધીજીઍ ૩૫ વર્ષમાં ૭૯ હજાર કિમી. નો ­વાસ ખેડ્યો.. જે ધરતીનાં બે ચક્કર જેટલી યાત્રા હતી.

 ગાંધીજી અને જિન્હા બંને સૌરાષ્ટ્રનાં વતની... ગાંધીજી, જિન્હા અને સરદાર બ્રિટનમાં બેરીસ્ટર બન્યા.

 ગાંધીજીઍ ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ નાં રોજ તથા જિન્હાઍ ૧૧મી સપ્ટેમ્બર, ૧૯૪૮ નાં રોજ અવસાન પામ્યા. તા. ૧૫મી અોગષ્ટ, ૧૯૪૭ માં આઝાદી મળી અને ઍક વર્ષમાં બંને સમર્થો વિદાય લઈ ગયા.

‘‘વિશ્વનાં વિકાસ માટે સ્વેચ્છાઍ પવિત્ર બલિદાન આપી શકે તેવું સ્વતંત્ર અને મજબૂત ભારત મારે જાવું છે. દેશ સૌને માટે બલિદાન આપે તેવું ઈશ્વરનું સામ્રાજય આ વિશ્વમાં મારે જાવું છે.’’: ગાંધીજી

 પ્રાર્થનાનો સમય થઈ ગયો હતો. ગાંધીજીઍ સરદારને કહ્નાં કે ‘‘મને રજા આપવી પડશે. ઈશ્વરની બેઠકમાં જવાનો સમય આવી ગયો છે’’ અને ગાંધીજી ૧૦ મિનીટ બાદ ઈશ્વરનાં ધામમાં પહોંચ્યા.

 ૬ કલાકે ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા જાહેરાત કરવામાં આવી.. ‘‘ગાંધીજીની સાંજે પાંચ અને વીસ મિનીટે હત્યા થઇ છે અને તેમનો હત્યારો હિંદુ હતો.’’

 ગાંધીજીઍ કહી રાખ્યું હતું કે તેમનાં મૃત્યુ બાદ તેમનાં મૃતદેહને ૨૪ કલાકમાં જ અગ્નિદાહ આપવો અને તે પણ ચુસ્ત હિંદુ રિવાજ મુજબ

 

 

સંકલનઃ નવીન ઠકકર

મો. ૯૮૯૮૩૪૫૮૦૦

(4:15 pm IST)